ચાલ્કોસાઇટ : તાંબાનું ખનિજ. રા.બં. : Cu2S; સ્ફ.વ. : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વ. : સામાન્યપણે સ્ફટિકો સુવિકસિત, હેક્ઝાગોનલ જેવા દેખાતા, પરંતુ યુગ્મતા(110)ને લીધે તૈયાર થતા પ્રિઝમ ફલકો; ટૂંકાં પ્રિઝમ સ્વરૂપો કે જાડા મેજ આકારના એકાકી સ્ફટિકો પણ મળે છે. જથ્થા રૂપે પણ પ્રાપ્ય; યુગ્મતા (112) અને (032) ફલકોને આધારે પણ જોવા મળે સં. : અસ્પષ્ટ (110); ભં. સ. : વલયાકાર, બરડ; ચ. : ધાતુમય; રં. કાળો કે કાળાશ પડતો રાખોડી, અપારદર્શક; ચૂ. રં. : કાળાશ પડતો રાખોડી; ક. : 2.5થી 3; વિ.ઘ. : 5.97; 5.5થી 5.8; પ્રા.સ્થિ. : ઉષ્ણજળજન્ય સલ્ફાઇડ શિરાનિક્ષેપોના સમૃદ્ધ વિભાગોમાં તાંબાના અગત્યના ધાતુખનિજ તરીકે મળે છે. સામાન્યત: તે મૅલેકાઇટ, ઍઝ્યુરાઇટ, કોવેલાઇટ, બૉર્નાઇટ, ચાલ્કોપાઇરાઇટ અને પાઇરાઇટ સાથે સંકલિત સ્થિતિમાં મળે છે; પ્રા. સ્થા. : યુ.એસ. (મૉન્ટાના, કનેક્ટિકટ, ટેનિસી, યૂટા, નેવાડા, ન્યૂ મેક્સિકો, ઍરિઝોના અને અલાસ્કા), ઇંગ્લૅન્ડ (કૉર્નવૉલ), નૈર્ઋત્ય આફ્રિકા, જર્મની, ચેક અને સ્લોવાકિયા તથા રશિયા. આ ઉપરાંત મેક્સિકો, પેરુ, ચીલી, સ્પેન તેમજ મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં પણ મહત્ત્વના નિક્ષેપો મળે છે. તેનો ઉપયોગ તાંબું મેળવવા માટે થાય છે.

ગિરીશભાઈ પંડ્યા