બેનેકર, બેન્જામિન (જ. 9 નવેમ્બર 1731, બાલ્ટિમોર કાઉન્ટી, મેરીલૅન્ડ, યુ.એસ.; અ. 25 ઑક્ટોબર 1806, બાલ્ટિમોર) : સ્વપ્રયત્ને તૈયાર થયેલો અમેરિકાના હબસી (અશ્વેત) ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, પંચાંગોના રચયિતા, સંપાદક, શોધક અને લેખક. જેના વંશજો મૂળે આફ્રિકાના હોવાના પ્રમાણરૂપ કાળી ત્વચા ધરાવતા અમેરિકાના આ પ્રથમ વિજ્ઞાની ગુલામીની પ્રથાનો સતત વિરોધ કરતા રહ્યા હતા.

બેનેકરનાં માતા-પિતા આફ્રિકામાં ગુલામીમાંથી મુક્ત થયેલાં હબસી હતાં. તેમના પિતાનું નામ રૉબર્ટ બેનેકી અને માતાનું નામ મેરી બેનેકી હતું. બેનેકરની અંગ્રેજ દાદી(નાની)એ બાઇબલમાંથી લખતાં-વાંચતાં શીખવ્યું હતું. બેનેકરનું શાળાનું શિક્ષણ નહિવત્ હતું અને તે પણ ક્વેકરની એક ઓરડાવાળી શાળામાં થોડાંક અઠવાડિયાં પૂરતું જ. તેમણે નાનપણથી જ ગણિતમાં રસ દાખવવા માંડેલો. એમાં સ્વપ્રયત્ને આગળ વધીને તેઓ પાવરધા બન્યા. ખગોળમાં તો પાછલી ઉંમરે રસ જાગેલો. ઉછીના લાવેલાં ખગોળનાં પાઠ્યપુસ્તકો દિવસે વાંચીને અને રાત્રે તારાઓ જોઈને કોઈની પણ મદદ વગર જ ખગોળનું જ્ઞાન હાંસલ કરીને એમાં પણ તેઓ પારંગત બન્યા.

બાલ્ટિમોરની પાસે તેમનું પોતાનું ખેતર હતું તેમાં તેઓ તમાકુનું વાવેતર કરતા. આમ દિવસે તેઓ ખેડૂત અને રાત્રે ખગોળશાસ્ત્રી બની જતા ! 1761માં ત્રીસ વર્ષની ઉંમરે તેમણે લાકડાનું એક ઘડિયાળ બનાવેલું, જે બહુ ચોક્કસ સમય બતાવતું હતું. આ ઘડિયાળે ઘણાંનું ધ્યાન દોરેલું. મેરીલૅન્ડના જૉસેફ એલિકોટ નામના એક ઉદ્યોગપતિએ તો તેમને આવી પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત પણ કર્યા. 1773થી તેમણે ખગોલીય ગણતરીઓ કરવા માંડેલી અને 1789માં સૂર્યગ્રહણની સચોટ આગાહી પણ કરેલી. લગાતાર દૈનિક ગ્રહપત્રકો કે ગ્રહગતિતાલિકા- (ephemeris)ની ગણતરી કરીને તેમણે 1791થી 1802 દરમિયાન દર વર્ષે ઉત્કૃષ્ટ પંચાંગો પ્રસિદ્ધ કર્યાં. આ વાર્ષિક પંચાંગ(almanac)ની પહેલી પ્રત તેમણે તત્કાલીન યુ.એસ. સેક્રેટરી ઑવ્ સ્ટેટનો હોદ્દો ભોગવતા અને પાછળથી અમેરિકાના ત્રીજા પ્રમુખ બનેલા થૉમસ જૅફરસન(1743–1826)ને મોકલીને સાથે એક પત્ર પણ મોકલેલો, જેમાં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સના અશ્વેતોનો દરજ્જો સુધારવા સહાયની માંગણી કરેલી. આ ઉપરાંત, એક નિબંધકાર અને ચોપાનિયાં-પત્રિકા-લેખક (pamphleteer) તરીકે પણ તેઓ ગુલામી-પ્રથા અને યુદ્ધનો સતત વિરોધ વ્યક્ત કરતા રહેતા હતા. આ કારણે પંચાંગ-પ્રવૃત્તિને પણ આડકતરો ફાયદો થયો. ગુલામી-વિરોધી તેમની વિચારશૃંખલાને કારણે પેન્સિલવેનિયા અને મેરીલૅન્ડની ગુલામી-વિરોધી સોસાયટીઓનાં મદદ અને પ્રોત્સાહન પણ તેમને આવી મળ્યાં. વળી જૅફરસને તેમના પંચાંગનો પરિચય યુરોપના વિજ્ઞાનીઓને કરાવ્યો. આ રીતે ગુલામી-વિરોધી સંસ્થાઓ અને જૅફરસનના ટેકાથી પંચાંગોને સર્વત્ર આવકાર મળ્યો અને અમેરિકા જ નહિ, ઇંગ્લૅન્ડ વગેરેમાં પણ એનું સારું એવું વેચાણ થયું.

અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટન(1732–1799)ના શાસનકાળમાં નવી રાજધાની સ્થાપવાનો નિર્ણય લેવાયો. આ રાજધાની એટલે જેને આજે આપણે વૉશિંગ્ટન ડીસી તરીકે ઓળખીએ છીએ તે અને ડીસી એટલે ડિસ્ટ્રિક્ટ ઑવ્ કોલંબિયા. પ્રમુખે 1790માં ડિસ્ટ્રિક્ટ ઑવ્ કોલંબિયા કમિશનની નિમણૂક કરી અને આ ડિસ્ટ્રિક્ટની જગ્યા પોતે પસંદ કરી. એનો માસ્ટર-પ્લાન એક યુવાન ફ્રેન્ચ ઇજનેરે કર્યો. આ સમવાયી (કેન્દ્રીય) જિલ્લા (Federal district) ઉપરાંત નવી રાજધાની અંગે જરૂરી તમામ માપણી(મોજણી)ની જવાબદારી અમેરિકાના પ્રખ્યાત સર્વેયર એન્ડ્રુ એલિકોટ(1754–1820)ને સોંપવામાં આવી અને એના સહકાર્યકર તરીકે બેનેકરની પસંદગી કરવામાં આવી. સર્વેક્ષણની આ કામગીરી 1791થી 1793 સુધી ચાલી. મોજણી ઉપરાંત એલિકોટે રાજધાનીના મૂળ નકશા(plan)ને સુધારીને નવેસરથી દોરવાનું કામ પણ કર્યું.

મોજણી દરમિયાન શરૂઆતના ત્રણેક મહિના બેનેકર ખેતરમાં ખુલ્લા આકાશ નીચે તંબુમાં રહ્યા અને તંબુમાં જ એક કામચલાઉ વેધશાળા (field observatory) ઊભી કરી. રાત્રિ દરમિયાન તેઓ અહીંથી આકાશનું નિરીક્ષણ કરી નોંધો લેતા. સૂર્ય કે તારાનું પૂર્વથી પશ્ચિમ તરફની ગતિ દરમિયાન હાંસલ થતું આકાશમાં ઊંચામાં ઊંચું સ્થાન અથવા બીજા શબ્દોમાં કહીએ તો, અવકાશી પિંડની નિરીક્ષકના મધ્યાહ્નવૃત્ત કે યામ્યોત્તરવૃત્ત–મિરિડિન પર થઈને પસાર થવાની ઘટનાને તે પિંડનું યામ્યોત્તર-સંક્રમણ કે યામ્યોત્તર-ગમન (transit) કહેવાય છે અને જે સાધન દ્વારા એનું અવલોકન થાય છે તેને યામ્યોત્તર-યંત્ર (transit instrument) કહેવાય છે. એક જમાનામાં આવાં યંત્રો સમય-માપન માટે તથા સમુદ્રમધ્યે વહાણ હાંકવાના હેતુ માટે બહુ ઉપયોગી હતાં. બેનેકર આવા ઉપકરણની મદદથી નિરીક્ષણ કરી, જરૂરી નોંધો અને ગણતરીઓ કરીને તંબુ-વેધશાળાનાં ઘડિયાળોમાં સમય ચકાસતા અને ઘડિયાળો દુરસ્ત રાખતા. આ બધી કામગીરી અને અવલોકનો બીજા દિવસની મોજણીમાં બહુ ઉપયોગી થઈ પડતાં. તેમનો ખગોળપ્રેમ આ રીતે અમેરિકાની નવી રાજધાનીના નિર્માણમાં ઘણો ખપમાં આવ્યો.

આગળ જોયું તેમ, તેમણે બનાવેલા વાર્ષિક પંચાંગો એક કાળે અમેરિકા તથા યુરોપભરમાં બહુ લોકપ્રિય બન્યાં હતાં. એમાંની ગણતરીઓ અને રજૂ કરેલી ગ્રહગતિ-તાલિકાઓમાં પણ બહુ ચોકસાઈ જણાય છે. તેમના સમકાલીન પંચાંગકારોએ બનાવેલાં પંચાંગો કરતાં એ અનેક રીતે ચડિયાતાં હતાં. કમ્પ્યૂટરના આ જમાનામાં પંચાંગની આ બધી સૂક્ષ્મ ગણતરીઓ સહેલી લાગે, પરંતુ એ કાળે આ કામ ઘણું અઘરું હતું. થોડા સમય પૂર્વે, કમ્પ્યૂટર જેવાં આધુનિક સાધનોની મદદથી એ કાળનાં ઉપલબ્ધ પંચાંગોને ચકાસવામાં આવ્યાં, ત્યારે એ સૌમાં તેમનાં પંચાંગો બધી રીતે શ્રેષ્ઠ હોવાનું પુરવાર થયું હતું.

સુશ્રુત પટેલ