બૉક ગોલિકા
January, 2000
બૉક ગોલિકા (Bok globule) : આદિ તારક(protostar)નાં પૂર્વગામી હોવાનું મનાતાં, આકાશગંગામાં કે પછી અંતરીક્ષમાં આવેલાં, ધૂળ અને વાયુનાં ઘટ્ટ આંતરતારકીય ગોળાકાર કાળાં વાદળ. આ વાદળ એના શોધક બાર્ટ જે. બૉક(1906–1983)ના નામે ઓળખાય છે. મૂળે ડચ, પણ પાછળથી અમેરિકા જઈ વસેલા આ ખગોળ-ભૌતિકશાસ્ત્રીએ 1947માં આની શોધ કરી હતી. બૉક આપણી આકાશગંગાના અભ્યાસ માટે અને ખાસ તો એમાં જ્યાં તારાઓ બનતા હોય તેવા વિસ્તારોના વિસ્તૃત અભ્યાસ માટે જાણીતા છે. બૉક ગ્લોબ્યૂલ ક્યારેક કેવળ ‘ગ્લોબ્યૂલ’ તરીકે પણ ઓળખાય છે.
બૉક ગોલિકા વિવિધ કદની અથવા મુખ્યત્વે નાની અને મોટી – એમ બે કદની જોવા મળે છે. નાની ગોલિકાનો વ્યાસ 8,000 આકાશી એકમ (Astronomical Unit, AU) અથવા 0.04 પાર્સેક (parsec, pc) જેટલો હોવાનું માનવામાં આવે છે. (એક આકાશી એકમ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરાસરી અંતર, અર્થાત્ 14,95,98,000 કિમી. અને એક પાર્સેક એટલે 2,06,265 આકાશી એકમ). આ ગોલિકા તેજસ્વી-ઉત્સર્જન-નિહારિકાઓ(emission nebulae)ની આગળ દેખાતી હોય છે. મોટી ગોલિકા એક બાજુથી બીજી બાજુ સુધી એમ એકાદ પાર્સેક જેટલા વિસ્તારમાં ફેલાયેલી હોય છે અને તે આકાશગંગાના તારાઓની પશ્ચાદભૂમિકામાં, તારાઓના પ્રકાશને અવરોધતા, કાળા ધાબા રૂપે અથવા કાળા બાકોરા રૂપે દેખાય છે. આમ બૉક ગ્લોબ્યૂલ, પોતે પ્રકાશિત ન હોવાથી, કાં તો તેજોમય નિહારિકા(luminous nebula)ની મોખરે જોવા મળે છે; પછી તારામેઘ(star clouds)ના મંદ પ્રકાશની આડશે જોવા મળે છે. આ ગ્લોબ્યૂલમાં રહેલાં સંઘનિત વાયુ અને ધૂળના સૂક્ષ્મ રજકણો જેવું દ્રવ્ય એમને અપારદર્શક બનાવે છે. ગ્લોબ્યૂલના વિસ્તાર અને અપારદર્શકતાના પ્રમાણ પરથી એમનું દ્રવ્યમાન ગણવામાં આવતાં તે ઓછામાં ઓછું આશરે 0.1 અને વધુમાં વધુ 2.000 સૌર દ્રવ્યમાનની વચ્ચે હોવાનું જણાયું છે.
અવરક્ત (infrared) નિરીક્ષણોએ દર્શાવ્યું છે કે ગોલકોનું આંતરિક તાપમાન ઘણું ઓછું – પાંચથી પંદર કેલ્વિનની મર્યાદામાં – હોય છે. આને કારણે આ ગોલકોમાંનો મોટાભાગનો વાયુ આણ્વિક રૂપે (molecular form) હોય છે. આણ્વિક હાઇડ્રોજન મોટા પ્રમાણમાં હોવો જોઈએ અને સરળતાથી ર્દષ્ટિગોચર થવો જોઈએ, પરંતુ એવું થતું નથી. આથી ઊલટું, રેડિયો-તંરગોની મદદથી, વિરલ એવા કાર્બન મોનૉક્સાઇડ, ફૉર્માલ્ડિહાઇડ વગેરેના અણુઓ સહેલાઈથી જોઈ શકાય છે.
બૉકે શોધી કાઢ્યું કે ગ્લોબ્યૂલમાં રહેલા વાયુ સંઘનન (ઘનીકરણ) થવાની પ્રક્રિયામાં છે. આ પરથી બૉકે સૂચવ્યું કે આ ગ્લોબ્યૂલ તારા બનવાની આરંભિક–આદિ તારક–અવસ્થામાં હોઈ શકે. વિસ્તારની સરખામણીએ ગોલકોમાં જોવા મળતું વધુ દ્રવ્યમાન અને એમાંનું નીચું તાપમાન ગોલકોને ગુરુત્વીય સંકોચન (gravitational contraction) તરફ દોરી જાય છે. આ વાયુ-રજોટીનાં વાદળો ગુરુત્વીય સંકોચન પામીને પહેલાં આદિ તારકોમાં અને અંતે મુખ્ય શ્રેણીના સમરૂપ તારા(main sequence stars)માં રૂપાંતરિત થાય છે.
ગ્લોબ્યૂલના અભ્યાસથી તારાઓના જન્મ અંગેની જાણકારી સાંપડે છે. મેસિયર-8, NGC 2244, અને IC 2944 વગેરે જેવા આકાશી પિંડો નાનાં ગોલકોનાં જાણીતાં ઉદાહરણો છે. આ પિંડોના પાડવામાં આવેલા ફોટાગ્રાફમાં નાનાં ગોલકો સહેલાઈથી ઓળખી શકાય છે. મોટાં ગોલકોનાં જાણીતાં ઉદાહરણોમાં સર્પધર-તારામંડળનો સમાવેશ થાય છે. એમાં આવેલા Rho Ophiuchi નામના એક તારાની નજદીક આવેલા, Rho Ophiuchi cloudમાં આવો એક મોટો ગ્લોબ્યૂલ આવેલો છે. સ્વસ્તિક-તારામંડળમાં આવેલી કાજલ-થેલી નામે ઓળખાતી નિહારિકા (Coal Sack nebula) અને વૃષભ-તારામંડળ વગેરેમાં આવાં મોટાં ગોલકો જોવા મળે છે.
સુશ્રુત પટેલ