ચિન્તયામિ મનસા (1982) : ગુજરાતી વિવેચનસંગ્રહ. તેમાં 1977થી 1980ના ગાળામાં સુરેશ જોષીએ લખેલા લેખો છે. અધુનાતન યુરોપીય વિચારણાઓ વિશે અંગ્રેજી ભાષાના લેખોને આધારે તે લખેલા છે. ક્યાંક સારાનુવાદ, વિવરણ પણ છે. ખાસ કરીને અહીં સાહિત્ય અને ફિલસૂફીના પ્રશ્નો, કાવ્યવિવેચનના નવા અભિગમો અને સંકેતવિજ્ઞાન વિશેના લેખો આધુનિક સાહિત્ય અને વિવેચન પાછળ રહેલી ભૂમિકાઓનો નિર્દેશ કરે છે. ગુજરાતી વિવેચનને કુંઠિત થતું અટકાવવા માટે જગતભરની અધુનાતન વિચારણાઓનો પરિચય કેળવવો જરૂરી છે એવી સુરેશ જોષીની પ્રબળ માન્યતા આ લેખો પાછળ કામ કરી રહી હોય એમ લાગે છે. ગુજરાતી વિવેચન ઉપર રૂપરચનાવાદના પ્રસાર દ્વારા પ્રભાવ પાડનાર સુરેશ જોષીએ રૂપરચનાવાદથી સાવ સામે છેડેના ચૈતન્યલક્ષી અભિગમનો પરિચય જે. હિલિસ મિલરના લેખને આધારે કરાવીને ઊહાપોહ માટેની એક સંગીન ભૂમિકા પૂરી પાડી છે. આ ઉપરાંત ટી. એસ. એલિયટની પરંપરા વિશેની વિચારણા કરતાં જુદા પ્રકારની વિચારણા ધરાવતા હેરલ્ડ બ્લુમની વિચારણાનો પરિચય ‘કાવ્યવિવેચનનો એક નવો અભિગમ ?’ લેખમાં કરાવવામાં આવ્યો છે. યુરોપમાં પ્રવર્તમાન અધુનાતન વિચારણાનો પરિચય રિચાર્ડ પામરના એક લેખને આધારે ‘અર્વાચીનતા અને અનુઅર્વાચીનતા’ નામના લેખમાં કરાવવામાં આવ્યો છે. ટૂંકમાં, આ ગ્રંથ યુરોપીય અને અમેરિકન સાહિત્યવિવેચનવિચારના દોહનરૂપ છે અને એ રીતે તે અભ્યાસીઓને ઉપયોગી ગણાય. આ ગ્રંથને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી શ્રેષ્ઠ ગુજરાતી ગ્રંથ તરીકે પારિતોષિક પ્રાપ્ત થયું હતું. સુરેશ જોષીએ તેનો અસ્વીકાર કર્યો હતો.
શિરીષ પંચાલ