બાર્દો, બ્રિજિત (જ. 28 સપ્ટેમ્બર 1934, પૅરિસ) : ફ્રેન્ચ અભિનેત્રી. મોહક સૌંદર્યને કારણે અમેરિકન અભિનેત્રી મૅરિલિન મનરો પછી સૌથી વધુ ચર્ચાસ્પદ રહેનાર બ્રિજિત બાર્દો અભિનયમાંથી નિવૃત્તિ બાદ પ્રાણીઓના સંરક્ષણ માટેની તેની ઝુંબેશના કારણે વધુ જાણીતી છે. ભણવામાં તે ઠોઠ હતી. કિશોરવયે નૃત્ય શીખવા જતી ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે ફ્રાન્સના પ્રતિષ્ઠિત ફૅશન મૅગેઝીન ‘એલે’(Elle)ના મુખપૃષ્ઠ પર તેની તસવીર પ્રગટ થઈ હતી. માતાપિતાની વિનંતીને કારણે સામયિકમાં તેનો નામોલ્લેખ ‘બી-બી’ (B.B.) તરીકે કરવામાં આવ્યો હતો. આ મુખપૃષ્ઠ ફ્રેન્ચ દિગ્દર્શક માર્ક એલેગ્રેની નજરે પડતાં તેમણે પોતાના સહાયક રૉજર વાદિમને બાર્દોનો સંપર્ક સાધવા મોકલ્યા.
‘ધ લૉરેલ્સ આર કટ’ ચિત્ર માટે બાર્દોનો સ્ક્રીનટેસ્ટ લેવાયો. એ ચિત્ર પછી જોકે ક્યારેય બન્યું નહિ. માર્ક એલેગ્રેને બ્રિજિત બાર્દો અભિનેત્રી બની શકે એવું કંઈ જણાયું નહિ, પણ રૉજર વાદિમને ખાતરી હતી કે બાર્દોના વ્યક્તિત્વમાં એવું કંઈક છે, જે તેને રૂપેરી પડદા પર સફળતા અપાવશે.
1952માં પોતાના અભિનયવાળાં ‘ધ નૉર્મન હૉલ’ અને ‘મૅનિના ઍન્ડ ગર્લ વિધાઉટ એ વેઇલ’ – આ બંને ફ્રેન્ચ ચિત્રો નિષ્ફળ જતાં નિરાશ થઈને બ્રિજિત બાર્દો આ વ્યવસાય છોડવા તૈયાર થઈ; પણ વાદિમે હજી આશા છોડી નહોતી. વાદિમે તેને હિંમત અને પ્રેરણા આપ્યાં. દિગ્દર્શક તરીકે વાદિમે પોતાનું પ્રથમ ચિત્ર બાર્દોને લઈને જ બનાવ્યું. આ ફ્રેન્ચ ચિત્ર ‘ઍન્ડ ગૉડ ક્રિએટેડ વુમન’માં બાર્દોને તેમણે એ રીતે રજૂ કરી કે રાતોરાત તે સફળ અભિનેત્રી બની ગઈ. ફિલ્મની આકરી સમીક્ષાઓ થઈ અને સેન્સરે પણ તેમાં ખૂબ કાપકૂપ કરી, પણ દુનિયામાં ચિત્ર જ્યાં જ્યાં રજૂ થયું ત્યાં સફળ થયું.
આ ચિત્ર પછી બાર્દોને હૉલિવુડની ઘણી ઑફરો મળી, પણ તે નકારતી રહી. બાર્દોએ તેની વીસેક વર્ષની કારકિર્દીમાં 48 ચિત્રોમાં કામ કર્યું અને એમાંનાં મોટાભાગનાં ફ્રેન્ચ ચિત્રો હતાં. પણ એ 20 વર્ષો દરમિયાન બાર્દો તેના સૌંદર્ય, તેના મુક્ત સંવનન, લગ્નો, છૂટાછેડા તથા આત્મહત્યાના એકથી વધુ પ્રયત્નોને કારણે સદાય સમાચારોના અને વિવાદોના કેન્દ્રમાં રહી.
1952માં દિગ્દર્શક રૉજર વાદિમ સાથે તેણે લગ્ન કર્યાં, પણ ‘ઍન્ડ ગૉડ ક્રિએટેડ વુમન’ના નિર્માણ દરમિયાન જ બંને છૂટાં પડ્યાં, વાદિમે જોકે એ પછી પણ બાર્દોને લઈને ચિત્રોનું સર્જન કર્યું હતું. 1959માં ‘બેબેટ ગોઝ ટૂ વૉર’ના નિર્માણ વખતે આ ચિત્રના સાથી અભિનેતા જૅક્વિસ શેરિયર સાથે લગ્ન કર્યાં અને 1960ની 11 જાન્યુઆરીએ એક બાળકની તે મા બની. 1962માં જૅક્વિસથી છૂટાછેડા લીધા અને બાળકનો કબજો પણ તેને સોંપી દીધો. 1966માં અબજોપતિ ગુન્થર સેરસ સાથે લગ્ન કરીને 1969ના સપ્ટેમ્બરમાં તેનાથી છૂટાછેડા લીધા.
બ્રિજિત બાર્દોને ક્યારેય પોતાની ફિલ્મી કારકિર્દીથી સંતોષ નહોતો. ઘણીવાર તેણે નિવૃત્તિ લઈ લેવાનો વિચાર કર્યો હતો, પણ અંતે 34 વર્ષની ઉંમરે 1973માં તેણે અભિનયક્ષેત્રને તિલાંજલિ આપી દીધી. ‘ઍન્ડ ગૉડ ક્રિએટેડ વુમન’નું જે ગામમાં શૂટિંગ કરાયું હતું એ સેં ત્રોપેં ખાતે તે સ્થાયી થઈ. ત્યારથી પોતાનું સમગ્ર જીવન તેણે દુર્લભ અને તબીબી તથા વૈજ્ઞાનિક પ્રયોગોનો ભોગ બનતાં પ્રાણીઓની સંભાળ અને તેમના સંરક્ષણને સમર્પિત કરી દીધું છે. પોતાનાં ઘરેણાં અને અંગત ચીજોની હરાજી કરીને જે ભંડોળ એકઠું થયું તેમાંથી તેણે બ્રિજિત બાર્દો ફાઉન્ડેશનની સ્થાપના કરી. 1977માં કૅનેડામાં સીલનાં બચ્ચાંની આડેધડ થતી હત્યા રોકવા તેણે જે ઝુંબેશ ચલાવી તે નોંધપાત્ર હતી. બાર્દોના જીવન વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે, પણ તે સૌમાં નોંધપાત્ર છે સિમોં દ બોવાએ લખેલું ‘બ્રિજિત બાર્દો ઍન્ડ ધ લોલિતા સિન્ડ્રોમ’ (1960).
હરસુખ થાનકી