ચિત્રકૂટ : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં મંદાકિની નદીના તટે આવેલું રામાયણપ્રસિદ્ધ પૌરાણિક પર્વતીય તીર્થસ્થળ. પૌરાણિક કથાનક મુજબ અહીં અત્રિ, ભરદ્વાજ આદિ પ્રાચીન ઋષિઓના આશ્રમો હતા. અહીં અત્રિ આશ્રમે સતી અનસૂયાને ઉદરે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ચંદ્ર, દત્ત અને દુર્વાસા રૂપે જન્મ્યા હતા. નિષધ દેશના નલરાજા અને પાંડવ યુધિષ્ઠિરે અહીં તપ કરી ઇષ્ટપ્રાપ્તિ કરેલી. આમ આ તીર્થ રામ દાશરથિના અહીં આવવા પૂર્વે પણ પવિત્ર સ્થળ તરીકે પ્રસિદ્ધ હતું. પિતાની આજ્ઞાથી વનવાસમાં આવેલા રામને નિવાસ માટે ભરદ્વાજે આ સ્થાન બતાવેલું. તદનુસાર ચિત્રકૂટ પર્વતની તળેટીમાં મંદાકિનીતટે રામ, લક્ષ્મણ અને સીતાએ આશ્રમ બાંધેલો. ચિત્રકૂટ અયોધ્યાથી બહુ દૂર નથી. રામને અયોધ્યા પાછા લઈ જવા સારુ ભરત અહીં રામને મળ્યા હતા. એની સ્મૃતિમાં રામઘાટ અને ભરતકૂપનાં સ્થળો છે. અયોધ્યાવાસીઓની અવરજવરથી તપસ્વીઓના એકાન્તનો ભંગ થતો જોઈ એ વિઘ્ન ટાળવાના હેતુથી રામ ચિત્રકૂટ છોડી દંડકારણ્યમાં પ્રવેશ્યા હતા.

ચિત્રકૂટ

ચિત્રકૂટમાં હવે માત્ર ગામ વસેલું છે, અહીં પ્રવેશતાં પ્રથમ આવે છે રામઘાટ, જ્યાં રામનો નિવાસ હતો. અહીં સ્થળે સ્થળે પથ્થરો પર માણસનાં પગલાંનાં ચિહનો ઊપસેલાં છે, જે રામનાં પદચિહનો મનાય છે. ભરત જ્યાં રામને મળ્યા હતા તે ભરતકૂપ અને જ્યાં રહેવાથી હનુમાનનો શરીરદાહ શાન્ત થયો હતો તે હનુમાનધારા, તુલસીદાસ જે ઘાટ પર બેસી રામની પ્રતીક્ષા કરતા હતા તે ઘાટ, થોડે દૂર આવેલું ગુપ્ત ગોદાવરી તીર્થ અને સ્ફટિક શિલા પરનાં સીતાનાં પદચિહનો, રામશય્યા, લક્ષ્મણમંદિર, સીતાનું રસોડું, અત્રિઋષિનો આશ્રમ, ભરદ્વાજાશ્રમ વગેરે અનેક પવિત્ર સ્થળો છે. અહીં ઘણાં રામમંદિરો છે અને રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની અનેક ભવ્ય પથ્થરમૂર્તિઓ છે. યાત્રીઓથી ટેવાયેલાં પુષ્કળ માંકડાં અને વાંદરાં છે. મનોહર વનરાજિ છે અને પર્વતીય સ્થળો છે.

નટવરલાલ યાજ્ઞિક