બિગા (Bega) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના અગ્નિકોણમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 36° 30´ દ. અ. અને 149° 50´ પૂ. રે. સિડનીથી તે દક્ષિણે 435 કિમી. અંતરે આવેલું છે. આ વિસ્તાર વાણિજ્ય અને વહીવટનું મથક છે. દરિયાથી આશરે 18 કિમી. ને અંતરે આવેલા ‘સેફાયર કોસ્ટ’ નામથી તે જાણીતું બનેલું છે. તે સમૃદ્ધ ખેતીના પ્રદેશમાં આવેલું હોવાથી તથા દુધાળાં પશુઓનો ઉછેર થતો હોવાથી ચીઝ માટે પ્રખ્યાત બનેલું છે. અહીંના સ્થાનિક ઉદ્યોગોમાં મત્સ્યપ્રક્રમણ, લાટી અને ઈંટવાડા છે. તાજેતરનાં વર્ષોમાં તો તે પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેલું છે. બિગામાં કામ કરતા કારીગરોના આશરે 38 % લોકો આસપાસનાં તાથ્રા, સ્પ્રિંગવેલ, બ્રોગો અને વોલુમ્લામાં રહે છે.

બિગા સર્વપ્રથમ 1829માં ટર્લિન્ટન દ્વારા વસાવવામાં આવેલું. તે અરસામાં ભયંકર દુકાળ પડેલો. તેથી ટર્લિન્ટન પશુઓની ગોચરોની ખોજમાં પશુપાલકો સાથે અહીં આવેલો. 1851ની શરૂઆતમાં બિગાની ઉત્તરે પણ એક નગર વસેલું. પરંતુ ત્યાં વારંવાર પૂરથી તારાજી થતી હોવાથી દક્ષિણ તરફની ઊંચી જગાએ તેને ખેસવવામાં આવેલું. શ્વેત લોકોના વસવાટ અગાઉ અહીં મૂળ આદિવાસીઓ રહેતા હતા. અહીંના ‘બિગ્ગાહ’ (સુંદર અથવા વિશાળ મેદાની વિસ્તાર) નામથી ઓળખાતા મોટા સ્થાનિક ખેતર પરથી આ નામ ઊતરી આવેલું મનાય છે. એની વસ્તી 4,294 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા