બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ)

January, 2000

બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ ગદ્યકથાલેખક. સંસ્કૃત ભાષાના લેખકોમાં અપવાદ રૂપે તેમણે પોતાના જીવન વિશે ‘હર્ષચરિત’ નામની આખ્યાયિકામાં અનેક વિગતો નોંધી છે. એ માહિતી મુજબ બાણ વત્સ કે વાત્સ્યાયન ગોત્રના બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ ચિત્રભાનુ, માતાનું નામ રાજદેવી અને દાદાનું નામ અર્થપતિ હતું. આ અર્થપતિના પિતા પાશુપત, પાશુપતના પિતા કુબેર અને કુબેરના પિતા વત્સ હતા. તેઓ દધીચ અને સરસ્વતીના વંશમાં જન્મેલા હતા. બાળપણમાં માતા મૃત્યુ પામી. એ પછી પિતા બાણની ચૌદ વર્ષની વયે મૃત્યુ પામ્યા. માતાપિતા વગરના બાણે સારાની સાથે ખરાબ મિત્રોનો પણ સાથ કરી દેશાટન કર્યું. યૌવનના મદમાં કેટલીક ભૂલો કરી લાગે છે. છેવટે તેઓ શોણ નદીને કિનારે આવેલા પોતાના ગામ ‘પ્રીતિકૂટ’માં પાછા ફર્યા. એ પછી સમ્રાટ હર્ષના ભાઈ કૃષ્ણદેવ દ્વારા હર્ષના રાજદરબારમાં ગયા. પહેલાં તો હર્ષે તેમને આદર ન આપ્યો, પરંતુ થોડા સમય પછી તેઓ સમ્રાટ હર્ષવર્ધનના પ્રીતિપાત્ર બન્યા. સમ્રાટ હર્ષના અવસાન પછી પાછા ફરી પ્રીતિકૂટમાં આવ્યા અને પોતાના ભત્રીજા શ્યામલકની વિનંતીથી સમ્રાટ હર્ષવર્ધનનું ચરિત્રવર્ણન કર્યું. બાણ સમ્રાટ હર્ષવર્ધનના આશ્રિત હોઈ બાણે એમના વિશે કહેલી અનેક વાતો ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.

બાણ સ્વતંત્ર વિચારસરણીવાળા, વિદ્રોહી, નિર્ભીક, સ્વાભિમાની, બુદ્ધિશાળી અને શાસ્ત્રજ્ઞાની કવિ છે. તેઓ સમ્રાટ હર્ષવર્ધનના સમકાલીન હોવાથી તેમનો સમય સાતમી સદીના પૂર્વાર્ધનો ગણી શકાય.

તેમણે ‘હર્ષચરિત’ નામના ઐતિહાસિક ગદ્યકાવ્ય ઉપરાંત ‘કાદંબરી’ નામની અદભુત રસિક ગદ્યકથા, ‘ચંડીશતક’ નામનું શતકકાવ્ય અને ‘પાર્વતીપરિણય’ નામની નાટ્યકૃતિ આપ્યાં છે. ‘કાદંબરી’ના સર્જક તરીકે જગતભરના શ્રેષ્ઠ ગદ્યલેખકોમાં તેમનું સ્થાન છે. સંસ્કૃત ભાષાની ખૂબીઓનો ભરપૂર લાભ લઈને લાંબા લાંબા સમાસો અને સો સો પંક્તિઓવાળી વાક્યરચનાઓ, અલંકારોની શૃંખલામાળા, વર્ણ્ય વિષયનું નિ:શેષપણે વિવિધ ઉપમાનો દ્વારા થતું નિરૂપણ, પાંચાલી શૈલીનો વ્યાપ – એ બધાં મહાકવિ બાણની ગદ્યરચનાનાં વિલક્ષણ તત્ત્વો છે. સંસ્કૃતના તેમના ગદ્યનો પ્રભાવ  સૈકાઓ થયાં સંસ્કૃત સાહિત્યમાં – ભારતીય સાહિત્યમાં કોઈ ને કોઈ રીતે ટકેલો જોવા મળે છે. એ રીતે સંસ્કૃતના તેઓ અનન્ય ગદ્યસ્વામી રહ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી