આર્યસમૂહ (Aryan Group) : ભારતીય સ્તરવિદ્યા(stratigr-aphy)માં ઊર્ધ્વ કાર્બોનિફેરસથી મધ્ય ઇયોસીન સુધીના કાળગાળા દરમિયાન નિક્ષેપક્રિયા પામેલી સંખ્યાબંધ સ્તરરચનાશ્રેણીઓના સળંગ ખડકસમૂહ માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઊર્ધ્વ કાર્બોનિફેરસ-પર્મિયન કાળગાળો એ ભારતના બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તારો માટે કાર્બોપર્મિયન અથવા હર્સિનિયન નામે જાણીતી મહાન ભૂસંચલનક્રિયાઓની પરંપરાની ઊથલપાથલનો કાળ હતો. જુદા જુદા વિસ્તારોમાં નિક્ષેપવિરામ (break) પડવાને કારણે જળ-ભૂમિ વિતરણની પુનર્રચના થઈ, પ્રાકૃતિક-ભૌગોલિક પરિવર્તનો થયાં, જૂની નિક્ષેપરચનાઓની અખંડિતતા તૂટી. આ નિક્ષેપવિરામ એક વિશિષ્ટ લક્ષણ સ્વરૂપે પર્મો-કાર્બોનિફેરસ ખડકોના તળભાગમાં રહેલી વ્યાપક અસંગતિ દ્વારા દર્શાવાય છે. ઊર્ધ્વ-કાર્બોનિફેરસ અસંગતિ તરીકે ઓળખાતા આ નિક્ષેપવિરામના દાર્શનિક પુરાવા રૂપે જે ગુરુગોળાશ્મ(boulder)સ્તર (દ્વીપકલ્પીય વિસ્તારમાં તાલ્ચીર ગુરુગોળાશ્મસ્તર, બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તારમાં બ્લેઈની ગુરુગોળાશ્મસ્તર) મળી આવે છે તેને ભૂસ્તરવિદો એક અત્યંત મહત્ત્વની આધારરેખા (datum line) અથવા સંદર્ભ-સપાટી (referenceplane) તરીકે ઓળખાવે છે, જેનાથી દ્રાવિડ સમૂહ તરીકે ઓળખાતો તેની નીચેનો સ્તરસમૂહ તેની ઉપરના આર્યસમૂહ તરીકે ઓળખાતા સ્તરસમૂહથી અલગ પડે છે. ભારતના તમામ વિસ્તારો કે જ્યાં જ્યાં પર્મિયન રચના જોવા મળે છે તેની નીચે વ્યાપક અસંગતિ તરીકે તે સર્વત્ર મળી આવે છે. આમાં એકમાત્ર અપવાદ છે, હિમાલયનો તિબેટતરફી ઉત્તરીય સ્પિટી વિસ્તાર. ત્યાં સ્પષ્ટ નિક્ષેપવિરામ ન હોવાથી ગૌણ અસંગતિ દ્વારા તે દર્શાવાય છે.
આ ખડકરચનાઓના સતત સંપર્કમાં મધ્ય કાર્બોનિફેરસની ઊર્ધ્વ તલસપાટી પર વ્યાપક રીતે સર્વત્ર જોવા મળતા નિક્ષેપવિરામનો, સર ટી. એચ. હોલૅન્ડે નીચેના સ્તરસમૂહને દ્રાવિડસમૂહ અને ઉપરના સ્તરસમૂહને આર્યસમૂહ એવાં નામ આપીને બંને સ્તરસમૂહોને જુદા પાડવાના સંદર્ભ તરીકે યોગ્ય ઉપયોગ કર્યો છે. સ્તરાનુક્રમકોઠા પરથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. (જુઓ કોઠો)
કોઠા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતના જુદા જુદા ભાગોમાં મળી આવતી જુદા જુદા ભૂસ્તરીય કાળની ખડકરચનાઓને રૂઢિગત પ્રણાલી મુજબ આર્કિયન, પુરાણા, દ્રાવિડ અને આર્ય એમ વિવિધ સમૂહોમાં વર્ગીકૃત કરેલી છે. આ પ્રણાલી મુજબ ભારતમાં મળી આવતી ઊર્ધ્વ કાર્બોનિફેરસથી માંડીને ઉપર તરફની ખડક-રચનાઓનો આર્યસમૂહમાં સમાવેશ કરેલો છે.
આર્યયુગના પ્રારંભકાળમાં દક્ષિણ ગોળાર્ધમાં ઍન્ટાર્ક્ટિકા સાથે સંકલિત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને અરવલ્લી તેમજ વિંધ્યાચળ સહિતના ભારતને આવરી લેતો ગૉંડવાના ખંડ નામે ઓળખાતો સળંગ વિશાળ ભૂમિસમૂહ હતો. તેને ઉત્તર ગોળાર્ધમાં આવેલા એટલા જ વિશાળ યુરેશિયા ખંડથી અલગ પાડતો તે વખતનો વિરાટ ભૂમધ્ય સમુદ્ર લગભગ આખીયે પૃથ્વીને વીંટળાયેલો ટેથીઝ નામે સમુદ્ર ઘૂઘવતો હતો. તેના જુદા જુદા નાના-મોટા ફાંટા પણ ઉત્તરદક્ષિણે વિસ્તરેલા હતા. ઇયોસીનના અંત સુધી આ સમુદ્રની ઉપસ્થિતિ રહી, જેના તળ ઉપર ભારતીય ભૂસ્તરશાસ્ત્રના મહત્વના ગણાતા આર્યયુગના મોટાભાગને રચતી, કાર્બોપર્મિયનના પ્રારંભથી ઇયોસીનના મધ્યભાગ સુધીના લાંબા ગાળાના ભૂસ્તરીય ઇતિહાસની રચનાઓ તે કાળગાળા દરમિયાન ઊંડા જળના નિક્ષેપ-વિભાગ સ્વરૂપે તૈયાર થયેલી તે સચવાઈ રહેલી આજે જોવા મળે છે.
તૃતીય જીવયુગ(Tertiary)ના પ્રારંભકાળમાં અર્થાત્ ઇયોસીનના મધ્યકાળ વખતે પૃથ્વીના પટ ઉપર દીર્ઘકાલીન ભૂસંચલન (Alpine Himalayan Orogeny) શરૂ થયું; ગાડવાના ખંડમાં ભંગાણ પડ્યું, ખંડો ઉત્તર, પૂર્વ, પશ્ચિમ તરફ ખસતા ગયા, ભારતીય ભૂમિમાળખાનું અને ભૌગોલિક પરિસ્થિતિનું પુનર્નિર્માણ થતું રહ્યું, ટેથીઝના ભૂસંનતિમય થાળા(Tethyan geosynclinal basin)માં એકઠા થયેલા દરિયાઈ નિક્ષેપોના જથ્થાનું મહાસાગરતળ ક્રમશ: ઊંચું આવવાની દીર્ઘકાલીન ક્રિયા દ્વારા આલ્પ્સ અને હિમાલય પર્વતમાળા સ્વરૂપે તબક્કાવાર ઊર્ધ્વગમન થતું રહ્યું, જે આજ પર્યંત ચાલુ છે. આમ મધ્ય ઇયોસીનથી તૃતીય જીવયુગના અંત સુધી ટેથીઝ સમુદ્રને સ્થાને દુનિયાની ઉત્તુંગ ગિરિમાળાઓ ઊપસી આવી. આ રીતે આર્યયુગના ખડકો રચતા વિવિધ સ્તરશ્રેણીસમૂહોની નિક્ષેપક્રિયાનો અંત આવ્યો.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા