બૉન્સાઈ : વૃક્ષને તદ્દન નાનું રાખી કૂંડામાં ઉછેરવાની એક ઉદ્યાનવિદ્યાકીય (horticultural) પદ્ધતિ. બૉન્સાઇ જાપાની શબ્દ છે. જાપાની સ્ત્રીઓ એમના પગની પાનીઓ નાનપણમાં સખત બાંધી રાખી નાની રાખવા પ્રયત્ન કરે છે. તે જ પ્રમાણે સો-દોઢ સો વર્ષનું વૃક્ષ એની શાખાઓ, પર્ણો, પુષ્પ, ફળ, વડવાઈઓ (હોય તો) બધું એક કૂંડામાં 50થી 60 સેમી.ની ઊંચાઈમાં સમાઈ જાય; તદ્દન તંદુરસ્ત લાગે; નાનું ખરું, પણ ઉંમર પ્રમાણેનો તેનો દેખાવ પણ જણાય; આવું ઠીંગણું રાખેલું વૃક્ષ તે બૉન્સાઇ. જાપાનનાં ઘણાં કુટુંબોમાં વંશપરંપરાથી ચાલ્યા આવતા આવા બૉન્સાઇના નમૂના માટે તેઓ ખૂબ ગૌરવ અને આનંદ અનુભવે છે અને તેની કાળજી પણ સારી એવી લે છે.

બૉન્સાઈ

આ માટે સામાન્ય રીતે લાંબા આયુષ્યવાળું અને ધીમી ગતિએ વધતું વૃક્ષ પસંદ કરવામાં આવે છે. આવું વૃક્ષ કોઈ પથ્થર, દીવાલ કે લાકડા વચ્ચે ફસાઈને કુદરતી રીતે જ બટકું રહી ગયું હોય તો તે પ્રથમ પસંદગી પામે છે. આવા વૃક્ષને કાઢીને તેને એક છીછરા કૂંડામાં રોપવામાં આવે છે. રોપતાં પહેલાં એનાં મૂળ અને શાખાઓ થોડાઘણા પ્રમાણમાં કાપી નાખવામાં આવે છે. કૂંડામાં રોપ્યા પછી એને ખાતરપાણી પ્રમાણસર આપવામાં આવે છે; જેથી છોડ જીવતો રહે અને એની શક્તિ પહેલાં કપાઈ ગયેલાં મૂળ અને શાખાઓને ઠીકઠાક કરવામાં વપરાય અને છોડ નવેસરથી ઉપર વધવા માંડે કે તુરત એને ફરીથી કૂંડામાંથી બહાર કાઢી, જરૂર પ્રમાણે કાપી ફરી રોપવામાં આવે છે. પરિણામે છોડ જીવતો રહે, પણ વધે નહિ. આમ જે તે જાત પ્રમાણે છોડને વરસમાં એક-બે-ત્રણ વખત બદલવામાં આવે છે. આવું જીવન પર્યંત કરવામાં આવે છે. એટલું જ નહિ, ઘણી વખત એના થડ ઉપર થોડાક વખત માટે તાર વીંટી દેવામાં આવે છે. જેથી થડ વધે તો તેની ઉપર કરચલીઓ દેખાય એટલે એની ઉંમર વધારે લાગે.

વધ અને કાપ એ બે વચ્ચેનું સમતોલન જાળવવું બહુ મુશ્કેલ હોય છે.

ખાતર-પાણી-તડકો-હવા બધું આપી, પણ થોડે થોડે સમયાંતરે થોડાં થોડાં મૂળ કાપી નાંખવામાં આવે છે; જેથી છોડ વધે નહિ. મોટે ભાગે બૉન્સાઇના છોડ 15થી 25 વર્ષ સુધી ભારતમાં ઉછેરી શકાય છે. એથી વધારે વર્ષો માટે ઉછેરવાનું મુશ્કેલ બને છે. બૉન્સાઇ માટેના છોડને ખુલ્લામાં જ રાખવા જોઈએ – સિવાય કે કાપકૂપ કર્યા પછી બે-ચાર દિવસ આછાપાતળા છાંયામાં રખાય તો સારું.

વડ, પીપળો, સરુ વગેરે વૃક્ષોને આ રીતે બૉન્સાઇ માટે પસંદ કરવામાં આવે છે. કેટલાક જાહેર બગીચામાં, સંગ્રહાલયોમાં આવા બૉન્સાઇના નમૂના રાખવામાં આવેલા હોય છે. ભારતમાં ઉદ્યાન-પ્રેમીઓમાં આ શોખ ધીરે ધીરે વધતો જાય છે, અને એટલે કેટલીક નર્સરીઓમાં આવા છોડ બહુ ઊંચી કિંમતે વેચાય છે. જોકે આવો છોડ પોતાની જાતે તૈયાર કરવો અને આવો છોડ તૈયાર વેચાતો લાવવો – એ બેના આનંદમાં આભ-જમીનનો ફેર હોય છે.

મ. ઝ. શાહ