બૃહત્કથામંજરી (ઈ. સ. અગિયારમી સદી) : ક્ષેમેન્દ્રે રચેલી ગુણાઢ્યરચિત બૃહત્કથાનો સંક્ષેપરૂપ ગ્રંથ. મૂળ પૈશાચી ભાષામાં લખાયેલી ગુણાઢ્યની બૃહત્કથા પરથી ક્ષેમેન્દ્ર અને સોમદેવે સંસ્કૃતમાં અનુક્રમે ‘બૃહત્કથામંજરી’, ‘કથાસરિત્સાગર’ની રચના કરી.
ક્ષેમેન્દ્ર બૃહત્કથાને 18 ‘લંભક’માં વિભાજિત કરે છે. તે 75 હજાર શ્લોકો ધરાવે છે, જે સોમદેવના ‘કથાસરિત્સાગર’ના કરતાં 21 હજાર વધારે છે. શૌર્ય અને પ્રેમથી આ બધી કથાઓ ભરપૂર છે. વીર અને શૃંગારપ્રધાન છે. વળી વર્ણનાત્મક પણ એટલી જ છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ ઉદયનના પુત્ર નરવાહનદત્તનાં સાહસોની કથા છે. મદનમંજૂકા તેની પત્ની છે અને વિદ્યાધરોની ભૂમિ તેનું સામ્રાજ્ય બને છે; પરંતુ એ પહેલાં તે ઘણાં સ્થળે પર્યટન કરે છે અને ઘણી સુંદરીઓ (26) સાથે લગ્ન કરે છે. ‘બૃહત્કથા’ના નેપાળી રૂપાંતરમાં આ જ કથા છે, પણ ક્ષેમેન્દ્રનું કાશ્મીરનું – સંસ્કૃત રૂપાંતર વર્ણનો અને કથામાવજતથી સમૃદ્ધ છે. નેપાળી રૂપાંતર સાદું-સરળ છે. ગોપાલ અને સુરતમંજરીની પ્રેમકથા ‘બૃહત્કથામંજરી’નો વિશેષ છે. નેપાળી રૂપાંતર તો ઉદયન – પદ્માવતીના આખ્યાનને પણ ઇનકારે છે. નરવાહનદત્તનો જન્મ કાશ્મીરની બંને આવૃત્તિમાં છેક ચોથા ગુચ્છ કે લંભકમાં થાય છે. વારંવાર આડકથાઓથી મુખ્ય કથાનક વિક્ષિપ્ત થાય છે. ક્ષેમેન્દ્રને મૂળ ‘બૃહત્કથા’ મળી હતી કે કેમ તે સ્પષ્ટ થતું નથી. ‘બૃહત્કથા’ની કઈ આવૃત્તિને આધારે ‘બૃહત્કથામંજરી’ રચાઈ (સંસ્કૃત કે પૈશાચી ?) તે પણ સ્પષ્ટ થતું નથી. કાવ્યશૈલી સુંદર, રસાળ અને સંક્ષેપપરક છે. અતિરંજકતા તો ક્ષેમેન્દ્ર અને સોમદેવ બંનેમાં જોઈ શકાય છે. શૂદ્રક અને ભાસના નાટકની નાયિકા વસન્તસેનાનું મદનમંજૂકામાં પ્રતિબિંબ પડે છે. ટૂંકમાં ‘બૃહત્કથામંજરી’ સાહસ, શૌર્ય, પ્રેમ અને સંઘર્ષની કથાઓ આલેખે છે. રાજા-મહારાજાને બદલે અહીં વૈશ્યો, સાગરખેડુઓ અને કારીગરોની કથા છે. એમાં નરવાહનદત્ત અને મદનમંજૂકાની મુખ્ય પ્રેમકથા વણાય છે.
પારુલ માંકડ