બેલિઝ (નદી) : મધ્ય અમેરિકામાં આવેલા ગ્વાટેમાલાના બેલિઝ શહેર નજીક થઈને વહેતી નદી. તેનું બીજું નામ ‘ઓલ્ડ રીવર’ છે. તે ઈશાન ગ્વાટેમાલામાંથી મોપાન નદીના નામથી નીકળે છે. ત્યાંથી તે 290 કિમી.ના અંતર સુધી બેંક વીજો, સાન ઇગ્નાસિયો (અલ કાયો) અને બેલ્મોપાન નજીકની રોરિંગ ક્રિક પાસે થઈ બેલિઝ શહેર નજીક કેરિબિયન સમુદ્રને મળે છે. પૂર્વ-કોલંબિયન ઐતિહાસિક કાળગાળા દરમિયાન તે મય-ઇંડિયન સંસ્કૃતિ વખતે વ્યાપારી જળવ્યવહાર તરીકે ઉપયોગમાં લેવાતી હતી. આજે પણ તે નાનાં વહાણો અને નૌકાઓ માટે બેલિઝ શહેરથી ગ્વાટેમાલાની સરહદ સુધી માલની હેરફેર માટે ઉપયોગમાં લેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા