બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક

January, 2000

બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક (સોળમી સદીમાં હયાત) : ફારસી તવારીખકાર. તેઓ વટવા(અમદાવાદ)ના પ્રખ્યાત બુખારી સંત હ. બુરહાનુદ્દીન કુત્બે આલમના વંશજ હતા. તેમનું વાંશિક નામ આ પ્રમાણે છે : મહમૂદ બિન જલાલ મુનવ્વિરુલ મુલ્ક બિન મુહમ્મદ ઉર્ફે સય્યદજી બિન અબ્દુલવહાબ બિન એહમદ ઉર્ફે શાહપીર બિન બુરહાનુદ્દીન કુત્બે આલમ. તેમનો જન્મ ગુજરાતના સુલતાન એહમદશાહ ત્રીજાના સમયમાં (1554–1561) થયેલો ગણાય છે. તેમનાં ધર્મપત્નીનું નામ રાજી ફીરૂઝ હતું.

તેમની ફારસી કૃતિ ‘તારીખે સલાતીને ગુજરાત’, મધ્યકાલીન ગુજરાતનો સંક્ષિપ્ત પરંતુ સંપૂર્ણ અને મહત્વનો ઇતિહાસ છે. તેમાં સુલતાન એહમદશાહ પહેલા(1411–1442)થી સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજા (1561–1573) સુધીના સમયની ઘટનાઓનું વર્ણન છે. તેની રચના મુઘલ સમ્રાટ અકબરે 1572માં ગુજરાત ઉપર વિજય મેળવ્યો ત્યારપછી થઈ હતી.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી