આયોજન-આર્થિક

January, 2002

આયોજન, આર્થિક

સમયના નિશ્ચિત ગાળામાં પૂર્વનિર્ધારિત હેતુઓ તથા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તથા તે દિશામાં સમાજમાં ઉપલબ્ધ સાધનોના ઇષ્ટતમ ઉપયોગ માટે રાજ્ય જેવી જાહેર સંસ્થા દ્વારા અર્થતંત્રને લગતા મહત્વના નિર્ણયો રૂપે થતું આયોજન. આર્થિક આયોજન એ મહત્વના આર્થિક નિર્ણયો લેવાની તથા તેને કાર્યાન્વિત કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે. મુક્ત અર્થતંત્ર અને આર્થિક આયોજન – એ બે અંતિમો (extremes) પર વિકાસોન્મુખ પ્રક્રિયાઓ પ્રવર્તે છે. મુક્ત અર્થતંત્ર આર્થિક નિર્ણયો લેવામાં રાજ્ય જેવી જાહેર સંસ્થાઓના હસ્તક્ષેપને નિષેધાત્મક ગણે છે, તો આર્થિક આયોજન રાજ્ય દ્વારા લેવાતા મહત્વના આર્થિક નિર્ણયો તથા રાજ્યના અંકુશ હેઠળનાં માધ્યમો દ્વારા થતા તેના અમલીકરણને સામાજિક કલ્યાણના પરિપ્રેક્ષ્યમાં ઇષ્ટ ગણે છે. આર્થિક આયોજનનો મુખ્ય હેતુ ઝડપી આર્થિક વિકાસ દ્વારા બહુસંખ્ય સમાજનું કલ્યાણ સાધવાનો હોય છે અને તેથી તે સમાજજીવનનાં બધાં પાસાંઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્પર્શે છે. સમાજનાં આર્થિક સાધનો પર રાજ્યનો અંકુશ એ આર્થિક આયોજનનું સૌથી અગત્યનું લક્ષણ. આવો અંકુશ આંશિક અથવા સંપૂર્ણ હોઈ શકે. લોકશાહી સાધનો પર રાજ્યનો અંકુશ મહદંશે આંશિક હોય છે તો રશિયા જેવા સામ્યવાદી દેશોમાં સંપૂર્ણ અને સર્વગ્રાહી અંકુશ હતો. આર્થિક આયોજનનું બીજું લક્ષણ એ કે તેના હેતુઓ તથા અગ્રતાકમ પૂર્વનિર્ધારિત હોય છે અને તેના સંદર્ભમાં નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યાંકો સમયના નિશ્ચિત ગાળામાં હાંસલ કરવાના હોય છે. આ રીતે નિર્ધારિત કરવામાં આવેલા હેતુઓ અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમાજનાં આર્થિક સાધનોનો ઉપયોગ બુદ્ધિગમ્ય રીતે થાય તેવી વ્યવસ્થા આયોજન દ્વારા ઊભી કરવામાં આવે છે. આર્થિક આયોજનનાં બે ઘટકતત્વો ગણાય : (1) સાધ્યો અંગેની સભાનતા, (2) ઉપલબ્ધ સાધનો અંગેની સંપૂર્ણ માહિતી અને તેવાં સાધનોની ઇષ્ટતમ ફાળવણી.

આર્થિક પ્રવૃત્તિમાં રાજ્યનો કેવળ હસ્તક્ષેપ તે આયોજન નથી. મુક્ત સાહસ પર રચાયેલ અર્થતંત્રમાં પણ કેટલીક વાર અમુક અંકુશો દ્વારા રાજ્ય દરમિયાનગીરી કરતું હોય છે. જ્યારે આવી દરમિયાનગીરી અર્થતંત્રનાં બધાં પાસાંઓને વ્યાપક રીતે સ્પર્શે અને તેનો ઉદ્દેશ સમયના નિશ્ચિત ગાળામાં પૂર્વનિર્ધારિત હેતુઓ તથા લક્ષ્યાંકો હાંસલ કરવાનો હોય ત્યારે આર્થિક આયોજન દાખલ થયું તેમ કહેવાય છે. સમયનિરપેક્ષ હેતુઓ અને લક્ષ્યાંકો આર્થિક આયોજનને અર્થહીન બનાવે છે.

પ્રાદેશિક આયોજન : પ્રાદેશિક આયોજન એટલે આર્થિક નિર્ણયો લેવાની સત્તાનું ભૌગોલિક વિકેન્દ્રીકરણ. આર્થિક આયોજનમાં પ્રજાના બધા જ સ્તરની સીધી ભાગીદારી મેળવવા માટે પ્રાદેશિક આયોજન અનિવાર્ય છે. સમગ્રલક્ષી (macro) આયોજનમાં દેશને અવિભાજ્ય એકમ ગણવામાં આવે છે તો પ્રાદેશિક આયોજનમાં દેશના જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની સામાજિક અને આર્થિક વિશિષ્ટતાઓ તથા જરૂરિયાતોને અનુલક્ષીને સૂક્ષ્મ અથવા આંશિક (micro) આયોજન કરવામાં આવે છે. વાસ્તવમાં આર્થિક આયોજનની ઐતિહાસિક ભૂમિકાના સંદર્ભમાં વિચારીએ તો પ્રાદેશિક આયોજનનો ખ્યાલ મુકાબલે નવો લાગે. અલબત્ત, ‘પ્રદેશ’નો ખ્યાલ ભૌગોલિક ઉપરાંત વહીવટી કે રાજકીય ઘટક સાથે સંકળાયેલો હોય છે. છતાં પ્રદેશના નામથી ઓળખાવી શકાય તેવા એકમનું આયોજન કદ, સાધનોની ઉપલબ્ધતા તથા સ્થાનિક અર્થતંત્રની તરેહ પ્રમાણે થાય છે.

રાષ્ટ્રીય આવક તથા માથાદીઠ આવકમાં વધારો કરવાના ઉદ્દેશની સાથોસાથ સમતોલ પ્રાદેશિક વિકાસ હાંસલ કરવાના ઉદ્દેશને પણ રાષ્ટ્રીય આયોજનના માળખામાં અગ્રતાક્રમ આપવો જોઈએ તેવો સર્વસામાન્ય મત પ્રવર્તે છે, અન્યથા પ્રાદેશિક અસમાનતાઓ તથા આર્થિક વિષમતાઓ ઊભી થવાનો સંભવ રહે છે. પ્રાદેશિક સમતુલાનો ખ્યાલ રાખવામાં ન આવે તો દેશના ઘણા પ્રદેશોની પ્રજા દેશના સામાન્ય આર્થિક વિકાસના લાભથી વંચિત રહી જાય તેમ બને. દેશના આર્થિક વિકાસના લાભની ન્યાયપૂર્ણ વહેંચણી કરવી હોય તો આયોજનની પ્રક્રિયાના વિવિધ તબક્કામાં પ્રજાનો સક્રિય સાથસહકાર અનિવાર્ય છે. તે પ્રાદેશિક આયોજન દ્વારા મેળવી શકાય છે. પ્રાદેશિક આયોજનના સ્તરે પ્રજા પોતે જ આયોજનની પ્રક્રિયામાં જોડાય અને તે દ્વારા પોતાના ભવિષ્યનું ઘડતર કરે તે સૌથી ઇષ્ટ બાબત ગણાય. સુસંકલિત આયોજન માટે જરૂરી છે કે આયોજનની પ્રક્રિયાને પ્રજાના નીચામાં નીચા સ્તર સુધી પહોંચાડવામાં આવે અને તે દ્વારા સમાજના નાનામાં નાના ઘટકના કલ્યાણ પર ભાર મૂકવામાં આવે. પ્રાદેશિક આયોજન હકીકતમાં તે તરફનું વલણ મજબૂત બનાવે છે, કારણ કે પ્રાદેશિક આયોજન અને આયોજનમાં પ્રજાની ભાગીદારી પરસ્પર આધારિત છે.

પ્રાદેશિક આયોજનનું મુખ્ય લક્ષણ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું વિસ્તરણ કરવાનું, નવી રોજગારીનું સર્જન કરવાનું તથા ગ્રામીણ અને શહેરી વિસ્તારોના સીમાવર્તી આર્થિક ઘટકોની ગરીબી દૂર કરવાનું હોવું જોઈએ. આ લક્ષ્ય જેટલે અંશે હાંસલ થાય તેટલે અંશે પ્રાદેશિક અસમતુલાઓ અને વિષમતાઓ નિવારી શકાય.

માનવશક્તિ આયોજન : પૂર્વ-નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે દેશની માનવમૂડીનો વિકાસ તથા તેના ઇષ્ટ અને અસરકારક ઉપયોગ માટેનાં નીતિ અને કાર્યક્રમો. આ આયોજનની પ્રક્રિયા શ્રમબજારમાં શ્રમની માંગ, તેનો પુરવઠો તથા તેના પ્રવર્તમાન ઉપયોગની તરેહના વિશ્લેષણથી શરૂ થાય છે, જેનો મુખ્ય હેતુ શ્રમબજારમાં શ્રમના વિવિધ સ્વરૂપની માંગ તથા પુરવઠામાં લાંબા ગાળાની સમતુલા પ્રસ્થાપિત કરવાનો હોય છે. સમગ્રલક્ષી (macro) આયોજનનો હેતુ અર્થતંત્રના જુદા જુદા વિભાગોમાં લાંબા ગાળાની સમતુલા પ્રસ્થાપિત કરી સમગ્ર અર્થતંત્રને વિકાસોન્મુખ કરવાનો હોય છે, તો માનવશક્તિ આયોજન જેવા સૂક્ષ્મ (micro) કે વિભાગીય આયોજનનો હેતુ અર્થતંત્રના કોઈ એક વિશિષ્ટ બજારમાં આંશિક સમતુલા પ્રસ્થાપિત કરવાનો હોઈ શકે. આ અર્થમાં વિચારીએ તો માનવશક્તિ આયોજન એ સમગ્રલક્ષી કે વિરાટ આયોજનનો એક અનિવાર્ય ભાગ છે. અર્થતંત્રના કોઈ એક વિભાગમાં સમતુલા ન હોય તો સમગ્ર અર્થતંત્ર સમતુલા પ્રાપ્ત કરી શકે નહિ તે અનુભવજન્ય હકીકત છે. તેથી અર્થતંત્રની સામાન્ય સમતુલા અમુક અંશે શ્રમબજારની સમતુલા પર અવલંબે છે.

ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે દેશમાં ઉપલબ્ધ હોય તેવા શ્રમના બધા જ એકમોના સમૂહને વ્યાપક અર્થમાં માનવશક્તિ કહી શકાય, પરંતુ આર્થિક આયોજનના વિશિષ્ટ સંદર્ભમાં જ્યારે તેનો વિચાર કરવામાં આવે ત્યારે તેમાં દેશનું સમગ્ર શ્રમદળ આવરી લેવાને બદલે અર્થતંત્રની ભૌતિક સંપત્તિ, ઉપલબ્ધ સાધનો અને અછતવાળાં અન્ય ઉપકરણોનો ઇષ્ટ તથા અસરકારક ઉપયોગ જેના સહયોગથી થઈ શકે તેવા કેળવાયેલા કે તાલીમ પામેલા શ્રમદળનો જ ઉમેરો કરવામાં આવે છે. આ રીતે વિચારીએ તો માનવશક્તિ એ દેશની એવી માનવમૂડી છે, જેના જુદા જુદા એકમો કે ઘટકોએ શિક્ષણ, તાલીમ કે કાર્યાનુભવના માધ્યમથી પોતાની કાર્યશક્તિમાં કૌશલ્યનો વિશિષ્ટ સ્તર હાંસલ કર્યો હોય. આમ વિવિધ વ્યવસાયોમાં ઉપયોગમાં આવી શકે તેવાં કૌશલ્ય ધરાવતા શ્રમિકોની માંગ તથા તેના પુરવઠા વચ્ચે સમતુલા પ્રસ્થાપિત કરવાના આશયથી માનવશક્તિ-આયોજન હાથ ધરવામાં આવે છે.

માનવશક્તિ-આયોજનના બીજા મહત્વના તબક્કામાં દેશની વસ્તીનાં પ્રવર્તમાન અને ભાવિ વલણો તથા શ્રમદળનાં વિશિષ્ટ લક્ષણોને લગતી માહિતીને આધારે શ્રમના ભાવિ પુરવઠાની ગણતરી કરવામાં આવે છે. તેની સાથે આર્થિક આયોજનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ વ્યવસાયોમાં ભવિષ્યના ગાળામાં શ્રમની માંગનાં અપેક્ષિત વલણોની અટકળો અને ગણતરીઓ કરવામાં આવે છે. આ રીતે શ્રમબજારમાં વર્તમાન વલણોના પાયા પર આધારિત ભવિષ્યની સંભવિત માંગ તથા સંભવિત પુરવઠો બંનેના પારસ્પરિક અપેક્ષિત સંબંધોના સંદર્ભમાં માનવમૂડીના ઇષ્ટ અને અસરકારક ઉપયોગ માટેની નીતિ, તેનાં ધોરણો અને કાર્યક્રમો ઘડવામાં આવે છે.

માનવશક્તિ-આયોજન એ લાંબે ગાળે વસ્તી-આયોજનનો એક અનિવાર્ય ભાગ છે. ઉપરાંત, તે દેશની શિક્ષણવ્યવસ્થા તથા સામાજિક અને આર્થિક આયોજન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે અને વિરાટ આયોજનનું તે એક અગત્યનું પાસું છે.

ઘણી વાર માનવશક્તિ-આયોજન અને રોજગાર-આયોજન વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા દોરવામાં આવે છે, જોકે બંનેનો હેતુ શ્રમમાં માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા પ્રસ્થાપિત કરવાનો હોય છે. રોજગારીના વિસ્તરણની નીતિ અમલમાં મૂકવાની હોય ત્યારે રોજગાર-આયોજન અમલમાં આવે છે, પરંતુ જ્યારે શ્રમની માંગનાં વલણોના સંદર્ભમાં ભિન્ન ભિન્ન વ્યવસાયો માટે વિશિષ્ટ પ્રકારની કેળવણી, તાલીમ કે કાર્યાનુભવ ધરાવતા શ્રમના પુરવઠાને લગતું આયોજન કરવાનું હોય ત્યારે માનવશક્તિ-આયોજન અમલમાં આવ્યું તેમ કહેવાય. મોટા ભાગે તો આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે અને તેથી તેને સમાન ગણવામાં આવે છે.

આયોજનપંચ, ભારતનું : આયોજિત અર્થતંત્ર ધરાવતા દેશોમાં કેન્દ્રીય મંડળ, જે યોજનાના ઘડતર અને અમલની સત્તા ધરાવે છે અને દેશની સંસદ તેમજ પ્રધાનમંડળના સંપર્કમાં રહીને કાર્ય કરે છે. સામાન્ય રીતે આયોજન-પંચમાં વૈજ્ઞાનિક, તજ્જ્ઞો અને રાજપુરુષોનો સમાવેશ થાય છે. સમાજવાદી દેશોને ધ્યાનમાં રાખીને આયોજન-પંચનાં મુખ્ય કાર્યો નીચે મુજબ ગણાવી શકાય :

(1) સરકારની ભલામણો અનુસાર રાષ્ટ્રીય અર્થતંત્રના વિકાસ માટે યોજના તૈયાર કરવી. (2) વિશિષ્ટ સમસ્યાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોના અભ્યાસ માટે વૈજ્ઞાનિક સંસ્થાઓની સેવા મેળવવી. (3) દીર્ઘદર્શી રાષ્ટ્રવ્યાપી યોજના અને ઘટક યોજનાઓ વચ્ચે સુસંગતતા જાળવવી અને એના આધારે વાર્ષિક યોજનાઓ તૈયાર કરવી. (4) યોજના હેઠળના પ્રોજેક્ટો પરિપૂર્ણ કરવા માટે મૂડીરોકાણનું કુલ પ્રમાણ નક્કી કરવું અને અર્થતંત્રનાં જુદાં જુદાં ક્ષેત્રો વચ્ચે તેની ફાળવણી કરવી. (5) પાયાની વસ્તુઓ અને સેવાઓના જથ્થાબંધ ભાવો તેમજ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓના છૂટક ભાવો નક્કી કરવા અને ભાવફેરફાર અંગે ભલામણ કરવી. (6) આર્થિક આયોજનને વધુ અસરકારક બનાવવા યોગ્ય સૂચનો કરવાં. (7) વધુ ઉત્પાદન અર્થે પ્રોત્સાહનોની જોગવાઈ કરવી. (8) ખર્ચ તથા આવકની હિસાબી પદ્ધતિમાં સુધારણા કરવી.

ભારતમાં કેન્દ્ર-સરકારના ઠરાવ દ્વારા 15 માર્ચ, 195૦ના રોજ આયોજન-પંચની રચના કરવામાં આવી હતી. તેનાં કાર્યો આ પ્રમાણે છે : (1) દેશનાં ભૌતિક, મૂડીવિષયક અને માનવીય સાધનોની આકારણી કરવી અને જે સાધનોનું ઉપલબ્ધ-પ્રમાણ જરૂરિયાતની સરખામણીમાં ઓછું હોય એમાં અભિવૃદ્ધિની શક્યતાઓ તપાસવી. (2) દેશમાં ઉપલબ્ધ આર્થિક સાધનોનો અસરકારક અને સમતોલ ઉપયોગ થાય એ માટે યોજના તૈયાર કરવી. (3) યોજનાના અમલના તબક્કા નક્કી કરવા અને પ્રત્યેક તબક્કો પરિપૂર્ણ કરી શકાય એવી સાધનફાળવણી સૂચવવી. (4) દેશના આર્થિક વિકાસને અવરોધવાનું વલણ ધરાવતાં પરિબળો દર્શાવવાં અને પ્રવર્તમાન રાજકીય તેમજ સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં યોજનાના સફળ અમલ માટે જરૂરી શરતો નક્કી કરવી. (5) દરેક તબક્કામાં યોજનાના અસરકારક અમલ માટે આવશ્યક તંત્રનું સ્વરૂપ નક્કી કરવું. (6) દરેક તબક્કામાં યોજનાના અમલની પ્રગતિનું અવારનવાર મૂલ્યાંકન કરવું અને જરૂર જણાય તો નીતિ તેમજ અમલમાં યોગ્ય ફેરફારો સૂચવવા. (7) પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ, નીતિ, પગલાં અને કાર્યક્રમો અંગે વિચારણા કરીને વચગાળાની કે આનુષંગિક ભલામણો કરવી. (8) જે વિશિષ્ટ સમસ્યાઓ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સલાહ માંગે તે તપાસી જવી.

ભારતનું આયોજન-પંચ સલાહકાર મંડળ છે. તે માત્ર યોજના તૈયાર કરે છે. યોજના સ્વીકારવી કે નહીં તે કેન્દ્ર-સરકાર રાજકીય વ્યવહારુતાના આધારે નક્કી કરે છે. યોજનાના અમલની જવાબદારી આયોજન-પંચની નહીં, કેન્દ્ર-સરકાર તથા રાજ્ય-સરકારોની છે.

હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન આયોજન-પંચના અધ્યક્ષ હોય છે. કેન્દ્રના આયોજન-ખાતાના પ્રધાન તેના નાયબ અધ્યક્ષ હોય છે. ઉપરાંત ઘણુંખરું તેમાં ચાર પૂર્ણ સમયના સભ્યો હોય છે, જેમાં કેન્દ્રના નાણાપ્રધાનનો પણ હોદ્દાની રૂએ સમાવેશ થાય છે. આયોજન-પંચના સભ્યોની નિમણૂક, તેમની સંખ્યા, તેમની લાયકાત અને તેમના હોદ્દાની મુદત અંગે નિશ્ચિત ધોરણો કે નિયમો નથી. આયોજન-પંચમાં રાજ્ય-સરકારોનું પ્રતિનિધિત્વ પણ નથી. તે સંપૂર્ણપણે કેન્દ્રીય મંડળ છે. વડાપ્રધાન સરકાર અને આયોજન-પંચ વચ્ચે સેતુ સમાન છે. તે આયોજન-પંચને સરકારના રાજકીય દૃષ્ટિબિંદુથી માહિતગાર કરાવતા હોય છે.

ભારતના આયોજન પંચમાં વિકાસલક્ષી કાર્યક્રમવિષયક સલાહકારોનાં ચાર જૂથો છે, જે રાજ્યોના વહીવટથી વાકેફ રહે છે. તેઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતી બાબતો અંગે કેન્દ્રના પ્રધાનમંડળ તેમજ રાજ્ય-સરકારો સાથે સતત સંપર્કમાં રહે છે, વિકાસલક્ષી કાર્યક્રમોના અમલનો અભ્યાસ કરે છે અને યોજનાના અમલમાં સિદ્ધ થયેલી પ્રગતિ અંગે આયોજન-પંચને માહિતી આપે છે. આયોજન-પંચની રોજબરોજની કામગીરી અંગેની જવાબદારી પણ આ સલાહકારોના શિરે હોય છે.

ભારતનું આયોજન-પંચ બંધારણીય કે ધારાકીય સત્તા ધરાવતું નથી, છતાં સરકારની નીતિઓ અને કાર્યક્રમો પર તેનો ઊંડો પ્રભાવ છે. તેના અધ્યક્ષપદે વડાપ્રધાન અને સભ્યપદે કેન્દ્રના કેટલાક પ્રધાનો હોવાથી તેના નિર્ણયોની અવગણના થાય એવું ભાગ્યે જ બની શકે. ઘણી વાર સરકાર આયોજન-પંચની સલાહ સ્વીકારીને નાણાપંચ કે જે ધારાકીય સત્તા ધરાવતું મંડળ છે, તેનાં અભિપ્રાયો અને ભલામણોનો અસ્વીકાર કરે એવું પણ બને છે.

આયોજનતરેહ, ભારતમાં : ભારતમાં આર્થિક વિકાસ માટે આયોજન-પંચની સ્થાપના 195૦ દરમિયાન કરવામાં આવી હતી. આઝાદી પછી જુદાં જુદાં ક્ષેત્રોની નીતિમાં ફેરફારો લાવવાની કૉંગ્રેસ પક્ષની મહત્વાકાંક્ષા હતી તેના એક કેન્દ્ર તરીકે આયોજન-પંચ હોવું જોઈએ તે વિચારના સ્વીકારમાંથી 195૦માં આ પંચની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ આયોજનનો વિચાર સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાંનાં વર્ષોમાં સ્વીકારવામાં આવ્યો હતો. એટલે આયોજન-પંચની વૈચારિક ભૂમિકા ખરેખર શી હતી તે સમજવા માટે આઝાદી પહેલાંના કાળમાં કેવા કેવા પ્રકારના પ્રયાસો આયોજનના વિચારને પોષણ આપતા રહ્યા હતા તેનો ખ્યાલ મેળવી લેવો જરૂરી છે.

આયોજન અથવા વિકાસ માટેના વ્યવસ્થિત આયોજિત કાર્યક્રમોની જરૂરિયાત વૈચારિક ક્ષેત્રે બે મૂળભૂત ગણાય તેવા પ્રવાહોમાંથી ઊભી થઈ છે. એક મૂડીવાદી અર્થકારણમાં આવતા તેજીમંદીના અનિવાર્ય ઊથલાઓ, આવકની અસમાન વહેંચણી, બેકારી તથા વિકાસનો એકધારો દર ટકાવી રાખવામાં મૂડીવાદી અર્થકારણની નિષ્ફળતા – આ બધાંને લઈને અર્થશાસ્ત્રીઓ મર્યાદિત અર્થમાં નિયંત્રણ – આયોજનનો સ્વીકાર કરતા થયા હતા. એક બીજી જ દિશામાંથી પણ અર્થવ્યવહાર તથા આર્થિક નીતિ કલ્યાણલક્ષી હોવાં જોઈએ તેવો સ્વીકાર થતો જોવામાં આવ્યો હતો. સામ્યવાદી ક્રાન્તિ પછી સોવિયેત રશિયામાં દુનિયામાં પહેલી જ વાર સંપૂર્ણ નિયંત્રણ નીચેનું આયોજન અમલમાં આવ્યું હતું. આ બધા પ્રવાહો તથા તેમાંથી ઊભાં થયેલાં પરિબળોને લીધે આયોજન અને આયોજિત આર્થિક વિકાસ મૂડીવાદી અર્થકારણોમાં પણ એક ઉપલબ્ધ નીતિવિકલ્પ તરીકે સ્વીકાર પામેલ છે.

ગુલામ દેશોની આર્થિક સ્થિતિને કાર્લ માર્કસે મૂડીવાદી અર્થકારણના શોષણલક્ષી વ્યવહારના એક ભાગ તરીકે ગણાવી હતી. સ્વતંત્ર થવા મથતાં અનેક ગુલામ રાષ્ટ્રોમાં આયોજન-તરફી અને મૂડીવાદ-વિરોધી વિચારો તથા કાર્યક્રમો જોવા મળતા હતા. આ સઘળા પ્રવાહોમાંથી ભારત કોઈ રીતે મુક્ત રહી શકે તેમ નહોતું. ઊલટું ભારતમાં તો આયોજનનો સ્વીકાર આઝાદી પહેલાંનાં વર્ષોમાં કરવામાં આવ્યો હતો; પરંતુ ભારતમાંનું આયોજન બીજા દેશોનાં આયોજન તથા તેને લગતા વિચારોથી જુદું પડતું હતું.

પહેલું તો અર્થકારણ, આર્થિક વિકાસ, નીતિવિષયક વિકલ્પો વગેરે ઉપર ગાંધીજીના ચિંતન-મનનની ઊંડી અસર પડી હતી. આયોજનને ગ્રામીણ અર્થકારણથી જુદું પાડી ન શકાય એટલે કે સમૃદ્ધ ગામડું એ જ વિકાસનો સાચો અને દીર્ઘકાલીન સ્થિર પર્યાય છે. બીજી બાજુ ચિંતનના એક અલગ ક્ષેત્રમાં રામમનોહર લોહિયાએ હેગલ, માર્કસ અને ગાંધીનું તુલનાત્મક અર્થઘટન કરીને એક નવી દિશાનું સૂચન કર્યું હતું. આ બધું ભારતના નવનિર્માણના સૌથી મહત્વના એવા ત્રીસના દાયકામાં બની રહ્યું હતું. 1935ના મુંબઈ ખાતે ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં આયોજિત આર્થિક વિકાસ પરનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો અને તેનો સ્વીકાર થયો. તાબડતોબ એક આયોજન-સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિના કર્ણધાર તરીકે ઘણાં વર્ષો સુધી. પ્રો. ખુશાલ તલકશી શાહે કાર્ય કર્યું હતું. દેશના આયોજિત વિકાસનાં જુદાં જુદાં ક્ષેત્રો માટે આ સમિતિએ કુલ 65 પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં હતાં. આ માહિતી-પૃથક્કરણ તથા ચિંતન પછીનાં વર્ષોમાં ભૂમિકા રૂપે અવશ્ય કામ લાગ્યાં.

આયોજિત આર્થિક વિકાસ તથા આયોજનની જરૂર ઉપર સ્વતંત્ર રીતે મનુ સૂબેદારે પણ લેખો લખ્યા હતા. આ લેખો કનૈયાલાલ મુનશીના ‘ગુજરાત’ નામના માસિકમાં પ્રગટ થયા હતા. આવી જ રીતે સ્વ. વિશ્વેશ્વરૈયાએ ઇજનેર તરીકેની પોતાની સુદીર્ઘ કારકિર્દીમાં પ્રત્યક્ષ અનુભવ તથા અમલીકરણ બંનેની દૃષ્ટિએ આયોજનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પૃથક પૃથક જણાતા સઘળા વિચારો છેવટે જાણે એક મોટા પ્રવાહમાં ભળી ગયા અને આઝાદી પછીના આયોજનની ભૂમિકા બની રહ્યા.

બીજા વિશ્વયુદ્ધ (1939-4૦) પછી આયોજિત વિકાસનો અભિગમ એક નવા જ સ્વરૂપે સ્વીકાર પામ્યો. આ સંદર્ભમાં ભારતના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓએ ‘બૉમ્બે પ્લાન’ નામની એક યોજના બહાર પાડી. આનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસની ઝડપ યુદ્ધોત્તર કાળમાં કેવી રીતે વધારી શકાય અને કેવી યોજનાઓનો અમલ કરવો જોઈએ તે સૂચવવાનો હતો; પરંતુ ‘બૉમ્બે પ્લાન’ની ઠીક ઠીક આકરી ટીકાઓ થઈ હતી અને તેના કાર્યક્રમો પર ઝાઝું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. એકંદરે તે મૂડીવાદી અભિગમ તરીકે ટીકાપાત્ર થયો હતો.

સામયિકોમાં પ્રગટ થતા લેખો ઉપરાંત ચાલીસના દશકામાં બે પુસ્તકોએ પણ આડકતરી રીતે આયોજનની ભૂમિકા પૂરી પાડી હતી. રશિયામાં પ્રસિદ્ધ થયેલા એક પુસ્તક ‘મૉસ્કો હેઝ એ પ્લાન’ને આધારે મીનુ મસાણીએ ‘અવર ઇન્ડિયા’ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. ચિત્રો, રેખાંકનો અને આંકડાથી સભર આ પુસ્તકે ભારતની ગરીબાઈનાં અનેક પાસાંઓ હૂબહૂ રજૂ કર્યાં હતાં. આવું જ એક બીજું પુસ્તક અશોક મહેતાએ ‘હૂ ઓન્સ ઇન્ડિયા’ પ્રગટ કર્યું હતું, જેમાં ભારતમાંના ઉદ્યોગોની મૂડીનો મોટો ભાગ પરદેશી – ખાસ કરીને અંગ્રેજોની – માલિકીનો હતો તેવું સચોટ આંકડા તથા દલીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આયોજનના અન્ય પ્રયાસોમાં એમ. એન. રૉયનો ‘પ્લાન’ તથા શ્રીમન્નારાયણ(અગ્રવાલ)ના આયોજન પરના પુસ્તકનો ઉલ્લેખ કરી શકાય. રૉયના વિચારોનો ઝોક વધારે માકર્સવાદી રહ્યો હતો, જ્યારે શ્રીમન્નારાયણનો ગાંધીવાદી. આ સઘળા પ્રયાસોને અંતે પણ ભારતમાં કયા પ્રકારનું આયોજન લાવવું જોઈએ તે વિશે સ્વતંત્રતાના આગમન સુધી બહુ સ્પષ્ટતા જોવા મળતી નહોતી. ઇંગ્લૅન્ડની પહેલી યુદ્ધોત્તર ચૂંટણીમાં મજૂર-પક્ષ જંગી બહુમતીથી વિજય પામ્યો અને  તેમની કલ્પનાનો સમાજવાદ અમલમાં મૂકવાનો એક ઐતિહાસિક પ્રયાસ શરૂ થયો. મિશ્ર અર્થતંત્રની કલ્પનાને સાકાર કરતા મજૂર સરકારના આ પ્રયાસે ઘણા દેશોના આર્થિક આયોજનના અભિગમને ઠીક ઠીક અસર કરી અને જ્યારે ભારતે પોતાનું આયોજન-પંચ રચ્યું ત્યારે તદ્દન મુક્ત અને સંપૂર્ણ નિયંત્રિત એવા અર્થતંત્રના બે અંતિમ કક્ષાના વિકલ્પોની વચ્ચે મિશ્ર અર્થકારણનો એક મધ્યમમાર્ગી વિકલ્પ સ્થિર બનવા લાગ્યો હતો. આમ સ્વતંત્ર ભારતે મિશ્ર પ્રકારના આયોજનનો સ્વીકાર કર્યો છે.

ભારતની પંચવર્ષીય યોજનાઓ : ભારતની પંચવર્ષીય યોજનાનો આરંભ એપ્રિલ, 1951થી થયો હતો. છેલ્લી પંચવર્ષીય યોજના 2012થી 2017 હતી. એ પૂરી થઈ પછી આયોજન પંચની નવી પંચવર્ષીય યોજના આવી ન હતી. કારણ કે, એ પહેલાં પ્લાનિંગ કમિશનના સ્થાને 2014માં નવું કમિશન બનાવાયું હતું. જેનું નામ ‘નીતિ આયોગ’ રાખવામાં આવ્યું છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પછી 17મી ઑગસ્ટ, 2014માં આયોજન પંચનું માળખું વિખેરી નાખવામાં આવ્યું હતું. તેના સ્થાને 1લી જાન્યુઆરી, 2015ના રોજ નીતિ આયોગ અસ્તિત્વમાં આવ્યું હતું. આ નવું કમિશન આમ તો પ્લાનિંગ કમિશનની તર્જ પર જ બન્યું છે, પરંતુ તેમાં થોડોક ફેરફાર કરીને મુખ્યમંત્રીઓને સામેલ કરાયા છે. નીતિ આયોગે 2017થી 2022 માટે પંચવર્ષીય યોજના જાહેર કરી હતી. જોકે, એ યોજના તેરમી પંચવર્ષીય યોજના ગણાતી નથી. તે સ્વતંત્ર રીતે નીતિ આયોગની પ્રથમ પંચવર્ષીય યોજના ગણાય છે.

યોજના

સમયગાળો

(નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ)

પ્રથમ પંચવર્ષીય યોજના 1951-52થી 1955-56
બીજી પંચવર્ષીય યોજના 1956-57થી 1960-61
ત્રીજી પંચવર્ષીય યોજના 1961-62થી 1965-66
વાર્ષિક યોજના 1966-67થી 1968-69
ચોથી પંચવર્ષીય યોજના 1969-7૦થી 1973-74
પાંચમી પંચવર્ષીય યોજના 1974-75થી 1978-79
છઠ્ઠી પંચવર્ષીય યોજના 1980-81થી 1984-85
સાતમી પંચવર્ષીય યોજના 1985-86થી 1989-9૦
આઠમી પંચવર્ષીય યોજના 1992-93થી 1996-97
નવમી પંચવર્ષીય યોજના 1997-98થી 2001-૦2
દસમી પંચવર્ષીય યોજના 2૦૦2થી 2૦૦7
અગિયારમી પંચવર્ષીય યોજના 2007થી 2012
બારમી પંચવર્ષીય યોજના 2012થી 2017

સામાન્ય રીતે દરેક યોજના પાંચ વર્ષના સમયગાળાની હોવાથી પંચવર્ષીય યોજના કહેવામાં આવે છે. પહેલી ત્રણ યોજનાઓ સમયસર થઈ શકી, પણ ચોથી યોજનાનો આરંભ ત્રણ વર્ષ મોડો થયો; કેમ કે દુષ્કાળ, યુદ્ધ, ફુગાવો અને હૂંડિયામણની કટોકટીને લીધે નાણાકીય સાધનોમાં ભારે અનિશ્ચિતતા ઊભી થઈ હતી. પાંચમી યોજના એક વર્ષ વહેલી પૂરી કરવામાં આવી હતી, કેમ કે કૉંગ્રેસને હરાવીને જનતા પક્ષ સત્તા પર આવ્યો હતો. જનતા પક્ષ સતાભ્રષ્ટ થતાં અને ફરીથી કૉંગ્રેસ સત્તા પર આવતાં છઠ્ઠી યોજનાનો આરંભ એક વર્ષ મોડો થયો હતો.

25 વર્ષનું લાંબા ગાળાનું આયોજન, 5 વર્ષનું મધ્યમ ગાળાનું આયોજન અને 1 વર્ષનું ટૂંકા ગાળાનું આયોજન  એમ ત્રણ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. પ્રત્યેક પંચવર્ષીય યોજનાને જાહેર વિભાગની યોજના અને ખાનગી વિભાગની યોજનામાં તથા જાહેર વિભાગની યોજનાને રાજ્યની યોજનામાં તથા કેન્દ્રની યોજનામાં વહેંચવામાં આવે છે. કેન્દ્ર-સરકારની યોજના સાથે રાજ્ય-સરકારો પણ પોતાની યોજના બનાવે છે. કેન્દ્ર-સરકાર, આયોજન-પંચ તથા રાષ્ટ્રીય વિકાસ પરિષદ પંચવર્ષીય યોજનાને આખરી સ્વરૂપ આપે છે. આયોજન-પંચ ફક્ત સલાહકાર મંડળ છે. યોજનાનો અમલ કરવાનું કામ તેનું નથી.

કોઈ પણ યોજનાનું સાચું મૂલ્યાંકન તેના ઉદ્દેશોના સંદર્ભમાં થઈ શકે. વાસ્તવમાં ભારતની પંચવર્ષીય યોજનાના ઉદ્દેશોમાં કાળક્રમે કેટલુંક પરિવર્તન આવ્યું છે, આમ છતાં બધી યોજનાઓના સામાન્ય ઉદ્દેશો આ પ્રમાણે ગણાવી શકાય :

1. ઊંચા દરે આર્થિક વિકાસ : ગરીબી હઠાવીને લોકોના જીવનધોરણમાં સુધારો કરી શકાય તેટલા પ્રમાણમાં રાષ્ટ્રીય આવકમાં વધારો કરવા પાંચ ટકાના દરે આર્થિક વિકાસ કરવો.

2. અસમાનતામાં ઘટાડો : આર્થિક સત્તાના કેન્દ્રીકરણમાં તથા આવકની અને મિલકતની અસમાનતામાં ઘટાડો કરવો.

3. બેકારીની નાબૂદી : દેશમાં પ્રવર્તતી ખુલ્લી અને પ્રચ્છન્ન બેકારી દૂર કરવી, જેથી મૂલ્યવાન માનવશક્તિનો મહત્તમ ઉપયોગ થઈ શકે.

4. સ્વાવલંબન : અતિ મહત્વની વપરાશી તથા મૂળ ચીજો માટે વિદેશી અવલંબન ઘટાડીને સ્વાવલંબન પ્રાપ્ત કરવું.

5. ભાવસ્થિરતા : સતત વધતા ભાવો પર કાબૂ મેળવીને ભાવસ્થિરતા સ્થાપિત કરવી.

આ માપદંડોથી ભારતની પંચવર્ષીય યોજનાઓનું અવલોકન કરતાં ભારતે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી છે તો કેટલીક નિષ્ફળતાઓ પણ સાંપડી છે. સિદ્ધિઓ કરતાં નિષ્ફળતાઓ વધુ ધ્યાન ખેંચે તેવી છે; કેમ કે કેટલીયે પાયાની સમસ્યાઓ; જેમ કે, ગરીબી, મોંઘવારી, બેકારી, અસમાનતા વગેરે હલ થઈ શકી નથી, ઊલટાની વધુ વિકટ બની છે. સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જોઈએ તે પૂર્વે આપણે યોજનાઓની વ્યૂહરચના સમજવી જોઈએ. વ્યૂહરચના જાણવા માટે આપણે સમજવું જોઈએ કે યોજનાઓ માટેનાં સાધનો કઈ રીતે કેટલા પ્રમાણમાં ઊભાં કરવામાં આવ્યાં હતાં અને પ્રાપ્ત કરેલાં સાધનોનો કયાં ક્ષેત્રોમાં કેટલો ઉપયોગ કર્યો હતો.

યોજનાઓ માટે નાણાકીય સાધનો મુખ્યત્વે છ માર્ગે સરકાર પ્રાપ્ત કરે છે, જે નીચે મુજબ છે :

1. સરકાર આવક કરતાં ખર્ચ ઓછો કરીને, એટલે કે બચતો કરીને સાધનો એકઠાં કરે છે.

2. જાહેર ક્ષેત્રનાં સાહસો જે નફો કરે તે પણ યોજના માટેનાં સાધનો પૂરાં પાડે છે.

3. વિવિધ પ્રકારના કરવેરા પણ આવકનો સ્રોત હોય છે.

4. જરૂરિયાત મુજબ સરકાર નાણાબજાર અને મૂડીબજારમાંથી લોનો લે છે.

5. વિદેશી સરકારો તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી સહાયના સ્વરૂપમાં સાધનો મેળવવામાં આવે છે.

6. ઉપરના માર્ગો દ્વારા પ્રાપ્ત થતાં સાધનો અપૂરતાં જણાય ત્યારે જરૂરિયાત મુજબ ખાધપુરવણી કરવામાં આવે છે, જે મુજબ વ્યાપારી બૅન્કો તથા રિઝર્વ બૅન્ક પાસેથી ધિરાણ મેળવાય છે. તેને લીધે ફરતા નાણાંનું પ્રમાણ વધે છે.

બધી યોજનાઓના ખર્ચની તરેહ જોતાં સ્પષ્ટ થાય છે કે સરકારે ઉદ્યોગીકરણ પર ઝોક મૂક્યો હતો. ઉદ્યોગોમાં પણ મોટા અને ભારે ઉદ્યોગોને અગ્રિમતાનું સ્થાન અપાયું હતું. રશિયામાં જે ઢબે આયોજન થતું હતું તે ઢબે ભારતમાં આરંભથી આયોજન કરવામાં આવ્યું છે. ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં ખેતી માટે સાપેક્ષ રીતે ઓછાં સાધનો ફાળવવામાં આવ્યાં હતાં.

1. બેકારી : અત્યાર સુધી બાર પંચવર્ષીય યોજનાઓ પૂરી થયેલ હોવા છતાં શિક્ષિત અને નિરક્ષર લોકોની બેકારીમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. 1956માં 53 લાખ બેકારો હતા, જે વધતા વધતા 1985માં 6૦૦ લાખે પહોંચ્યા છે. આથી 1956થી 1985 વચ્ચેનાં 29 વર્ષોમાં બેકારીમાં લગભગ 11-ગણો વધારો થયો હતો. ભારત જેવા અતિવસ્તીવાળા ગરીબ દેશમાં આટલી બધી બેકારી દારૂગોળા જેવી સ્ફોટક ગણાય. રોજગાર-કેન્દ્રોમાં નોંધાયેલા આગંતુકોની દૃષ્ટિએ વિચાર કરીએ તો 1961માં તેની કુલ સંખ્યા 18.33 લાખ (જેમાંથી શિક્ષિત બેકારોની સંખ્યા 5.9૦ લાખ) હતી, 1971માં કુલ સંખ્યા 51.૦૦ લાખ (જેમાંથી શિક્ષિતોની સંખ્યા 22.96 લાખ) હતી, 1981માં કુલ સંખ્યા 165.84 લાખ (જેમાંથી શિક્ષિતોની સંખ્યા 9૦.18 લાખ) હતી અને 1991માં કુલ સંખ્યા 363.૦૦ લાખ (જેમાંથી શિક્ષિતોની સંખ્યા 224.34 લાખ) થઈ હતી. 199૦-2૦૦૦ના દાયકા માટે બેકારીનો જે અંદાજ કરવામાં આવ્યો છે, તે બતાવે છે કે નવમી યોજનાના ગાળા દરમિયાન ભારતમાં કુલ બેકારોની સંખ્યા 1૦ કરોડ 6૦ લાખ થવાની સંભાવના હતી. ઑક્ટોબર 2012ને લગતી પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષે રોજગારીના બજારમાં એક કરોડ આગંતુકો દાખલ થતા હોય છે. જેમને પૂર્ણ સમયની સવેતન રોજગારી આપવા માટે ભારતના આર્થિક વિકાસનો દર વાર્ષિક 8 ટકા હોવો જોઈએ.

2. અનહદ આર્થિક અસમાનતા : દેશમાં બેહદ આર્થિક અસમાનતા પ્રવર્તે છે, અને તેમાં વધારો થઈ રહ્યો છે. એકચતુર્થાંશ જમીન-માલિકો દેશની પોણા ભાગની જમીન પર માલિકી ધરાવે છે અને અન્ય મિલકતોમાં તળિયાના (ગરીબ) 3૦ ટકા લોકો ફકત 4 ટકા જ મિલકત ધરાવે છે. ઉપલા (ધનિક) 3૦ ટકા લોકો 78 ટકા મિલકત ધરાવે. અબજો રૂપિયા ખર્ચવા છતાં આવી ભયંકર અસમાનતા છે અને તે સતત વધતી જાય છે.

3. ફણીધર જેવો ફુગાવો : ફુગાવો એટલે સર્વસામાન્ય ભાવસપાટીમાં સતત વધતા દરે થતો વધારો. ભારત જેવા અતિ ગરીબીવાળા દેશમાં ભાવો વધ્યા જ કરે અને કરોડો લોકોની નાણાકીય આવક વધે જ નહિ કે ઓછી વધે તો તેમની ખરીદશક્તિ ઘટતી જ જાય. 196૦ના વર્ષની તુલનાએ 1989માં રૂપિયાની ખરીદશક્તિ ફક્ત 11.6૦ પૈસા જેટલી કંગાળ થઈ ગઈ છે. ફુગાવો ગરીબોને વધુ ગરીબ બનાવે છે.

4. ભ્રષ્ટાચાર અને અરાજકતા : કરચોરી, કાળાં બજાર, દાણચોરી, વિદેશોનો હસ્તક્ષેપ, ભેળસેળ. લાંચરુશવત, હિંસા, હુલ્લડો, પ્રદૂષણ વગેરે સમસ્યાઓ દેશના અર્થકારણને પણ કમજોર બનાવે છે. શાંતિ, સલામતી, ન્યાય, કાયદાપાલન હોય તો જ વધુ શ્રમ, સાહસ, બચતો, મૂડીરોકાણ, ઉત્પાદન વગેરે પ્રોત્સાહિત થાય. ભ્રષ્ટાચાર અને અસલામતી આર્થિક પ્રગતિના મૂળમાં જ ઘા કરે છે. કેટલોક ભ્રષ્ટાચાર અયોગ્ય પ્રકારના આર્થિક આયોજનનું પરિણામ છે. સરકારી અંકુશો અને હસ્તક્ષેપ કેટલાક ભ્રષ્ટાચાર, દુર્વ્યયો અને બિનકાર્યક્ષમતામાં પરિણમે છે તેનો અનુભવ ભારતને થયો છે.

ભારતે યોજનાઓ દ્વારા શું સિદ્ધ કર્યું તે મુદ્દા રૂપે નોંધીએ :

1. રાષ્ટ્રનું કુલ ઉત્પાદન વધવાનો દર વિકાસદર કહેવાય છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં, 19૦૦-1901થી 1945-46 દરમિયાન રાષ્ટ્રીય આવક વધવાનો વાર્ષિક દર ૦.9 ટકા અને માથાદીઠ આવકવૃદ્ધિનો વાર્ષિક દર ૦.1 ટકાનો હતો. તેની તુલનામાં 195૦ પછીનાં વર્ષોમાં રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધવા પામી છે. 195૦થી ’8૦ના ત્રણ દસકા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વાર્ષિક લગભગ ચાર ટકાના દરે અને 198૦-9૦ના દસકામાં તે લગભગ છ ટકાના દરે વધી હતી. 198૦ પછીનાં વર્ષોમાં દુનિયામાં ઊંચા દરે વૃદ્ધિ પામી રહેલા જૂજ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આઝાદી પહેલાં દેશમાં માથાદીઠ આવક 19૦૦-1901માં રૂ. 224 હતી તે 1945-46માં વધીને ફક્ત રૂ. 233 થઈ હતી. (આ ગણતરી 1945-46ના ભાવોએ કરવામાં આવેલી છે.) તેની તુલનામાં 195૦-51માં દેશમાં માથાદીઠ આવક (1993-94ના ભાવોએ) રૂ. 3687 હતી તે વધીને 1999-2૦૦૦માં રૂ. 1૦,204 થઈ હતી. ત્યારબાદ વધતા ફુગાવાને લીધે વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત ઘટાડો થતો રહ્યો છે. વર્ષ 2૦૦9-1૦માં 2૦૦4-05ની ભાવસપાટીએ દેશની માથાદીઠ આવક રૂ. 33,588 જેટલી હતી.

2. આયોજનનાં વર્ષોમાં દેશમાં ગણનાપાત્ર માનવવિકાસ સધાયો છે. તેના બે નિર્દેશકો નોંધીએ. દેશમાં લોકોનું સરેરાશ 21 વર્ષનું આયુષ્ય 19૦૦ની સાલમાં 23.8 વર્ષનું હતું જે 1951માં વધીને 32.1 વર્ષનું થયું હતું; પરંતુ 1996 સુધીમાં તે વધીને 62 વર્ષનું થયું હતું. વર્ષ 2011માં તે 66.9 જેટલું થયું છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ 1901માં છ ટકા હતું, 1951માં 3 ટકા હતું, જ્યારે 1991માં 52.2 ટકા અને 2001માં તે 65 ટકા થયું હતું.

3. વીસમી સદીના પૂર્વાર્ધમાં દેશમાં ખેતીના ક્ષેત્રે સ્થગિતતા પ્રવર્તતી હતી. તેની તુલનામાં આયોજન નીચે સદીના ઉત્તરાર્ધમાં ખેતીના ક્ષેત્રે ઝડપી વિકાસ સધાયો છે. દેશમાં સદીના મધ્યાહને અનાજનું ઉત્પાદન પાંચ કરોડ ટન વધ્યું હતું, 1999-2૦૦૦માં તે લગભગ 21 કરોડ ટન થયું હતું, એટલે કે દેશમાં અનાજનું ઉત્પાદન ચાર ગણું થયું છે. આજે દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે.

4. દેશમાં આર્થિક વિકાસનો એક મહત્વનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસ સાધવાનો રહ્યો છે. આયોજનનાં વર્ષોમાં ઔદ્યોગિક વિકાસ તેના લક્ષ્યાંકની તુલનામાં નીચો અને અસ્થિર રહ્યો હોવા છતાં એકંદરે દેશે ઝડપથી ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે. દેશના ઔદ્યોગિક માળખામાં મોટું વૈવિધ્ય આવ્યું છે. દેશની નિકાસોમાં 7૦ ટકા હિસ્સો ઉદ્યોગોનો છે.

5. ગરીબી ઘટાડવી એ દેશના આર્થિક વિકાસનો એક પાયાનો ઉદ્દેશ છે. દેશમાં આયોજનનાં વર્ષો દરમિયાન ગરીબીમાં ઘટાડો થયો છે તે એક નિર્વિવાદ મુદ્દો છે, પરંતુ ગરીબીમાં કેટલો ઘટાડો થયો છે તે અંગે મોટા મતભેદો પ્રવર્તે છે. 1950-51ના અરસામાં દેશમાં ગરીબોનું પ્રમાણ 5૦ ટકા જેટલું હતું, 1987-88માં તે લગભગ 38 ટકા હતું; પરંતુ 1997-98માં પ્રવર્તતી ગરીબી અંગે મોટા મતભેદો પ્રવર્તે છે; દા.ત., આયોજન-પંચના અંદાજ પ્રમાણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં એ વર્ષે ગરીબીનું પ્રમાણ લગભગ 36 ટકા હતું, પરંતુ સ્વ. ડૉ. વિસારીઆના અંદાજ પ્રમાણે તે લગભગ 21 ટકા હતું. આયોજન પંચે પોતે આપેલા નવા અંદાજ પ્રમાણે 1997-98ના વર્ષમાં દેશમાં ગરીબીનું પ્રમાણ લગભગ 26 ટકા હતું. ત્યારબાદ વધતા ફુગાવાને લીધે વાસ્તવિક ગરીબીમાં વધારો થતો રહ્યો છે.

આયોજનની ઉપર્યુક્ત સિદ્ધિઓની સામે તેની કેટલીક મર્યાદાઓ પણ છે. વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં આપણે જે લક્ષ્યાંકો મુકરર કર્યા હતા તે ભાગ્યે જ પાર પડ્યા છે, વસ્તીવૃદ્ધિને આપણે અંકુશમાં લઈ શક્યા નથી, પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિક બનાવી શક્યા નથી, ગરીબોનું પ્રમાણ દુનિયાના ઘણા દેશોની તુલનામાં વધારે છે, બેકારીનો પ્રશ્ન હજી આપણે ઉકેલી શક્યા નથી અને આવક તથા સંપત્તિની અસમાનતાને ઘટાડી શક્યા નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

હૃષીકેશ પાઠક

વિમલ શાહ

ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાળા

બબાભાઈ સો. પટેલ