બૅફિન ટાપુ : આર્ક્ટિક વિસ્તારમાં આવેલો ટાપુ. સ્થાન : 70° ઉ. અ. અને 70° પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. ઉત્તર ધ્રુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેની ઉત્તરમાં કેટલાક ટાપુઓ સહિત આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે હડસનની સામુદ્રધુની સહિત લાબ્રાડૉરનો ભૂમિભાગ, પૂર્વમાં ડેવિસની સામુદ્રધુની અને બૅફિન ઉપસાગર સહિત ગ્રીનલૅન્ડ અને પશ્ચિમે કૅનેડાની ઉત્તરનો વાયવ્ય સરહદી વિસ્તાર આવેલાં છે. વહીવટી ર્દષ્ટિએ તે કૅનેડાના વાયવ્ય સરહદી વિસ્તારના ફ્રૅંક્લિન જિલ્લાનો એક ભાગ ગણાય છે. દરિયાઈ ફાંટાઓના ભૂમિપ્રવેશને કારણે તેના છેડાઓ દ્વીપકલ્પ બની રહેલા છે. તેનું ક્ષેત્રફળ 5,07,451 ચોકિમી. જેટલું છે. કિનારાઓ અસંખ્ય ફિયૉર્ડથી ખાંચાખૂંચીવાળા બનેલા છે. આશરે 1,500 કિમી.ની લંબાઈવાળા આ ટાપુનો મોટો ભાગ 2,057 મીટરની ઊંચાઈ ધરાવતાં શિખરોવાળા હિમાચ્છાદિત પર્વતપ્રદેશથી છવાયેલો છે. વિષમ આબોહવાને કારણે કિનારાપટ્ટી પરની થોડીક વસ્તીને બાદ કરતાં આખોય ટાપુ નિર્જન છે. ખરબચડાં પર્વતશિખરો, ઊંડી ખીણો અને કિનારા પરનાં ફિયૉર્ડ-લક્ષણો વિશિષ્ટ પ્રકારનું સ્થળર્દશ્ય રજૂ કરે છે. કિનારા પરના વન્યજીવનની જાળવણી માટે પૂર્વમાં આવેલા કંબરલૅન્ડ દ્વીપકલ્પ પર 1972માં આશરે 13,340 ચોકિમી.નો રાષ્ટ્રીય ઉદ્યાન વિકસાવવામાં આવેલો છે. ટાપુના ઉત્તર ભાગમાંથી લોહધાતુખનિજો મળી આવેલાં છે અને છેક વાયવ્ય છેડે ચાંદી-સીસા-જસતનાં ખનિજોનું ખાણકાર્ય થાય છે.
11મી સદીમાં કેટલાક સંશોધકોએ આ ટાપુની મુલાકાત લીધેલી હોવાનું મનાય છે. વાયવ્યતરફી અવરજવરને અનુકૂળ માર્ગ શોધી કાઢવા માટે 1576–78માં નીકળેલા સર માર્ટિન ફોબિશરે તે જોયેલો હોવાની નોંધ મળે છે. 17મી સદીના અંગ્રેજ નાવિક વિલિયમ બૅફિનના માનમાં તેને આ નામ અપાયું છે.
ગિરીશભાઈ પંડ્યા