ચાંદ્ર-સૌર તિથિપત્ર (luni-solar calendar) : 12 ચાંદ્ર માસના બનેલા ચાંદ્ર વર્ષ અને ખગોલીય ક્રાંતિવૃત્તનું એક પરિભ્રમણ કરતાં સૂર્યને લાગતા સમયગાળા — સૌરવર્ષ (tropical year) અંગેનું તિથિપત્ર. ચાંદ્ર-સૌર વર્ષમાં બંને પ્રકારનાં વર્ષોનો સમન્વય સાધવામાં તેમજ તાલમેળ જાળવવામાં આવે છે.
સામાન્ય વ્યવહારોપયોગી કાળગણના માટે એક અમાસથી બીજી અમાસ કે એક પૂનમથી બીજી પૂનમ સુધીના 29.5306 સૌર દિનના ચાંદ્ર-સંયુતિ-માસ(lunar synodic month)ને અનુકૂળ એકમ તરીકે પ્રાચીન કાળથી ઉપયોગમાં લેવામાં આવે છે. આવા 12 સંયુતિમાસ મળીને એક ચાંદ્ર વર્ષ બને છે. ચાંદ્ર વર્ષનો કાળગણનામાં ઉપયોગ પ્રાચીન કાળથી યહૂદી, બૅબિલોનિયા, ગ્રીક અને આરબ તિથિપત્રોમાં પણ થતો આવ્યો છે. પુરાણા કાળનું બૅબિલોનિયાનું તિથિપત્ર તેમજ યહૂદી અને મુસ્લિમ તિથિપત્ર ફક્ત ચાંદ્ર માસ અને ચાંદ્ર વર્ષ પૂરતું સીમિત રહે છે, જ્યારે મિસરનાં તથા જુલિયન અને ગ્રિગરિયન તિથિપત્રો ફક્ત સૌર વર્ષ પૂરતાં જ સીમિત રહે છે; ભારતીય પંચાંગમાં તો પ્રાચીન કાળથી આજ પર્યન્ત ચાંદ્ર તેમજ સૌર વર્ષનો સમન્વય અને સંગતિ, અધિક માસ ઉમેરીને જાળવવામાં આવે છે. પ્રાચીન સમયમાં ઈસ્વીસન પૂર્વે 46 પર્યન્ત પ્રચલિત રહેલા રોમન ગણરાજ્યના તિથિપત્રમાં પણ અધિક માસ દ્વારા ચાંદ્ર અને સૌર વર્ષની સંગતિ જાળવવાની ગોઠવણ હતી; પરંતુ ત્યાંના સ્થાનિક ધર્માધિકારીઓ મનફાવે તે વર્ષમાં અધિક માસ ઉમેરવાનો આદેશ કરતા હતા, તેને કારણે રોમન ગણરાજ્યના ઘટક એકમોમાં કાળગણનાનું સાતત્ય છિન્નભિન્ન થઈ ગયું હતું.
ચાંદ્ર વર્ષમાન 354.3672 સૌર દિન જેટલું થાય છે, જ્યારે સૌર વર્ષ આધારિત ભારતીય ઋતુચક્રની કાલાવધિ 365.2422 સૌર દિન જેટલી છે. એટલે ચાંદ્ર અને સૌર વર્ષમાન વચ્ચે પ્રતિવર્ષ 10 દિવસ 21 કલાક જેટલો તફાવત પડે છે. બંને પ્રકારનાં વર્ષના સમન્વયને જાળવી રાખવા માટે ચાંદ્ર-સૌર તિથિપત્રમાં દર ત્રીજા વર્ષે સુસ્થાપિત નિયમાનુસાર એક અધિક ચાંદ્ર માસ ઉમેરવાની ભારતની પ્રચલિત પ્રથા ખગોલીય ર્દષ્ટિએ પણ તર્કબદ્ધ છે.
પ્ર. દી. અંગ્રેજી