બર્નાર્ડ, એમિલે (જ. 1868; અ. 1941) : આધુનિક ફ્રેંચ ચિત્રકાર. તેમનાં પ્રારંભિક ચિત્રોમાં નવપ્રભાવવાદ(neoimpressionism)ની ઢબે ટપકાંનો વિસ્તાર જોવા મળે છે. 1886માં તેમને પ્રમુખ નવપ્રભાવવાદી ચિત્રકાર સિન્યે સાથે વિખવાદ થતાં તેમણે પોતાના આ પ્રકારનાં સર્વ ચિત્રોનો નાશ કર્યો.
આ પછી તેમને વાન ગૉફ અને પૉલ ગોગાં સાથે મૈત્રી થઈ અને તેમણે વાન ગૉફની જેમ લસરકા વડે નહિ, પણ પૉલ ગોગાંની જેમ સપાટ રંગોના વિસ્તારો વડે ચિત્રોમાં રંગો પૂરવાનું વલણ અપનાવ્યું. આ રંગોના સપાટ વિસ્તારોની સીમા તેઓ ભૂરા કે કાળા રંગની રેખા વડે બાંધી લેતા. આ ઢબે સર્જાયેલાં તેમનાં ચિત્રોએ તેમને કીર્તિ અપાવી. પૉલ ગોગાં સાથે ઝઘડો થતાં તેમણે આ શૈલીનો પણ ત્યાગ કર્યો. 1900 પછી તેમણે ધાર્મિક ચિત્રો સર્જ્યાં.
અમિતાભ મડિયા