ચિદમ્બરમ્ : લોકપ્રિય મલયાલમ રંગીન ચલચિત્ર (1985). દિગ્દર્શક : જી. અરવિંદન; છબીકલા : શાજી; સંગીત : દેવરાજન; કલાકારો : સ્મિતા પાટિલ, ગોપી, શ્રીનિવાસન, મોહનદાસ.
આ ચલચિત્રના સર્જક છે વ્યંગચિત્રકાર, સંગીતજ્ઞ અને સાહિત્યસર્જક જી. અરવિંદન, જેમને વિવેચકો દક્ષિણ ભારતના સત્યજિત રે તરીકે સંબોધતા.
ચિદમ્બરમ્ ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો છે, તેમની આસપાસ કરુણાંત કથા ચાલે છે. કેરળની ધરતીના પ્રાકૃતિક સૌંદર્યને એક ચિત્રકારની નજરે અરવિંદને કૅમેરામાં ઝડપ્યું છે. નાયિકાના વિચલિત મન માટે પરપુરુષ કરતાં પ્રકૃતિનો ફાળો વિશેષ હતો, જેના કારણે ત્રણેય પાત્રોનાં જીવન બરબાદ થઈ ગયાં.
પહાડી ઇલાકામાં આવેલા એક સરકારી પશુફાર્મનો નિરીક્ષક શંકરન એક અકળ ચરિત્ર ધરાવે છે. લોકો તેના પ્રત્યે સન્માનની નજરે જુએ છે; પરંતુ તેની કેટલીક પ્રાકૃતિક નબળાઈઓ છે, જે નૈતિકતાના ઝીણા આવરણમાં છુપાયેલી હોય છે. એક દિવસ તેના હાથ નીચે કામ કરતો ખેડૂત મુનિયન્દી ગામમાં લગ્ન કરીને તેની નવપરિણીત પત્ની શિવકામી સાથે ફાર્મમાં પાછો ફરે છે. શિવકામીના સૌંદર્યથી શંકરન પ્રભાવિત બનતાં તેની નિર્બળતા તેના ઉપર છવાઈ જાય છે. તે શિવકામીનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. મુનિયન્દીને શંકરન માટે કોઈ શક જતો નથી. તે તો શંકરનના સહકાર્યકર જૅકબને લંપટ માને છે. શંકરનના વ્યવહારથી પ્રભાવિત બનેલી શિવકામી શંકરનની સમીપ આવતી જાય છે. એક દિવસ મુનિયન્દી બંનેને પ્રણયમાં ડૂબેલાં જોતાં તીવ્ર આઘાત અનુભવે છે. બીજા દિવસની સવારે તેના ઘરમાં મુનિયન્દીની લટકતી લાશ મળી આવે છે. શંકરનને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તેનું હૃદય અપરાધના ભારથી વિહવળ બને છે. મનની કાયરતા તેને નોકરી છોડવા મજબૂર કરે છે. તે તેની જાતને શરાબના નશામાં ડુબાવી દે છે. ઉદ્દેશહીન અવસ્થામાં તે ગમે ત્યાં ભટક્યા કરે છે. એક દિવસ આવી બરબાદીની હાલતમાં તે ચિદમ્બરમના મંદિરમાં જાય છે. મંદિરનાં પગથિયાં ઊતરતાં જ શંકરનની નજર એક ભિખારણ ઉપર પડે છે. ધ્યાનથી જોતાં ચહેરા ઉપર ઘાનાં નિશાન ધરાવતી શિવકામીને તે ઓળખી કાઢે છે. આત્મહત્યા કરતાં પહેલાં મુનિયન્દી શિવકામીને તે હાલતમાં છોડી ગયેલો હોય છે.
આ ત્રણે પાત્રોની પ્રતિક્રિયા સમાજ સ્વીકારી શકે તેમ ન હોવાથી ત્રણેનાં જીવન નષ્ટ થઈ જાય છે, એવો ગર્ભિત ધ્વનિ પણ આ ફિલ્મમાં દેખાય છે.
આ ફિલ્મ 1986માં લંડનમાં યોજાયેલા ફિલ્મમહોત્સવમાં તથા હૈદરાબાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ચિત્રમહોત્સવમાં પ્રદર્શિત થઈ હતી.
જી. અરવિંદનના દુ:ખદ અવસાન (1991) બાદ બૅંગાલુરુ ખાતે 1992માં યોજાયેલા ફિલ્મમહોત્સવમાં આ મહાન દિગ્દર્શકને અંજલિ સ્વરૂપે આ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી.
પીયૂષ વ્યાસ