બ્રાયોફાઇલમ : દ્વિદળી વર્ગના વનસ્પતિસમૂહમાં આવેલા ક્રેસ્યુલેસી કુળની એક પ્રજાતિ. તેની એક જાણીતી જાતિ Bryophyllum pinnatum. (Lam.) Kurz. syn. B. calycinum Salisb. (ગુ. એલચો, પર્ણકૂટી, પાનફૂટી, ઝખ્મે-હયાત, ખાટ-ખટુંબો, ઘાયમારી) છે. કેટલીક જગ્યાએ તેને પાષાણભેદ કહે છે. પાષાણભેદનો સાચો છોડ Bergenia ligulata Ergl. syn.; Saxifraga lingulata Wall. છે.

લગભગ 0.75 મી.થી 1.0 મી. ઊંચી થતી આ જાતિનાં પર્ણો સાધારણ મોટાં, લંબગોળ, થોડા ખાંચાવાળાં અને જાડાં હોય છે. તે એક માંસલ જાતિ છે. તેનાં પર્ણો રોપવાથી કે જમીનને સ્પર્શવાથી તેના ખાંચાઓમાંથી નવા છોડ ઊગી નીકળે છે. તેથી તેનું નામ પાનફૂટી પડ્યું છે. તેના અગ્રભાગે ઉદભવતા પુષ્પવિન્યાસ-અક્ષ ઉપર ભૂંગળા આકારનાં આંગળી જેવાં જાડાં, 5 સેમી.થી 6 સેમી. લાંબાં લાલાશ પડતાં કેસરી રંગનાં પુષ્પો આવે છે અને ઠીક ઠીક સમય સુધી ટકે છે. પુષ્પો મુખ્યત્વે શિયાળામાં આવે છે.

આ છોડને કૂંડામાં સારી રીતે ઉછેરી શકાય છે. શૈલોદ્યાન(rockery)માં પણ આ છોડ રોપવામાં આવે છે. તેનાં બીજ નાનાં હોય છે.

પર્ણનો રસ મરડામાં તથા ઘા ઉપર પ્રતિરોધી (antiseptic) તરીકે પણ વપરાય છે. આયુર્વેદની ર્દષ્ટિએ દરેક ઘરમાં આ છોડનું કૂંડું રાખવું હિતાવહ છે. આ ઉપરાંત B. tubiflorum અને B. daigremontianum જેવી જાતિઓ પણ થાય છે.

બ્રાયોફાઇલમના સફળ ઉછેર માટે મૂળ આગળ પાણી ન ભરાઈ જાય તે જરૂરી છે. પાણી જમીનમાં જલદી શોષાઈ જવું જોઈએ. કૂંડામાં કાંપ – ખાતર – બારીક રેતી વગેરે નાખીને પાણી સારી રીતે નીતરી જાય તેમ કરવું હિતાવહ છે.

મ. ઝ. શાહ