બાંડુંગ : ઇન્ડોનેશિયાનું ઐતિહાસિક શહેર અને પશ્ચિમ જાવાનું પાટનગર. તે સમુદ્રસપાટીથી આશરે 700 મીટરની ઊંચાઈએ આવેલા ઉચ્ચપ્રદેશ પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 6° 54´ દ. અ. અને 107° 36´ પૂ. રે. તે તેની ખુશનુમા આબોહવા તથા વ્યવસ્થિત ગોઠવણી માટે જાણીતું છે. તે પશ્ચિમ જાવાનું પાટનગર હોવા ઉપરાંત, વહીવટી અને ઔદ્યોગિક શહેર તથા પ્રવાસીઓના વિહારધામ તરીકે પણ વિકસ્યું છે.
આ શહેર જાકાર્તાથી અગ્નિકોણમાં 120 કિમી. અંતરે આવેલું છે. જાવામાં આવેલો મુખ્ય માર્ગ અહીંથી પસાર થાય છે. ઉચ્ચપ્રદેશ પર વસેલું આજનું બાંડુંગ સ્થળ ક્યારેક વિશાળ સરોવરનો એક થર હતું. જાવામાં જે ઊંચા પર્વતો આવેલા છે તે પૈકીના કેટલાક તો હજી પણ સક્રિય જ્વાળામુખીઓ છે. તે ઉચ્ચપ્રદેશોથી ઘેરાયેલા છે. ઊંચાઈને કારણે તે ખુશનુમા આબોહવા ધરાવે છે. શહેરનું સરેરાશ તાપમાન 23° સે. જેટલું રહે છે અને સરેરાશ વાર્ષિક વરસાદ 2,000 મિમી. જેટલો પડે છે.
શહેરનો મુખ્ય ભાગ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલો છે, તેમ છતાં નિવાસી પરાં ઉત્તર તરફ પણ છે. સરકારી કાર્યાલયો, હોટેલો તથા હૉસ્પિટલો સહિત ઘણી ઇમારતો આ શહેરમાં આવેલી છે. માર્ગો તથા શેરીઓ વિવિધ પ્રકારનાં વાહનોથી ભરચક રહે છે. અહીંના મુખ્ય ખરીદી-બજારમાં ઇન્ડોનેશિયન કલા અને હુન્નરની વિશિષ્ટ ચીજો પણ મળે છે.
દુનિયાના જુદા જુદા દેશોમાંથી તેમજ જાવાના દરિયાકિનારાના ગરમ ભાગોમાંથી ઘણા પ્રવાસીઓ અહીંની આહ્લાદક આબોહવા તથા મનોરંજન-સ્થળો માણવા આકર્ષાય છે. આ શહેરમાં વિશાળ કુરંગ ક્ષેત્ર, મનોરંજન-ઉદ્યાન, પ્રાણી-સંગ્રહાલય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ આવેલાં છે. અહીં નાનાં બાળકો માટે માર્ગો અને ઇમારતોવાળું રમતનું વિશાળ મેદાન છે, જ્યાં તેઓ રમકડાંનાં વાહનોનો ઉપયોગ કરીને રમતાં રમતાં માર્ગ-વાહનવ્યવહારના નિયમો શીખી શકે છે. આ ઉપરાંત અહીં નકશાઓ અને જીવાવશેષોને પ્રદર્શિત કરતું સંગ્રહાલય તથા ઇન્ડોનેશિયન લશ્કરના સિલિવાંગી વિભાગનું સંગ્રહાલય પણ છે.
વસ્તી-લોકો : બાંડુંગની વસ્તી 1990 મુજબ 20,26,893 જેટલી છે. શહેરની મોટાભાગની વસ્તી પશ્ચિમ જાવાના દક્ષિણ ભાગના સુંદાનીઝ લોકોથી બનેલી છે. તેઓ મુસ્લિમ છે. તેમની રોજબરોજની બોલવાની ભાષા સુંદાનીઝ છે. ઇન્ડોનેશિયાના અન્ય ભાગોમાંથી આવીને પણ કેટલાક લોકો વસેલા છે. ઇન્ડોનેશિયામાં બોલાતી જુદી જુદી ભાષાઓ પૈકીની રાષ્ટ્રીય ગણાતી મુખ્ય ઇન્ડોનેશિયન ભાષા તથા સુંદાનીઝ ભાષાનો શાળાઓમાં શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. સુંદાનીઝ લોકોએ પોતાનાં પરંપરાગત નૃત્ય, સંગીત તથા લોકવાર્તાઓ જાળવી રાખ્યાં છે. બાંડુંગ ઇન્ડોનેશિયામાં શિક્ષણ તથા વૈજ્ઞાનિક સંશોધન માટેનું કેન્દ્ર ગણાય છે. અહીં 3 યુનિવર્સિટી આવેલી છે. સમગ્ર દક્ષિણ ગોળાર્ધમાં સુસજ્જ ગણાતી ખગોલીય વેધશાળા ધરાવતી બાંડુંગ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી, ઇન્ડોનેશિયન લશ્કરની સ્ટાફ કૉલેજ, પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ તથા સિરેમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ પણ આ શહેરમાં આવેલી છે.
અર્થતંત્ર : બાંડુંગ ઇન્ડોનેશિયાનું સમૃદ્ધ શહેર ગણાય છે. દુનિયાભરમાં થતા ક્વિનાઇન માટેનું 80 % વાવેતર આ પ્રદેશમાં થાય છે. વળી આસપાસના વિસ્તારોમાં ચા, સિસલ, ટેપિયોકા (કસાવાનાં મૂળમાંથી મેળવાતો સ્ટાર્ચ) તથા રબર પણ ઉત્પન્ન થાય છે. અહીં પેદા થતી વિવિધ પેદાશો માટેનાં પ્રક્રમણ કારખાનાં પણ છે. આ શહેરમાં સુતરાઉ કાપડની તથા ચોખાની મિલો, ક્વિનાઇન સહિત દવાઓ અને ઔષધોનાં કારખાનાં, સિગારેટ અને ખાદ્ય પેદાશોનાં કારખાનાં આવેલાં છે. હવાઈ જહાજ માટે જરૂરી સાધનો બનાવવાનો ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. 20 કિમી. દૂર વાયવ્યના સ્થળે કાગળ, રસાયણો તથા સુતરાઉ કાપડનું ઉત્પાદન લેવાય છે.
બાંડુંગ જાવાનું એક વહીવટી મથક પણ છે. પશ્ચિમ જાવાના વિવિધ પ્રાંતીય સરકારી વિભાગોની કચેરીઓ અહીં આવેલી છે. તે રાજ્યભરના રેલમાર્ગોનું તેમજ ટપાલસેવાનું મુખ્ય મથક પણ છે. આ બંને સેવા માટેની જરૂરી કાર્યશાળાઓ પણ અહીં જ છે. આ ઉપરાંત અહીં બૅંકો, વીમા કચેરીઓ, લશ્કરી દળોની કાર્યશાળા, દારૂગોળા તથા હવાઈ જહાજનાં કારખાનાં વગેરે પણ છે. જાવાનાં અન્ય શહેરો સાથે તે રેલમાર્ગોથી સંકળાયેલું છે. શહેરની નજીક વાયવ્ય તરફ હુસેન શસ્ત્રનગર હવાઈ મથકની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ઇતિહાસ : નવમી સદીમાં પાસુંદન સામ્રાજ્યનું પાટનગર આજના બાંડુંગની નજીકમાં પાકુન ખાતે હતું. બાંડુંગમાં આવેલા પશ્ચિમ જાવાના ગવર્નરના આધુનિક નિવાસસ્થાન માટે આજે પણ ‘પાકુન’ શબ્દ ઉપયોગમાં લેવાય છે. 1488 સુધી બાંડુંગ નગર પજાજરન હિંદુ સામ્રાજ્યનો એક ભાગ હતું. તે આજના શહેરથી આશરે 10 કિમી. દક્ષિણે સિતારમ નદી પર આવેલું હતું. સોળમી સદી સુધીમાં તો આ સામ્રાજ્ય ઇસ્લામ સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું. પછી થોડા જ વખતમાં માતારમના સુલતાન આગુંગે તે જીતી લીધેલું. 1811માં જ્યારે પૂર્વ અને પશ્ચિમ જાવા વચ્ચે મુખ્ય માર્ગ બાંધવામાં આવ્યો ત્યારે આજના બાંડુંગના સ્થળ પર નવા નગરનું નિર્માણ કરવામાં આવ્યું, તે વખતે બાંડુંગની વસ્તી 11,000 જેટલી હતી. વિકાસની સાથે સાથે વસ્તી પણ વધતી જતી હતી. 1864માં થયેલા ભૂકંપમાં સિયાનજુર તારાજ થવાથી બાંડુંગ ડચ લોકોની પ્રિયાંગન રેસિડન્સીનું વહીવટી મથક બન્યું. ત્યારપછી ડચ લોકોએ બાંડુંગની આજુબાજુની ભૂમિને વિકસાવી, ક્વિનાઇન આપતા છોડ સિંકોનાની જાગીરો ઊભી કરી, તેમણે ચા, સિસલ, કપોક તેમજ અન્ય પાકોનું વાવેતર પણ શરૂ કર્યું.
1884માં બાંડુંગને જાકાર્તા સાથે રેલમાર્ગથી જોડ્યું. 1906માં જાકાર્તાથી સુરાબાયાને જોડતો બીજો એક રેલમાર્ગ થયો તેમાં પણ બાંડુંગને જોડ્યું. 1945–1949ની ડચ લોકોની સામેની ઇન્ડોનેશિયાની સ્વાતંત્ર્ય-લડાઈ દરમિયાન, બાંડુંગ ભયંકર લડાઈનું ક્ષેત્ર બની રહેલું. સુકર્ણો ઇન્ડોનેશિયાના પ્રમુખ હતા ત્યારે તેમણે 1955માં આફ્રો-એશિયાઈ રાષ્ટ્રોની પ્રથમ પરિષદનું આયોજન બાંડુંગ ખાતે કરેલું.
ગિરીશભાઈ પંડ્યા