બર્નૂલી, ડેનિયલ (જ. 8 ફેબ્રુઆરી 1700, ગ્રોનિંગન, નેધરલૅન્ડ્ઝ; અ. 17 માર્ચ 1782, બેસલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ખ્યાતનામ ગણિતશાસ્ત્રી. બર્નૂલી ઘરાનાના સ્વિસ ગણિતશાસ્ત્રીઓની બીજી પેઢીમાં તેમનો જન્મ. તેમણે ગણિત ઉપરાંત ઔષધવિદ્યા, જીવવિજ્ઞાન, યંત્રશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને સમુદ્રવિદ્યામાં સંશોધનો કર્યાં હતાં. જોહાન બર્નૂલીના તે દ્વિતીય પુત્ર હતા. તેમના પિતાએ તેમને ગણિત શીખવ્યું હતું. ફિલસૂફી, તર્કશાસ્ત્ર અને ઔષધવિદ્યાનો અભ્યાસ હેડલબર્ગ, સ્ટ્રોબર્ગ અને બેસલમાં કર્યો અને 1721માં એમ.ડી.ની ઉપાધિ મેળવી. 1723–24માં ભૌતિકવિજ્ઞાનમાં વહેતા પાણી (flowing water) અંગે અને ગણિતશાસ્ત્રમાં વિકલ સમીકરણ પર સંશોધનલેખો લખ્યા. તેને લીધે તેમને પીટર્સબર્ગ(રશિયા)ની વિજ્ઞાન અકાદમીમાં સ્થાન મળ્યું. 1732 સુધી તેમણે ઔષધવિદ્યા, યંત્રશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર પર વ્યાખ્યાનો આપ્યાં અને કંપમાન (vibrating) અને પરિભ્રામી (rotating) પદાર્થોના ગુણધર્મો અને સંભાવનાના સિદ્ધાંત ઉપર સંશોધનકાર્ય કર્યું. તે જ વર્ષે દેહધર્મવિદ્યા અને વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકની જગા પર બેસલ પાછા ફર્યા. આ સમયગાળામાં તેઓ વિદ્વત્સમાજમાં અને જનસમાજમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચૂક્યા હતા.
1738 સુધીમાં દ્રવગતિવિજ્ઞાન(hydrodynamics)માં પ્રવાહીનું દબાણ, ઘનતા, વેગ વગેરે અંગેના ગુણધર્મો અને તેમની વચ્ચેના સંબંધો અંગે અભ્યાસ કરી એક સિદ્ધાંત રજૂ કર્યો : ‘પ્રવાહી પરનો વેગ વધે છે તેમ પ્રવાહી પરનું દબાણ ઘટે છે’. આને બર્નૂલીનો સિદ્ધાંત કહેવામાં આવે છે.
તેણે ગતિકવાયુનો સિધ્ધાન્ત (kinetic theory of gas) અને ઉષ્ણતાના પાયાના ખ્યાલો સુસ્થાપિત કર્યા. 1738ના અરસામાં તેમના પિતા જોહાન બર્નૂલીએ દ્રવચાલિત (hydraulics) પર સંશોધનપત્ર પ્રસિદ્ધ કર્યું હતું. ડૅનિયલ પહેલાં આ વિષય પર પ્રસિદ્ધિ મેળવવાનો તેમનો આશય હતો. 1725થી 1749ના ગાળામાં ખગોળશાસ્ત્ર, ગુરુત્વાકર્ષણ, ભરતી, ચુંબકત્વ, સમુદ્રના પ્રવાહો – તેની અસરો અને તદનુસાર વહાણોનું સંચાલન વગેરે વિષય પર ડૅનિયલે કામ કર્યું. આ અંગે તેમને પૅરિસ અકાદમી તરફથી દસ પારિતોષિકો મળ્યાં હતાં. તેમણે સંભાવ્યતા (probability) ઉપર પણ ગણનાપાત્ર પ્રદાન કર્યું હતું. ગ્રહોની ભ્રમણકક્ષા (orbits) અંગે 1735માં તેમને તેમના પિતા સાથે ભાગીદારીમાં પારિતોષિક મળ્યું. આથી તેમના પિતા બર્નૂલી જોહાન બહુ નારાજ થયા અને એમ કહેવાય છે કે તેમણે તેમના પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.
શિવપ્રસાદ મ. જાની