બૃહસ્પતિ, કૈલાસચંદ્ર

January, 2000

બૃહસ્પતિ, કૈલાસચંદ્ર (જ. 20 જાન્યુઆરી 1918, રામપુર, ઉત્તરપ્રદેશ;  અ. 31 જુલાઈ, 1979) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર, સંશોધક, વિવેચક તથા કવિ. જ્ઞાનાર્જન અને સંગીતના સંસ્કારો પિતા, પિતામહ વગેરે પૂર્વજો પાસેથી વારસામાં મળેલા. પરિવારના વિદ્વત્તાપૂર્ણ અને સંસ્કારશીલ વાતાવરણની કૈલાસચંદ્રના બાલમાનસ પર ઊંડી અસર થયેલી. સાડા ત્રણ વર્ષની વયથી જ સંસ્કૃત અને હિંદી ભાષાના શુદ્ધ ઉચ્ચારનો કસબ શીખી ગયેલા. પાંચ વર્ષની વયે ‘દુર્ગાસપ્તશતી’, ‘ચાણક્યનીતિ’, ‘પાંડવગીતા’ ઇત્યાદિના શ્લોકો કંઠસ્થ કરી ચૂકેલા. અગિયાર વર્ષની વયે સવૈયા છંદમાં કાવ્યરચના કરતા થયા. ચૌદ વર્ષના હતા ત્યારે અયોધ્યા ખાતે આયોજિત દેશના વિદ્વાનોની પરિષદમાં સંસ્કૃત શ્લોકોના પઠનથી શ્રોતાઓને મુગ્ધ કર્યા ત્યારે પરિષદના આયોજકોએ તેમને ‘સાહિત્યસૂરિ’ તથા ‘કાવ્યમનીષી’ આ બે ઉપાધિઓ એનાયત કરી હતી.

પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થતાં માતા નર્મદાદેવીની  દેખરેખ હેઠળ તેમનો ઉછેર થયો. શાસ્ત્રીય સંગીતની તાલીમ બાલ્યાવસ્થામાં લેવાની શરૂઆત કરી. રામપુર રિયાસતના દરબારી ગાયક મિરઝા નવાબહુસેન ખાંસાહેબ તેમના કંઠ્ય સંગીતના ગુરુ હતા. મૃદંગ અને તબલાવાદનની તાલીમ અયોધ્યાપ્રસાદ પાસેથી મેળવી. અન્ય અનેક વાદ્યોના તેઓ જાણકાર બન્યા. પછી તો સંગીતના રોજિંદા રિયાઝની સાથોસાથ શાસ્ત્રીય સંગીતના પ્રાચીન પ્રમાણભૂત ગ્રંથોનું અધ્યયન કર્યું અને વિવેચન તરફ વળ્યા. સંગીત-પરિષદો, પરિસંવાદો તથા ચર્ચાસભાઓમાં પોતાના મૌલિક સંશોધનલેખો તેઓ પ્રસ્તુત કરતા, જેને લીધે તેમની ખ્યાતિ સર્વત્ર પ્રસરી. આકાશવાણીનાં વિવિધ કેન્દ્રો પરથી તેમનાં સંગીત-રૂપકો પ્રસ્તુત થતાં રહ્યાં; જેમાં ‘મેઘ કા કવિ’, ‘સાગરમંથન’, ‘કલાભારતી’, ‘વિશ્વામિત્ર’, ‘જીવન કા સંદેશ’, ‘મહાપંડિત’ જેવાં રૂપકોએ વિશેષ પ્રશંસા પ્રાપ્ત કરી હતી. તેમાંનાં કેટલાંક સંગીત-રૂપકો કન્નડ, ગુજરાતી તથા અન્ય ભારતીય ભાષાઓમાં પણ પ્રસ્તુત થયાં છે.

કૈલાસચંદ્ર બૃહસ્પતિ

તેઓ અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર તથા વ્યાકરણશાસ્ત્રના જ્ઞાતા હતા. ખડી બોલી, વ્રજભાષા તથા સંસ્કૃતમાં પણ તેમની કાવ્યરચનાઓ છે.

તેમણે ધર્મશાસ્ત્ર અને રસસિદ્ધાંતનું લગભગ ચાર દાયકા સુધી અનુસ્નાતક સ્તરે અધ્યાપન કરેલું. 1957થી કાનપુર ખાતેની અકાદમી ઑવ્ મ્યૂઝિક ઍન્ડ ફાઇન આર્ટ્સના નિયામક હતા. 1957માં તેમને આકાશવાણીની મધ્યસ્થ સલાહકાર સમિતિમાં લેવામાં આવ્યા હતા.

શાસ્ત્રીય સંગીતના તેમના શિષ્યોમાં ગુલામ મુસ્તફાખાં સાહેબ, આનંદપાલસિંગ તથા પત્ની સુલોચના બૃહસ્પતિ વિશેષ ઉલ્લેખનીય છે.

ભારતીય શાસ્ત્રીય સંગીત પર તેમના બે ગ્રંથો ‘ભારત કા સંગીતસિદ્ધાંત’ અને ‘સંગીતચિંતામણિ’ તથા ભરતના નાટ્યશાસ્ત્રના 28મા અધ્યાય પર તેમણે લખેલું ભાષ્ય પ્રશંસાને પાત્ર બન્યાં છે. દિલ્હીથી હિમાચલ પ્રદેશ જતાં માર્ગ – અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે