બિનજોડાણવાદ – બિનજોડાણવાદી આંદોલન (‘નામ’ – ‘NAM’ – Non Aligned Movement) : બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં વિશ્વની મહાસત્તાઓનાં બે જૂથો વચ્ચે ચાલેલા શીતયુદ્ધમાં કોઈ પણ એક જૂથની પડખે ન રહેતાં પોતાની સ્વતંત્ર વિદેશનીતિ જાળવી રાખવાની ત્રીજા વિશ્વના દેશોની વ્યૂહરચના. વિશ્વયુદ્ધો પછી શરૂ થયેલા અણુયુગમાં માનવજાતના અસ્તિત્વને જાળવી રાખવા માટે અપનાવવામાં આવેલ આ એક વાસ્તવવાદી નીતિ અને આંદોલન છે.
બિનજોડાણવાદ સંસ્થાનવાદ કે જાતિવાદનો વિરોધ કરે છે તથા અણુશસ્ત્રોનો વિરોધ કરી નિ:શસ્ત્રીકરણની હિમાયત કરે છે. ભય કે લાભાલાભના ખ્યાલથી પર રહી અન્ય દેશ સાથે મૈત્રીભર્યા સંબંધો બાંધી અરસપરસ સંગઠિત રહેવાની ઝંખના બિનજોડાણવાદમાં રહેલી છે. શીત યુદ્ધના સંદર્ભમાં રચાયેલાં જોડાણોનો વિરોધ તેમાં અભિપ્રેત છે.
બિનજોડાણવાદના દેશોએ અમેરિકા અને સામ્યવાદી રશિયાની જેમ એક ત્રીજું જૂથ રચ્યું છે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર તેમજ બહાર કામ કરે છે. બિનજોડાણવાદી રાજ્યોની પ્રથમ શિખર પરિષદના સભ્યપદ માટેની શરતોના આધારે બિનજોડાણવાદને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય એમ છે. તદનુસાર –
(1) જે તે દેશે વિવિધ રાજકીય અને આર્થિક પ્રથાઓના સહઅસ્તિત્વને સ્વીકારતી સ્વતંત્ર નીતિ અપનાવેલી હોવી જોઈએ.
(2) સંસ્થાનવાદ હેઠળ જીવતા દેશોની રાષ્ટ્રીય આઝાદીની ચળવળોને તે રાજ્યે સાતત્યપૂર્વક ટેકો આપેલો હોવો જોઈએ.
(3) તે દેશ કે રાજ્ય મહાસત્તાઓના સંઘર્ષના સંદર્ભમાં મહાસત્તાઓએ રચેલ બહુપક્ષીય લશ્કરી જોડાણનું સભ્ય ન હોવું જોઈએ.
(4) જો કોઈ મહાસત્તા સાથેના પ્રાદેશિક લશ્કરી જોડાણમાં કોઈ રાજ્ય જોડાય તો એ મહત્વનું બને છે કે આ જોડાણ મહાસત્તાઓ વચ્ચેના સંઘર્ષના સંદર્ભમાં રચાયેલું ન હોવું જોઈએ.
(5) જો કોઈ રાજ્ય કોઈ વિદેશી સત્તાને લશ્કરી થાણું કે થાણાં પૂરાં પાડે તો આવી છૂટ મહાસત્તાઓ વચ્ચેના સંઘર્ષને લીધે અપાયેલી ન હોવી જોઈએ.
સભ્યપદ માટેની આ શરતો બિનજોડાણવાદ વિશે ઝાંખું ચિત્ર પૂરું પાડે છે. વાસ્તવમાં બિનજોડાણવાદ નવોદિત રાજ્યોની સ્વતંત્ર નીતિ અને વ્યવહાર માટેની ઇચ્છા વ્યક્ત કરે છે; કારણ કે જોડાણોથી સ્વતંત્ર નિર્ણય અને વર્તનને અસર થાય છે એવી શંકા કે પૂર્વધારણાથી રાજ્યો બિનજોડાણવાદની નીતિ પસંદ કરે છે. બિનજોડાણવાદ અમુક ચોક્કસ રાજકીય કે આર્થિક વિચારધારાની હિમાયત કરતો નથી; પણ મૂડીવાદી, સામ્યવાદી કે મિશ્ર અર્થતંત્રની એવી કોઈ પણ વિચારધારાને પસંદ કરવાના દરેક રાજ્યના અધિકાર પર ભાર મૂકે છે. બિનજોડાણવાદમાં વિવિધ પ્રકારની પ્રથાઓનું સહઅસ્તિત્વ મહત્વનું છે. આવા દેશોની સભ્ય-સંખ્યામાં થતો ક્રમિક વધારો આ ર્દષ્ટિએ મહત્વનો છે. તેની વધતી સભ્ય-સંખ્યાને કારણે વિશ્વમાં શાંતિનાં ક્ષેત્રો વિસ્તરી રહ્યાં છે.
વૈશ્વિક સંદર્ભમાં આ કે તે મહાસત્તા સામે લશ્કરી જૂથો રચીને સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયાસ બિનજોડાણવાદી દેશો કરતા નથી; પરંતુ બે વૈશ્વિક ધ્રુવોમાંથી કોઈ એકની નજીક જઈને જે તે જૂથમાં જોડાઈ જવાનો ભય ઊભો કરીને તે પોતાના દેશ માટે સત્તા સર્જવાનો પ્રયાસ કરે છે. બંને ધ્રુવોમાંથી કોઈ પણ એક ધ્રુવની નજીક જવાની પ્રક્રિયા સત્તાસર્જન માટે અનિવાર્ય છે. અલબત્ત, કોઈ એક ધ્રુવની નજીક લાંબા સમય સુધી રહે તો તેથી તેની બિનજોડાણની નીતિની સ્વીકૃતિને અસર પહોંચતી હોય છે.
આમ બિનજોડાણવાદ એક વૈશ્વિક આંદોલન છે, જેમાં બીજા વિશ્વયુદ્ધ પછી અમુક હેતુઓસર ત્રીજા વિશ્વના દેશો જોડાયા. બીજી તરફ બિનજોડાણવાદ કોઈ એક દેશની વિદેશનીતિનાં ધ્યેયો સિદ્ધ કરવા માટેની વ્યૂહરચના પણ છે; જે તે દેશને વૈશ્વિક, પ્રાદેશિક કે સ્થાનિક – એમ વિવિધ સંદર્ભમાં ઉપયોગી થઈ શકે.
વિદેશનીતિના નિષ્ણાત પીટર વિલેટ બિનજોડાણવાદને એક આંદોલન તરીકે સંસ્થાનવાદ-વિરોધી જોડાણના સ્વરૂપમાં જુએ છે. આ આંદોલન દ્વારા મજબૂત ને સંગઠિત વિરોધ, પૂર્વ-પશ્ચિમના સંબંધોમાં પ્રમાણસરતા લાવવાનો પ્રયાસ તથા વિકસિત અને વિકસતા દેશો વચ્ચેના સંબંધોમાં વિશ્વકક્ષાએ સુધાર લાવવાની નિષ્ઠા દેખાય છે. આથી સમય અનુસાર આ આંદોલનનાં કેંદ્રો બદલાતાં રહ્યાં છે.
બિનજોડાણવાદને અપનાવવાનાં અનેક કારણો છે. તેમાં વિશ્વશાંતિ અને પોતાની સ્થિરતા જાળવવાની ઇચ્છા, પોતાની અલગ અસ્મિતાની ખેવના, સંસ્થાનવાદ અને જોડાણોના રાજકારણ પ્રત્યેનો અણગમો તથા બંને જૂથો પાસેથી આર્થિક અને અન્ય પ્રકારના લાભો મેળવવાની ઇચ્છા વગેરે ગણાવી શકાય. આ ઉપરાંત આંતરિક જરૂરિયાતોએ પણ રાજ્યોને બિનજોડાણની નીતિ અપનાવવા પ્રેર્યાં છે; જેમ કે, રાજકીય સ્થિરતાની જરૂરિયાત તથા રાજકીય અગ્રવર્ગનું રાજકીય સંસ્કારીકરણ (political culturization) તથા પશ્ચિમના સંસ્થાનવાદના માઠા અનુભવોને કારણે પશ્ચિમ સાથેના જોડાણની અનિચ્છા; દેશમાં પશ્ચિમ-તરફી અને સામ્યવાદ-તરફી – એમ બંને પ્રકારનાં જૂથોની હાજરી વગેરે. આ ઉપરાંત વિવિધ દેશોએ બિનજોડાણની નીતિ પોતપોતાનાં કારણોસર અપનાવી હતી; દા.ત., યુગોસ્લાવિયા પોતે સામ્યવાદને વરેલો દેશ હોવા છતાં સોવિયેટ સંઘના પ્રભુત્વથી બચવા તેણે બિનજોડાણની નીતિ અપનાવી હતી. અમેરિકા પડોશી દેશ હોવાથી ક્યુબા સામ્યવાદી રશિયા તરફ ઢળતું હોવા છતાં તેણે બિનજોડાણની નીતિ પસંદ કરી હતી. ઇજિપ્તે સ્વતંત્રતા સામેના ભયને લક્ષમાં રાખીને બ્રિટન, ફ્રાંસ અને ઇઝરાયલના આક્રમણથી બચવા તેમજ અમેરિકાએ અપનાવેલ તટસ્થ અભિગમ સામે રક્ષણ મેળવવા અને સોવિયેટ રશિયાની નજીક રહેવા આ નીતિ ચાલુ રાખી હતી. ભારતે પોતાના રાજકીય સંસ્કારીકરણ, આંતરિક પ્રશ્નો તથા સોવિયેટ સંઘ અને ચીન જેવા પડોશી દેશો હોવાને કારણે બિનજોડાણની નીતિ પસંદ કરી હતી.
બિનજોડાણવાદના આંદોલનમાં ભાગ લેનાર દેશોના વડાઓની શિખર પરિષદ સૌપ્રથમ 1961માં બેલગ્રેડ ખાતે 1થી 6 સપ્ટેમ્બર દરમિયાન મળી હતી, જ્યારે અણુ-અખતરાઓ અને પૂર્વ-પશ્ચિમ તંગદિલીનો માહોલ હતો. આ પહેલાં 1955માં બાન્ડુંગ ખાતે આફ્રો-એશિયાઈ દેશોની પરિષદ મળી હતી. 1961ની બિનજોડાણ પરિષદનો હેતુ જ બીજી બાન્ડુંગ પરિષદને ટાળવાનો હતો. 1964માં બાન્ડુંગ ખાતે બીજી પરિષદ મળી પરંતુ એને સફળતા મળી ન હતી; કારણ કે રાજકીય સ્વાતંત્ર્ય, શાંતિ અને સહઅસ્તિત્વના પ્રશ્નો બિનજોડાણવાદી દેશોને માટે મહત્વના હતા. પરિષદમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના લોકશાહીકરણ પર ભાર મૂકવામાં આવ્યો. 1964માં 5થી 10 ઑક્ટોબર દરમિયાન કેરો ખાતે તેની બીજી શિખર પરિષદ મળી. આ દરમિયાન આંદોલનનું સભ્યપદ 25થી વધીને 47નું થયું. વધેલા નવા 22 સભ્યોમાંથી 20 સભ્યો આફ્રિકા ખંડના હતા. પરિષદમાં પ્રથમ ક્યુબાની મિસાઇલ કટોકટી અંગે અને પછી અણુ-પરીક્ષણબંધી અંગે સંધિ થઈ, જેનાથી એક અર્થમાં ‘તણાવ-ઘટાડા’(de´tente)ની પ્રક્રિયા શરૂ થઈ. તેની અસર પરિષદની કાર્યસૂચિ (agenda) પર પણ થઈ અને પૂર્વ-પશ્ચિમ-સંઘર્ષને બદલે સંસ્થાનવાદ વિરુદ્ધનાં આંદોલનોને વધુ મહત્વ અપાયું. આ પરિષદ પૂર્વે ‘અંકટાડ’(UNCTAD – United Nations Conference on Trade and Development)ની બેઠક યોજાઈ હતી, જેમાં વિકસિત અને વિકાસશીલ દેશોએ વ્યાપારના પ્રશ્નોની ચર્ચા કરી હતી. તેના પરિણામે 77 રાજ્યોના જૂથ(Group of 77)ની રચના થઈ. આ જૂથે પાછળથી બિનજોડાણવાદી આંદોલનની આર્થિક પાંખ તરીકે કામ કર્યું. આમ બિનજોડાણવાદી આંદોલનનો વ્યાપ વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરવા લાગ્યો, જેની સીધી અસર આ આંદોલનમાં જોડાનાર દેશોની સભ્ય-સંખ્યા પર થઈ. ક્રમશ: તેની સભ્ય-સંખ્યા વધતી ગઈ અને હાલમાં આ સભ્ય-સંખ્યા 115ની છે.
બિનજોડાણ પરિષદમાં વિશ્વના વિવિધ પ્રશ્નો અને તેના મહત્વ અંગે સભ્યો વચ્ચે સમાન વિચારોનો અભાવ હોવાથી સમાધાનકારી વલણ અપનાવી નિર્ણયો લેવાય છે. ઉદાહરણ તરીકે, વિશ્વશાંતિની સમસ્યાને આ પરિષદમાં સંસ્થાનવાદ, નવસંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ વિરુદ્ધના સંદર્ભમાં જોવામાં આવી હતી. ગરીબીના પ્રશ્નને પણ શાંતિના પ્રશ્ન સાથે સાંકળવામાં આવ્યો હતો.
બિનજોડાણવાદી દેશોની ત્રીજી શિખર પરિષદ 1970માં લુસાકા ખાતે મળી. આ સમયે અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચે ‘તણાવ-ઘટાડા’ની પ્રક્રિયા સ્થિર થઈ ચૂકી હતી, છતાં ત્રીજા વિશ્વના દેશોમાં સંઘર્ષના મુદ્દાઓ ચાલુ જ હતા. અમેરિકાએ પોતાની વતી કેટલીક પ્રાદેશિક સત્તાઓને તેમના વિસ્તારમાં સ્થિરતા સાચવવાની જવાબદારી સોંપી હતી; પરંતુ ત્રીજા વિશ્વના દેશોમાં સંસ્થાનોની સ્વતંત્ર થવાની પ્રક્રિયા ચાલુ હતી અને યુરોપિયન સત્તાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતો હતો. આ ઉપરાંત રાજકીય સ્વતંત્રતા મેળવતા દેશોના આર્થિક વિકાસના પ્રશ્નો પણ મહત્વના બનતા જતા હતા. જોકે બિનજોડાણવાદી આંદોલનમાં ભાગ લેતા દેશો મૂળભૂત સિદ્ધાંતો અંગે સમાન મત ધરાવતા હતા, છતાં વિશિષ્ટ પ્રશ્નો પરત્વે વિચારધારા અનુસાર મતભેદો બહાર આવતા હતા. આમાં કંબોડિયાના પ્રતિનિધિત્વનો અને દક્ષિણ વિયેટનામની કામચલાઉ ક્રાંતિકારી સરકારના સભ્યપદના સવાલનો ઉલ્લેખ કરી શકાય. આ પરિષદમાં 53 સભ્ય દેશોએ પ્રતિનિધિ તરીકે, 10 દેશોએ નિરીક્ષકો તરીકે અને 12 દેશોએ મહેમાન દેશો તરીકે ભાગ લીધો. પરિષદના અંતે એક રાજકીય અને એક આર્થિક ઘોષણા બહાર પાડવામાં આવી તથા બિનજોડાણવાદના સિદ્ધાંતોને મજબૂત ટેકો આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. આંદોલનના સિદ્ધાંતો અને ધ્યેયો પ્રથમ વાર જાહેર કરવામાં આવ્યાં. આ સિદ્ધાંતોમાં ગુલામ લોકોનો સ્વતંત્ર થવાનો અધિકાર, આત્મનિર્ણય અને આઝાદીનો અધિકાર, બધાં રાજ્યોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એકતાનું સન્માન, આંતરરાષ્ટ્રીય બાબતોમાં સક્રિય ભાગીદારી અને સમાનતાનો અધિકાર, રાજકીય આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસનો માર્ગ પૂર્ણ સ્વતંત્રતાથી નક્કી કરવાનો બધાં સાર્વભૌમ રાષ્ટ્રોનો અધિકાર, બધા જ લોકોનો આર્થિક વિકાસના લાભ મેળવવાનો અને વૈજ્ઞાનિક કે ટેકનૉલૉજીની ક્રાંતિનાં ફળો ચાખવાનો અધિકાર, બળના ઉપયોગ કે તેના ઉપયોગની ધમકીને ટાળી ઝઘડાઓને શાંતિમય રીતે પતાવવાનો અધિકાર જેવી બાબતોનો સમાવેશ થયો હતો. આ પરિષદમાં મહત્વની બાબતો પર ઠરાવો કરવાની પદ્ધતિ પણ શરૂ થઈ. ત્રીજા વિશ્વના દેશોની ગરીબી માટે આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની માળખાકીય નબળાઈને જવાબદાર ગણવામાં આવી, જે પરિષદનું મહત્વનું પ્રદાન કહી શકાય.
આંદોલને નહેરુ અને નાસિર જેવા પ્રારંભિક તબક્કાના સમર્થ નેતાઓ ગુમાવ્યા બાદ તેના સંસ્થીકરણની જરૂરિયાત મહેસૂસ થવા લાગી. સભ્યપદના વિસ્તારને કારણે સભ્યોનો સતત સંપર્ક પણ મુશ્કેલ બનતો જતો હતો. આથી એક સ્થાયી સમિતિ સ્થાપી તેને કાયમી બનાવવામાં આવી અને પરિષદના યજમાન દેશના વડાની આંદોલનના ચૅરમૅન તરીકે નિયુક્તિ કરવામાં આવી. આવા ચૅરમૅનની મુદત પછી યોજાનાર બીજી પરિષદ સુધીની ગણવામાં આવશે એમ નક્કી થયું. તદુપરાંત, શિખર પરિષદ પૂર્વે મળતી વિદેશ-પ્રધાનોની પરિષદ ચાલુ રહી. વળી નિર્ણયોમાં સર્વસંમતિ પર ભાર મૂકવાની અને વિવાદના મુદ્દાઓ ટાળવાની પ્રથાનો પણ વિકાસ થયો.
બિનજોડાણવાદી દેશોની ચોથી શિખર પરિષદ અલ્જિરિયા ખાતે મળી. આ પરિષદમાં 75 દેશોએ ભાગ લીધો જે સંખ્યા યુનોના કુલ સભ્ય દેશોની 2⁄3 સંખ્યા જેટલી હતી. યુનોના મહાસચિવે પરિષદને સંબોધન કર્યું. મહત્વની આંતરરાષ્ટ્રીય ઘટનાઓએ પરિષદને અસર કરી હતી; જેમાં અમેરિકા અને સોવિયેટ સંઘના સુધરતા સંબંધો, સોવિયેટ સંઘ અને ચીન વચ્ચેનો વધતો વિવાદ તથા અમેરિકા-ચીનના સુધરતા સંબંધોનો ઉલ્લેખ કરી શકાય. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થતા બહુધ્રુવી વિશ્વના વિકાસ અને વધતા પરસ્પરાવલંબનને સ્વીકારવામાં આવ્યું; પરંતુ મહાસત્તાઓના પ્રભાવની ટીકા કરવામાં આવી. બિનજોડાણને નવો અર્થ આપવાના પ્રયાસમાં આર્થિક સ્વાતંત્ર્ય પર ભાર મૂકવામાં આવ્યો. વિકસતા દેશોએ વિકસિત દેશોની શુભેચ્છા પર આધાર રાખવાથી ખાસ ફાયદો થયો નથી, આથી બિનજોડાણવાદી દેશોએ નવી વ્યૂહરચના વિકસાવવી જોઈએ – એ વાત પર ભાર મૂકવામાં આવ્યો.
અલ્જિરિયા ખાતેની પરિષદમાં કેટલાક મહત્વના સૈદ્ધાંતિક વિવાદો ઉપસ્થિત થયા. બિનજોડાણવાદી આંદોલનનો જન્મ શીત યુદ્ધમાંથી થયો છે કે સંસ્થાનવાદ સામેની લડતમાંથી થયો છે એ મુદ્દો વિવાદાસ્પદ રહ્યો. જોકે મોટાભાગના સભ્યો બીજા મતના હતા. સંસ્થાનવાદના વિરોધમાંથી બિનજોડાણવાદી આંદોલન જન્મ્યું હોવાથી તેમાં આફ્રો-એશિયાઈ દેશોનું પ્રાધાન્ય હોવું જોઈએ એવો વિચાર વ્યક્ત થયો. એક બીજો મહત્વનો વિવાદ એ હતો કે માત્ર પશ્ચિમના દેશો જ સામ્રાજ્યવાદી છે ? શું સામ્યવાદી સામ્રાજ્યવાદ અસ્તિત્વ ધરાવતો નથી ? આ સમય દરમ્યાન ચીને એવો વિચાર રજૂ કર્યો કે અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચે કોઈ ભેદ નથી. વિશ્વનો મોટો સંઘર્ષ મોટા (શક્તિશાળી) અને નાનાં રાજ્યો વચ્ચે તેમજ તવંગર અને ગરીબ દેશો વચ્ચે છે. સોવિયેટ સંઘે એવો વિચાર રજૂ કર્યો કે એક બાજુ વિશ્વમાં સમાજવાદનાં, શાંતિનાં પરિબળો છે અને તેની સામે સંસ્થાનવાદનાં પરિબળો છે. પરિષદે સોવિયેટ સંઘને બિનજોડાણવાદી દેશના મિત્ર તરીકે ઓળખાવ્યું. ક્યુબાના પ્રમુખે સોવિયેટ સંઘને સામ્રાજ્યવાદી ગણવાનો જ ઇન્કાર કર્યો. અલ્જિરિયાના પ્રમુખે સોવિયેટ સંઘને ત્રીજા વિશ્વના દેશોના સાથીદાર તરીકે ઓળખાવ્યું. પરિષદમાં વિશ્વના, વિશેષે ત્રીજા વિશ્વના દેશો સમક્ષ શાંતિ માટે ઊભા થતા પડકારોનો ઉલ્લેખ થયો અને શાંતિની અનિવાર્ય આવશ્યકતા પર ભાર મુકાયો. ખૂબ જ સમજપૂર્વક કરવામાં આવેલા વિધાનમાં જણાવવામાં આવ્યું કે ‘‘જ્યાં સુધી બે સર્વોચ્ચ સત્તાઓ બીજા દેશોનાં હિતને લક્ષમાં નહિ લે ત્યાં સુધી ‘તણાવ-ઘટાડા’ની સ્થિતિ અનિશ્ચિત રહેશે.’’ શાંતિ અને આર્થિક શોષણને પરસ્પરવિરોધી ગણીને શાંતિના આર્થિક પાસા પર ભાર મૂકવામાં આવ્યો. સંસ્થાનવાદ પર આકરા પ્રહાર કરીને તેની સામે લડત ચલાવતા દેશોને લશ્કરી મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ પરિષદનું સૌથી મહત્વનું પ્રદાન તે તેના દ્વારા થયેલી નવી આર્થિક વ્યવસ્થા(NIEO – New International Economic Order)ની માંગ હતું.
પરિષદે સંસ્થાકીય ર્દષ્ટિએ સ્થાયી સમિતિને એક બ્યૂરોનું સ્વરૂપ આપ્યું જેણે બિનજોડાણવાદી આંદોલન સાથે સંકળાયેલ સંગઠનોની બેઠકો અંગે આગોતરી તૈયારીઓ કરવાની કામગીરી બજાવવાની રહેશે તેમ જણાવ્યું.
બિનજોડાણવાદી દેશોની પાંચમી પરિષદ કોલંબોમાં 1976માં અને છઠ્ઠી પરિષદ 1979માં હવાના ખાતે મળી. કોલંબો પરિષદ પહેલાં 1974માં યુનોની મહાસભાએ ‘નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા’ અંગે ઠરાવ કર્યો. આ બંને પરિષદો દરમિયાન સોવિયેટ સંઘ અને અમેરિકા વચ્ચે બીજા શીત યુદ્ધની શરૂઆત થઈ. કોલંબોમાં 86 સભ્ય દેશોએ હાજરી આપી. આ સભ્યોએ ત્રીજા વિશ્વના દેશોની સ્વાતંત્ર્ય-લડતને સોવિયેટ સંઘે આપેલા ટેકાની પ્રશંસા કરી. આર્થિક બાબતોમાં ત્રીજા વિશ્વના દેશોનાં દેવાંના ગંભીર પ્રશ્નની નોંધ લઈને આ પરિસ્થિતિ માટે સામ્રાજ્યવાદીઓની સંસ્થાનવાદી અને નવસંસ્થાનવાદી નીતિઓને જવાબદાર ગણવામાં આવી. પરિષદમાં સંકલન બ્યૂરોને કાયમી બનાવવામાં આવી અને તેના સભ્યપદને 15થી વધારીને 25નું કરવામાં આવ્યું. આ બ્યૂરોના સભ્યોની મુલાકાતો વિવિધ કક્ષાએ થતી રહેતી.
વ્યાપક બનતા જતા આ આંદોલનમાં સોવિયેટ સંઘની વધતી જતી વગની સામે પશ્ચિમના દેશોએ પણ પોતાનું પ્રચારજૂથ (લૉબી – lobby) ઊભું કરવા માંડ્યું. સિંગાપુર અને મલેશિયા આ માટે કામ કરતા બે મહત્વના દેશો હતા. કેટલાક આફ્રિકી દેશોએ ક્યુબાની આફ્રિકામાં થતી દખલનો પણ વિરોધ કર્યો.
ક્યુબાના હવાના નગરમાં મળેલી પરિષદમાં 95માંથી 91 સભ્યો હાજર હતા, જ્યારે માત્ર 4 સભ્યો જ ગેરહાજર હતા. આ પરિષદને બદનામ કરવાના પ્રયાસો થયા છતાં પરિષદ મળી અને પૂર્ણ થઈ તે એક સિદ્ધિ જ ગણી શકાય. દક્ષિણ અમેરિકાના દેશોથી ક્યુબાને અલગ અલગ કરવાના અમેરિકાના પ્રયત્નો છતાં તેનાં 22 પ્રતિનિધિ-મંડળો આ પરિષદમાં હાજર રહ્યાં. ક્યુબા અને આંદોલનના મધ્યમમાર્ગીઓ વચ્ચે સંઘર્ષ થયો નહિ. કૅસ્ટ્રોએ પોતાની વિચારસરણી અંગે સ્પષ્ટતા કરી, છતાં બીજા દેશો પર તેઓ પોતાની વિચારસરણી લાદશે નહિ એમ ખુલાસો કર્યો. આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા અને વિશ્વ મૂડીવાદી વ્યવસ્થા તેમજ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની ટીકા કરવા સાથે પરિષદે ‘ઑપેક’ (OPEC – Organization of Petroleum Exporting Countries) દ્વારા ખનિજતેલના વધારાયેલા ભાવોની ટીકા કરી. પરિષદે બિનજોડાણની વ્યાખ્યા અંગે માર્શલ ટીટો જોડેનો જાહેર વિવાદ ટાળ્યો તથા 1980ના દાયકાના રાજકીય અને આર્થિક પ્રશ્નો હલ કરવા અમેરિકા અને રશિયાના જૂથ વચ્ચે સમાન અંતર રાખવાની વાત અપ્રસ્તુત ગણી. પરિષદે સોવિયેટ સંઘને સ્વાભાવિક સાથીદાર ગણવાની ક્યુબાની માંગનો સૈદ્ધાંતિક રીતે અસ્વીકાર કર્યો અને બિનજોડાણવાદી આંદોલનના સિદ્ધાંતો અને હેતુઓનું વિગતવાર પ્રતિપાદન કર્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘને ટેકો આપવા ઉપરાંત નિ:શસ્ત્રીકરણની હિમાયત કરવામાં આવી. બેલગ્રેડ પરિષદ પછી પહેલી વાર માનવહક્કોની વાત કરવામાં આવી; ઉપરાંત વ્યક્તિઓના હક્કો સાથે રાષ્ટ્રના હક્કોની વાત પણ કરવામાં આવી. માનવહક્કોને રાષ્ટ્રીય, આર્થિક અને સામાજિક સંદર્ભમાં જ સમજી શકાય તેમ જણાવી તેમનો ઉપયોગ મહાસત્તાઓ દ્વારા સાર્વભૌમ રાજ્યોના આંતરિક મામલાઓમાં દખલગીરી કરવા માટે થઈ શકે તેમ છે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો. આર્થિક જાહેરાતમાં ઉત્તર અને દક્ષિણના પ્રશ્નો અંગેની મંત્રણાઓની ધીમી ગતિ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. સંગઠનના ક્ષેત્રે સંકલન બ્યૂરોની સભ્યસંખ્યા વધારીને 36ની કરવામાં આવી.
હવાના પરિષદે વિચારસરણીના બહુત્વવાદની વાત પર ફરી ભાર મૂક્યો. દક્ષિણ અમેરિકાના દેશોની વધતી હાજરીએ બિનજોડાણના આંદોલનનું આંતરરાષ્ટ્રીયકરણ કર્યું. રાષ્ટ્રીય મતભેદો છતાં સભ્યોએ આંદોલન, હિત અને એકતાને પ્રાધાન્ય આપ્યું. આર્થિક ક્ષેત્રે વિકસતા દેશો અને વિકાસશીલ દેશો વચ્ચેના સંવાદને ત્વરિત ગતિ પૂરી પાડી.
હવાના પરિષદ પછી સોવિયેટ સંઘની અફઘાનિસ્તાનમાંની દરમિયાનગીરી તથા ઇરાક-ઈરાનના સંઘર્ષ જેવી ઘટનાઓ બની. સાતમી બિનજોડાણવાદી દેશોની શિખર પરિષદ માટે વિવાદ પછી બગદાદને બદલે દિલ્હી પસંદ કરવામાં આવ્યું. આ પરિષદ-સમયે સભ્યપદની સંખ્યા 101 હતી. વિશ્વ પર મહાસત્તાઓનું વર્ચસ્, શીતયુદ્ધનો પુનર્જન્મ અને બિનજોડાણમાં માનતા દેશો વચ્ચેના માંહોમાંહેના ઝઘડાઓની પશ્ચાદભૂમિકામાં આ પરિષદ મળી હતી. પરિષદમાં ભારતે તૈયાર કરેલો મુસદ્દો મોટેભાગે સ્વીકારાયો. તેમાં નીચેની બાબતો વ્યક્ત થઈ હતી :
(1) અમેરિકા અને રશિયા વચ્ચેનો સંઘર્ષ ટાળવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો.
(2) બિનજોડાણવાદી દેશોની રાજકીય સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો.
(3) વૈશ્વિક આર્થિક કટોકટીના સંદર્ભમાં સમાન વ્યૂહરચના અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો.
(4) બિનજોડાણવાદી રાજ્યોના પરસ્પરના ઝઘડાઓ ઉકેલવા માટે દ્વિપક્ષી મંત્રણાઓ પર ભાર મૂક્યો.
અગાઉની પરિષદ અને આ પરિષદમાં લશ્કરી અને આર્થિક દરમિયાનગીરી દ્વારા ત્રીજા વિશ્વના દેશોની સરકારોને ઉથલાવવાના વિકસિત દેશોના પ્રયાસોની નિંદા કરવામાં આવી. બિનજોડાણવાદી દેશોનો વૈશ્વિક અભિગમ પરસ્પરાવલંબી અને વિશ્વકેંદ્રી હતો, જેમાં વૈશ્વિક નિર્ણયો ભાગીદારીના આધારે લેવામાં આવતા હતા અને સભ્યોના આત્મનિર્ણયના અને સ્વાતંત્ર્યના અધિકારનું સન્માન કરવામાં આવતું હતું.
પરિષદમાં પાંચ યુદ્ધભૂમિઓ કે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો; પરંતુ ત્રીજા વિશ્વના મુક્તિ-સંગ્રામોને પૂર્વ-પશ્ચિમના સંઘર્ષનું સ્વરૂપ આપવાના પ્રયત્નની ટીકા કરવામાં આવી. ન્યાયી અને અન્યાયી યુદ્ધો વચ્ચે ભેદ પાડવામાં આવ્યો. લોકોની આઝાદી અને આત્મનિર્ણયની લડતને ન્યાયી અને બાહ્ય સત્તાઓ દ્વારા પોતાના લાભ માટે લોકહિત વિરુદ્ધ દખલગીરીની ઘટનાઓને અન્યાયી યુદ્ધની ઘટનાઓ તરીકે ઓળખાવવામાં આવી.
ત્રીજા વિશ્વના દેશોનું આ બિનજોડાણવાદી ર્દષ્ટિબિંદુ અમેરિકન પ્રમુખ રેગનના ર્દષ્ટિબિંદુથી તદ્દન વિરુદ્ધ પ્રકારનું હતું. અમેરિકન પ્રમુખ ત્રીજા વિશ્વના દેશોમાં ચાલતી લડાઈઓને શીત યુદ્ધના સંદર્ભમાં જોતા હતા.
આ આંદોલનના સભ્યોએ યુનોને મજબૂત કરવાની હિમાયત કરી અને યુનોની બહાર પ્રશ્નો ઉકેલવાના પ્રયાસોનો વિરોધ કર્યો. આર્થિક જાહેરાતોમાં વિકસતા અને વિકાસશીલ દેશો વચ્ચેના પરસ્પરાવલંબન પર ભાર મૂક્યો અને વિકાસશીલ દેશોના ઉત્કર્ષથી વિકસિત દેશોના અર્થતંત્રને થતા લાભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વિકસતા દેશોને અડચણરૂપ વિશિષ્ટ પ્રશ્નોનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. વેપારના સંદર્ભમાં વિકસિત દેશો દ્વારા ઊભી કરાયેલ આયાત-જકાતની દીવાલો, દેવાંનો પ્રશ્ન, અનાજના સલામત પુરવઠાનો પ્રશ્ન વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વૈશ્વિક આર્થિક સંબંધોને સુધારવા નાણાકીય અને રાજકોષીય પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનો અનુરોધ કરવામાં આવ્યો. વૈશ્વિક આર્થિક નીતિમાં વિચારસરણી અને રાજકારણની દખલગીરીનો સભ્યોએ વિરોધ કર્યો. દક્ષિણ અમેરિકાના સંબંધોના વિસ્તારને પણ જરૂરી ગણવામાં આવ્યા. ભારતે પરિષદના અધ્યક્ષ તરીકે વૈશ્વિક અને એકીકૃત અભિગમ અપનાવ્યો અને વહીવટી પ્રકારનું નેતૃત્વ આપ્યું. ભારતના તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આંદોલનને નિર્ણાયક નેતૃત્વ આપ્યું.
દિલ્હી પછી 1986માં ઝિમ્બાબ્વેના હરારે ખાતે બિનજોડાણવાદી દેશોની શિખર પરિષદ મળી હતી. 1989માં બેલગ્રેડ ખાતે, 1992માં જાકાર્તા ખાતે, 1995માં કોલંબિયાના કાર્ટાજિના ખાતે અને 1998માં દક્ષિણ આફ્રિકાના ડરબન ખાતે શિખર પરિષદ મળી હતી.
વીસમી સદીના અંતે આ આંદોલનમાં 115 સભ્યો છે. ડરબન પરિષદમાં સાર્વત્રિક અને ભેદભાવરહિત અણુશાસનની માંગણી કરવામાં આવી; સાથોસાથ અણુપરીક્ષણોની બંધી પર ભાર મૂકવામાં આવ્યો અને અણુશસ્ત્રો બનાવવાની ટૅકનૉલૉજીના હસ્તાંતરણ પર પ્રતિબંધ મૂકતી ‘સીટીબીટી’ (CTBT – Comprehensive Test Ban Treaty) પર ભારત, પાકિસ્તાન સહિત બધાંની સહીની, અણુશસ્ત્રો ધરાવતા બધા જ દેશો દ્વારા શસ્ત્રોની નાબૂદીની માંગણી કરવામાં આવી હતી. ત્રાસવાદની ટીકા અને દક્ષિણના દેશો વચ્ચેના સહકાર ઉપરાંત પરિષદની અંતિમ જાહેરાતમાં દ્વિપક્ષી ઝઘડાઓને દ્વિપક્ષી ધોરણે ઉકેલવાની હિમાયત કરવામાં આવી અને તેમાં ત્રીજા પક્ષની દરમ્યાનગીરીનો વિરોધ કરવામાં આવ્યો.
આ આંદોલનનું એક મહત્વનું પાસું તેનો સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથેનો ઘનિષ્ઠ સંબંધ છે. બંને સંસ્થાનોના સભ્યપદનો વિસ્તાર લગભગ એકસાથે થયો છે. બંનેના હેતુઓ સમાન હોવાને કારણે બંનેએ પરસ્પરને વિકસવા અને વિસ્તારવામાં મદદ કરી છે. યુનોએ બિનજોડાણવાદી આંદોલનના હેતુઓ સિદ્ધ કરવા માટે તખ્તો પૂરો પાડ્યો છે. બિનજોડાણવાદી આંદોલન સાથે સંકળાયેલા દેશોનું જૂથ પોતાની બહુમતીથી બીજાં જૂથોને લઘુમતીમાં મૂકે છે. બિનજોડાણવાદી આંદોલનની શરૂઆત 1961માં થઈ તે અગાઉ પણ વ્યક્તિગત ધોરણે અને જૂથ તરીકે આ દેશોએ યુનોની પ્રવૃત્તિઓને સફળ બનાવવામાં સાચા દિલથી સહકાર આપ્યો હતો. 1979માં મહાસભાને છેલ્લી વાર સંબોધતાં યુગોસ્લાવિયાના પ્રમુખ માર્શલ ટીટોએ જણાવેલું કે ‘‘બિનજોડાણવાદી દેશોએ યુનોને સાર્વત્રિકતા પ્રદાન કરવામાં, તેની ભૂમિકા અને મહત્વ વધારવામાં, મજબૂત બનાવવામાં ભાગ ભજવ્યો છે.’’ બીજી બાજુ યુનોએ પણ આ આંદોલનને વાચા આપી છે. યુનોની કાર્યસૂચિ નક્કી કરવામાં, અગત્યાનુક્રમ ઘડવામાં તથા પસંદગીના પ્રશ્નોને નૈતિક અને સંખ્યાકીય પીઠબળ પૂરું પાડવામાં એક જૂથ તરીકે આ સંગઠને મહત્વનો ભાગ ભજવ્યો છે. અલબત્ત, યુનો સમક્ષ આવતા પ્રશ્નોમાં બિનજોડાણવાદી દેશો દરેક પ્રસંગે એકતા બતાવી શક્યા નથી. આ આંદોલનની અસર નીચે યુનોની મહાસભાનું મહત્વ વધ્યું છે. યુનોની વિશિષ્ટ બેઠકો બોલાવવામાં, સલામતી સમિતિને સક્રિય અને લોકશાહીયુક્ત બનાવવામાં, શાંતિ-જાળવણીના પ્રયાસોમાં તથા યુનો સચિવાલયને સારા વહીવટકર્તાઓ પૂરા પાડવામાં બિનજોડાણવાદી દેશોનું પ્રદાન નોંધપાત્ર છે.
બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા કેટલાક દેશોને ચિંતનાત્મક અને વ્યૂહાત્મક એકતા આપવાનું કામ આ આંદોલને કર્યું છે. તેણે શીત યુદ્ધની કઠોરતા ઓછી કરી, શીત યુદ્ધના અદાકારો (actors) વચ્ચે સમજૂતી વધારી સંવાદ માટે માધ્યમ પૂરું પાડ્યું છે. આ આંદોલને એક તરફ વેસ્ટફોલિયાની સંધિથી જન્મેલા રાષ્ટ્ર-રાજ્યના ખ્યાલને અનુમોદન આપ્યું છે તો બીજી તરફ તેની કઠોરતાને ઘટાડવાના પ્રયાસોમાં મદદ કરી છે. આંદોલને સાર્વભૌમ રાજ્યપ્રથામાં સતત ચાલતા આવેલા મહાસત્તાઓના પ્રભાવ અને વર્ચસને પડકાર ફેંક્યો છે, આંતરરાષ્ટ્રીય સંબંધોના લોકશાહીકરણ પર ભાર મૂક્યો છે અને શસ્ત્રો, હિંસા અને બળના ઉપયોગ સામે ઝઘડાઓની શાંતિમય પતાવટનો આગ્રહ સેવ્યો છે. આનો અર્થ એ નથી કે તમામ ધ્યેયો સિદ્ધ કરવામાં અને સિદ્ધાંતોનો ચુસ્ત અમલ કરવામાં તે સફળ રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ન ઉવેખી શકાય એવું એક પરિબળ તેણે જરૂર ઊભું કર્યું છે. તે સફળતા અને વ્યાપક પ્રભાવનું પ્રતીક બન્યું છે જે તેની અસાધારણ સિદ્ધિ છે. આ આંદોલને ‘રાષ્ટ્રવાદ, પ્રાદેશિક એકતા અને આંતરરાષ્ટ્રીય હેતુઓ વચ્ચે સમતુલન સિદ્ધ કર્યું છે.’ આંદોલનની એક બીજી સિદ્ધિ એ છે કે દ્વિધ્રુવી વિશ્વની અંદર ઓછાં શક્તિશાળી કે નબળાં રાજ્યોનાં સ્વાતંત્ર્ય, સાર્વભૌમત્વ અને અસ્મિતા જાળવી રાખવાની તક તેણે આપી છે. મહાસત્તાઓના રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને આણ્વિક વર્ચસના યુગમાં આ એક મોટી સિદ્ધિ છે. આંદોલનનો એક બીજો ગુણ એ રહ્યો છે કે તેમાં વિવિધતાની વચ્ચે એકતા પ્રાપ્ત થઈ શકી છે. તે પોતે કોઈ સત્તા કે સત્તાઓની ઇજારાશાહીનો શિકાર બન્યું નથી. તે એકસાથે અનેક વલણો ધરાવે છે અને તેમાં શક્ય એટલી સર્વસંમતિ સિદ્ધ કરીને શેષ બાબતો સભ્ય રાજ્યો પર છોડી દેવામાં આવી છે. આમાંથી રાજ્યોને અપવાદો (reservations) રાખવાની વ્યવસ્થા પણ વિકસી છે. જોકે તેનો વધુ પડતો ઉપયોગ ટીકાપાત્ર બન્યો છે. વળી સંજોગો અનુસાર આંદોલને કાર્યસૂચિના અગત્યાનુક્રમમાં ફેરફારો પણ કર્યા છે.
આ સાથે આંદોલનની કેટલીક નબળાઈઓનો ઉલ્લેખ પણ આવશ્યક છે. બિનજોડાણ-આંદોલનનો મોટા પ્રમાણમાં વિસ્તાર થતાં સભ્યપદનાં ધોરણો જળવાયાં નથી. વિચારસરણીની શુદ્ધતા જળવાઈ નથી અને આ આંદોલને એક એવું જૂથ ઊભું કર્યું છે; જેમાં સૌ જોડાવા માંગે છે. પરિણામે આંદોલનનું સભ્યપદ મેળવનાર રાજ્યો ઘણી વાર તેમની વર્તમાન સંસ્કૃતિ માટે શંકા ઊભી કરે છે. વધુમાં, આંદોલનના સભ્ય દેશો વચ્ચેના ઝઘડાઓની શાંતિમય પતાવટ શક્ય હોતી નથી. વળી આ આંદોલનના કાર્યક્ષેત્રનો વધુ પડતો વિસ્તાર થયો છે અને તેમાં કેટલીક બિનજરૂરી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. બિનજોડાણવાદી દેશો પશ્ચિમના દેશોના આકરા ટીકાકારો છે એવી તેમની વિરુદ્ધ દલીલ કરવામાં આવે છે. બિનજોડાણવાદી દેશો અને સોવિયેટ સંઘનું પરસ્પરની નજીક હોવું એ આયોજિત પ્રયાસ છે કે સુખદ અકસ્માત છે તે એક પ્રશ્ન છે. આ દેશો પોતાના હક્કો વિશે સભાન છે, પરંતુ ફરજોના પાલનની જવાબદારી ઉપાડતા નથી. નિર્ણય લેવાની સર્વસંમતિની પદ્ધતિને કારણે લઘુમતીઓ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી નથી. વળી તેનાથી ‘અપવાદો’(reservations)ની સંખ્યા વધતી જ જાય છે. આ આંદોલન વિરુદ્ધની એક ટીકા એ પણ છે કે સભ્ય દેશ અફઘાનિસ્તાન પર સર્વોચ્ચ સત્તા સોવિયેટ સંઘે આક્રમણ કર્યું ત્યારે તથા નવા જ સભ્ય દેશ વિયેટનામે કંબોડિયાને કબજે કર્યો ત્યારે તેણે મૌન સેવ્યું હતું. સભ્ય દેશોમાં થતો માનવ-અધિકારોનો ભંગ પણ વિચારણા માંગી લે તેવી બાબત છે.
બિનજોડાણની આ વ્યૂહરચનાના ભાવિ વિશે કહી શકાય કે શીત યુદ્ધના સમયમાં આ આંદોલનનાં જે ધ્યેયો હતાં તે આજે અપ્રસ્તુત છે. વધુ મહત્વની વાત એ છે કે આ ધ્યેયોને સિદ્ધ કરવા બિનજોડાણની વ્યૂહરચના શીત યુદ્ધમાં ઉપયોગી હતી, પરંતુ આજે તેની ઉપયોગિતા પ્રશ્નાર્થ ઊભો કરે છે. આ આંદોલન વિદેશનીતિનાં ધ્યેયો સિદ્ધ કરવા માટે જરૂરી શક્તિનું સર્જન કરી આપી શકે તેમ નથી. આ આંદોલનના સભ્ય દેશોનાં ધ્યેયો હજુ અધૂરાં છે ત્યારે તેને નવું સ્વરૂપ આપવાની મથામણ જારી છે. આંદોલન આર્થિક દિશાના પ્રયાસો હાથ ધરે તો ઘણું કામ કરી શકાય એવી સંભવિતતાઓ છે, કારણ કે આર્થિક શક્તિમાં થયેલો વધારો અંતે તો રાજકીય શક્તિનો વધારો પણ બની રહેવાનો છે. આમ પોતાની શક્તિ વધારવાના નવા ઉન્મેષો શોધવા એ સમયનો તકાજો છે.
મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ