આયુર્મર્યાદા : સામાન્ય પરિસ્થિતિમાં વિભિન્ન દેશકાળનાં માનવ-જૂથોનો સરેરાશ માનવી કેટલાં વર્ષનું જીવન જીવી શકશે તે દર્શાવતો સમયાવધિ. તેને સરેરાશ આયુષ્ય કે અપેક્ષિત જીવનમર્યાદા (expectancy of life) પણ કહી શકાય.
આયુર્મર્યાદા અંગેની સર્વપ્રથમ સારણી ઇંગ્લૅન્ડમાં 1853 માં પ્રકાશિત કરવામાં આવી હતી. ભારતમાં વસ્તીગણતરી થયા પછી તેને અંગેની વિગતો સાથે ભારતના નાગરિકોના સરેરાશ આયુષ્યની વિગતો પણ જાહેર કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય મળ્યું તે અરસામાં ભારતીય નાગરિકોનું સરેરાશ આયુષ્ય 27 વર્ષ હતું. 1961, 1971, 1981, અને 1991 ની વસ્તી-ગણતરી મુજબ તે ક્રમશ: 41.3 , 45.6 અને 50.5 અને 59 થયું છે. તે 2000 સુધી લગભગ 62 સુધી પહોંચ્યું છે. આ હકીકત સાબિત કરે છે કે ભારતીય નાગરિકોનું એકંદર સ્વાસ્થ્ય આઝાદી પછીના ગાળામાં સુધર્યું છે. આને માટે સાક્ષરતામાં તેમજ તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતામાં થયેલો વધારો, જાહેર સ્વાસ્થ્યની તેમજ સારવારની સેવાઓનું વિસ્તરણ, એક જમાનામાં લગભગ અસાધ્ય ગણાતા ક્ષય, શીતળા, મલેરિયા જેવા રોગો ઉપર મેળવેલ કાબૂ, સામાજિક સલામતીની યોજનાઓના વિસ્તરણને લીધે સ્વાસ્થ્ય અંગેની અનિશ્ચિતતામાં થયેલ ઘટાડો વગેરે પરિબળોને જવાબદાર ગણાય. આયુષ્યમર્યાદાના આંકનો હવે વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવે છે. વિશ્વમાં આ બાબતમાં જાપાન સૌથી મોખરે છે, જ્યાં જન્મસમયે નાગરિકની અપેક્ષિત જીવનમર્યાદા 77 વર્ષની (1981) છે. જીવનવીમા કંપનીઓ તેમની જુદી જુદી યોજના હેઠળનાં પ્રીમિયમના દરો નિર્ધારિત કરવા માટે સમકાલીન આયુષ્ય-મર્યાદાના આંકનો ઉપયોગ કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે