બૉમ્બે સેન્ટિનલ : 1913માં સર ફીરોઝશા મહેતાએ મુંબઈમાં સ્થાપેલા રાષ્ટ્રવાદી અંગ્રેજી દૈનિક (સવારના) ‘બૉમ્બે ક્રૉનિકલ’ સાથે સાંધ્ય દૈનિક તરીકે પ્રગટ થતું અંગ્રેજી વૃત્તપત્ર. આ બંને દૈનિકોના તંત્રી એક અંગ્રેજ બી. જી. હૉર્નિમૅન હતા. મુંબઈ શહેરમાં જુગારના અડ્ડાઓ સામે ‘બૉમ્બે સેન્ટિનલે’ જોરદાર ઝુંબેશ ચલાવી પોલીસતંત્રનો રોષ વહોરી લીધો હતો. હૉર્નિમૅન એક વાર જુગારના અડ્ડાનો વૃત્તાંત લેવા ગયા ત્યારે પોલીસે એમની પણ ધરપકડ કરી, તેમના પર કેસ કર્યો હતો; પરંતુ ચીફ પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા અને પત્રની ઝુંબેશને બિરદાવી હતી. પ્રકાશક કંપની સામે બદનક્ષીના એક કેસમાં અદાલતે ભારે નુકસાન ચૂકવવા આદેશ આપતાં તેની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ અને તેણે દેવાળું કાઢ્યું. પત્રની માલિકી પહેલાં બેલગામવાળા પાસે અને ત્યારબાદ એન. એમ. કામા પાસે ગઈ હતી. તેમણે એસોસિયેટેડ પેપર કંપની સ્થાપી અને ‘બૉમ્બે ક્રૉનિકલ’ તથા ‘બૉમ્બે સેન્ટિનલ’નું તંત્રીપદ સૈયદ અબદુલ્લા બ્રેલ્વીને સોંપ્યું. આ બંને પત્રોએ દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ઘણો મોટો ફાળો આપ્યો. 1959માં બંને પત્રોનું પ્રકાશન બંધ થઈ ગયું.
મહેશ ઠાકર