બૅન્ટ્રી ઉપસાગર : આયર્લૅન્ડના નૈર્ઋત્ય કિનારે કૉર્ક પરગણા નજીક ભૂમિભાગમાં પ્રવેશેલો ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરનો ફાંટો. તેની મહત્તમ લંબાઈ 48 કિમી. અને મુખભાગ આગળની પહોળાઈ 16 કિમી. જેટલી છે. આ ઉપસાગર ઉત્તર તરફ આવેલા કાહા દ્વીપકલ્પને દક્ષિણ તરફના શિપ્સહેડ દ્વીપકલ્પથી અલગ કરે છે. તે લગભગ ત્રણ બાજુએ પર્વતોથી વીંટળાયેલો છે. 1689 અને 1796માં આયર્લૅન્ડ પર હુમલો કરવાના આશયથી ફ્રેન્ચ દળો આ ઉપસાગરમાં પ્રવેશેલાં. ઉપસાગરમાં આવેલા વ્હીદ્દી ટાપુ પર ઓગણીસમી સદીના બ્રિટિશ નૌકામથકના અવશેષો આવેલા છે. અહીં એક વિશાળ કદનું તેલસંગ્રહ-મથક રાખેલું છે. ઉપસાગરના મથાળે બૅન્ટ્રી નગર વસેલું છે.

ગિરીશભાઈ પંડ્યા