બાવાં : બાજરીમાં સ્કેરોસપોરા ગ્રામિનિકોલા નામની ફૂગથી થતો રોગ. આ રોગ કુતુલ, પીલીઓ, ખોડિયો, જોગીડો, ડાકણની સાવરણી અને બાવાં જેવાં જુદાં જુદાં નામે ઓળખાય છે. આ રોગ બાજરી ઉગાડતા દરેક પ્રદેશમાં, અને ખાસ કરીને ગુજરાતમાં સંકર જાતોમાં વધુ જોવા મળે છે. તે દર વર્ષે ખૂબ જ (6 %થી 60 %) નુકસાન કરે છે. આ ફેલાવો બીજાણુ મારફતે થાય છે તેમજ જમીનમાં પડેલ જલાશ્મો અને બીજાણુના અંકુરણથી ચેપની શરૂઆત થાય છે. આ રોગનો ચેપ છોડની ધરુની અવસ્થાથી માંડી ડૂંડાની અવસ્થા સુધીમાં ગમે ત્યારે લાગે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ રોગને વધારે અનુકૂળ હોય છે. ફૂગનું આક્રમણ થતાં પાનની નીચેની બાજુએ ફૂગના બીજાણુઓ છારીના જેવા દેખાય છે. પાનની ઉપરની સપાટી પીળી થતાં અસરગ્રસ્ત પેશીઓ મૃત્યુ પામે છે અને એ રીતે પાનને સુકારો લાગતાં ધરુ અવસ્થામાં જ છોડ મૃત્યુ પામે છે. પાનની નીચેની બાજુએ છારી સ્વરૂપે બહાર નીકળેલા બીજાણુઓ પવન, વરસાદ અને કીટકો મારફતે ફેલાતાં, ફરીથી નવો ચેપ લાગતાં નુકસાનનું પ્રમાણ વધે છે. બાવાં માટે કારણભૂત આ ફૂગ બાજરા પ્રકારના અન્ય ધાન્ય પાકો એટલે કે મકાઈ અને શેરડી જેવામાં પણ આવો રોગ પેદા કરે છે.

લક્ષણો : આ રોગનાં લક્ષણો બે તબક્કામાં વહેંચી શકાય છે : (1) ધરુ-અવસ્થા : ધરુ-અવસ્થાએ પાનની નીચેની બાજુએ સફેદ છારી સ્વરૂપે ફૂગના બીજાણુઓ બહાર આવે છે. છોડનાં રોગિષ્ઠ પાન પીળાં થાય છે અને છોડ વામણા રહે છે. સમય જતાં બીજાણુઓ પરિપક્વ થતાં સફેદ છારી કથ્થાઈ રંગની થાય છે અને પાન સુકાઈ જાય છે. પાન નસની બાજુએથી ફાટી જઈ તાંતણા સ્વરૂપ પામી, સુકાઈ જાય છે અને તેથી છોડ મૃત્યુ પામે છે. (2) ડૂંડા-અવસ્થા : આ રોગના કારણે ડૂંડાની અવસ્થા થાય છે. તેને બાવાં કે ડાકણની સાવરણી અવસ્થા કહે છે. ફૂગના આક્રમણથી ડૂંડાના ફૂલના ભાગોમાં વિકૃતિ પેદા થાય છે. તેનાથી ડૂંડાના થોડા કે પૂરા ભાગમાં નાનાં નાનાં વાંકા આકારનાં લીલાં પાન ઊગી જાય છે, જે ડૂંડાની ફૂટની વૃદ્ધિ ઢાંકી દે છે. આવી વાનસ્પતિક વૃદ્ધિને લીધે દાણા બેસતા નથી અને ડૂંડાં સાવરણી જેવાં દેખાય છે. ક્યારેક ડૂંડાના અડધા ભાગમાં દાણા બેસે છે, જ્યારે શેષ ભાગમાં લીલી ફૂટ થતાં તેમાં દાણા બેસતા નથી.

આ રોગને કાબૂમાં રાખવા માટે નીચેના ઉપાયો સૂચવાય છે :

(1) પાકની ફેર-બદલી કરવી; (2) રોગ-પ્રતિકારક જાતોની વાવણી કરવી; (3) મેટાલેક્ઝિલ ગ્રૂપની ફૂગનાશક દવાનો પટ આપી વાવણી કરવી; (4) ધરુ-અવસ્થાએ રોગવાળા છોડો ઉપાડી, બાળી નાશ કરવો અને (5) મેટાલેક્ઝિલ અથવા કૅપ્ટાન અથવા થાયરમ અથવા ઝાયનેબ ફૂગનાશક દવાનો છંટકાવ અનુક્રમે 30, 40 અને 50 દિવસે કરવો.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ