બેજબરુવા, લક્ષ્મીનાથ દીનાનાથ (જ. નવેમ્બર 1868, આહતગુરિ; અ. 26 માર્ચ 1938, દિબ્રુગઢ) : અસમિયા નિબંધકાર, નાટકકાર, કથાકાર અને કવિ. અસમિયા રાષ્ટ્રગીત ‘ઓ મોર આપોનાર દેશ’ના સર્જક. પ્રાથમિક શિક્ષણ ગુવાહાટી તથા શિવસાગરમાં. શિવસાગરની પ્રવેશ પરીક્ષા પાસ કરી (1886), ઉચ્ચ અભ્યાસાર્થે કૉલકાતાની જનરલ ઍસેમ્બ્લી કૉલેજમાંથી સ્નાતક થયા (1890). એમ.એ.બી.એલ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ ન થતાં કાયદાના શરતી કારકુન તરીકે કલકત્તા હાઈકૉર્ટમાં જોડાયા. ત્યારબાદ વધુ અભ્યાસાર્થે લંડન જવામાં નિષ્ફળતા મળતાં કૉલકાતામાં લાકડાનો વેપાર શરૂ કર્યો. તેમનું લગ્ન મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરની પૌત્રી પ્રજ્ઞાસુંદરીદેવી સાથે થયું હતું (1891). તેમણે મોટી રકમના દહેજનો અસ્વીકાર કર્યો હતો. એ રીતે બંગાળી સમાજ સાથે તેમનો નાતો જોડાયો.
તેઓ લલિત નિબંધોના શ્રેષ્ઠ સર્જક લેખાયા છે. તેમના નિબંધોના 4 સંગ્રહો પ્રગટ થયા છે : (1) ‘કૃપાવર કાકતર ટોપોલા’ (1964); (2) ‘ઓભતનિ’ (પીછેહઠ); (3) ‘બરબુરુવાર ભાવર બુરબુરનિ’ (બરબરુવાના વિચાર-પરપોટા); અને (4) ‘બરબરુવાર બુલનિ’. બીજા કેટલાક નિબંધો હાસ્યજનક પ્રહસનો છે. તેમના લલિત નિબંધો એકધારા જ્ઞાન સાથે ગમ્મત પીરસતાં દુન્વયી ડહાપણનાં રત્નો છે. તેમાંનાં રેખાચિત્રો તત્કાલીન નિમ્ન-મધ્યમવર્ગના આસામી લોકોના રીતરિવાજો અને એષણાઓ વિશે ઘણું બધું કહી જાય છે. અમુક વ્યક્તિઓની વિચિત્રતા અને તેમનાં નિવાસ તથા કામગીરીના સ્થળકાળના પરિવેશમાં એમનું હાસ્ય રજૂ થયેલું હોય છે.
તેમનાં હાસ્યપ્રધાન નાટકો અને પ્રહસનો (farce)માં માનવસ્વભાવની નબળાઈઓ છતી થઈ છે. તેમનાં ગંભીર નાટકોમાં ‘બેલિમાર’, ‘જયમતી કુંવરી’ અને ‘ચક્રધ્વજ સિંહ’ (1915) છે. નાટ્યાત્મક સામગ્રી અને ક્ષણોથી સભર હોઈ તે નાટકો જીવંત બન્યાં છે.
તેમણે આસામમાં થઈ ગયેલા બે સંતકવિઓ–શંકરદેવ અને માધવદેવનાં જીવનચરિત્રો આપ્યાં છે, જે તેમના પિતા દીનાનાથે રચેલ ‘ગુરુચરિત’ પર આધારિત છે. વૈષ્ણવજીવન, સંસ્કૃતિ અને ધર્મ વિશેનું તેમનું જ્ઞાન અગાધ હતું. તેમણે પોતાની આત્મકથા ‘મોર જીવન સોવરણ’માં માનવીય પાસાનું ભારપૂર્વક આલેખન કર્યું છે. ‘ધર્મ આરુ ઈશ્વરતત્વ’; ‘રાસલીલાતત્ત્વ’; ‘વેદાદિતત્વ’; ‘ભક્તિમાર્ગ’, ‘ગીતાતત્વ’, ‘કીર્તન આરુ ઘોષાતત્વ’માં તેમના ચિત્તનું પ્રામાણિક અને પારદર્શક પ્રતિબિંબ જોવા મળે છે.
તેઓ આધુનિક આસામી ટૂંકી વાર્તાના પિતા ગણાય છે. તેમના વાર્તાસંગ્રહોમાં ‘સાધુકથાર કુકિ’ (1910), ‘બુઢિ આઈર સાધુ’ (1912) અને ‘કાકાદેઉતા આરુ નાતિ-લ’રા’(1912)નો સમાવેશ થાય છે. ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ ‘સુરભિ’ 1912માં અને પછી ‘જોનબિરિ’ 1913માં પ્રગટ થયા. ‘પદમકુંવરી’ (1905) નામની ઐતિહાસિક ઘટના પર આધારિત નવલકથા પણ તેમણે આપી છે.
આ ઉપરાંત તેમણે અસમિયા સાહિત્યને અનેક પ્રેમકાવ્યો, પ્રકૃતિ-કાવ્યો, રાસ અને રાષ્ટ્રપ્રેમનાં ગીતો આપ્યાં છે. એમની સાહિત્યિક કારકિર્દી ‘જોનાકી’ સામયિક(1889)થી શરૂ થઈ હતી, જે પછી અર્ધી સદી સુધી વિસ્તરી. તેઓ ‘બાંહી’, ‘ઉષા’, ‘આવાહન’ વગેરે સામયિકોમાં નિયમિત રીતે લખતા હતા.
બળદેવભાઈ કનીજિયા