બરૉક કલાશૈલી : ઈ. સ. 1600થી 1750 સુધી વિસ્તરેલી પશ્ચિમ યુરોપની એક કળાપ્રણાલી. પોર્ટુગીઝ શબ્દ ‘બારોકો’ (Baroco) પરથી ઊતરી આવેલો શબ્દ ‘બરૉક’ (Baroque) મૂળમાં ફ્રેંચ ઝવેરીઓ વાપરતા હતા; તેનો અર્થ ‘ખરબચડું મોતી’ એવો થાય છે. આ કળાપ્રણાલી આમ તો નવજાગરણકાળ અને રીતિવાદનાં વલણોનો જ વિસ્તાર છે; પરંતુ ગતિમયતા અને વિગતપ્રાચુર્યના અતિરેકને કારણે નવજાગરણકાળ દરમિયાન ર્દષ્ટિગોચર થતાં સાદગી, શિસ્ત અને સંયમ બરૉક પ્રણાલીમાંથી દૂર થયાં. આથી વિદ્વાનોએ આ સમયની કલા માટે શરૂઆતમાં ઉપહાસ રૂપે ‘બરૉક’ વિશેષણ વાપર્યું, જેને પછીથી એક પ્રતિષ્ઠિત કળાપ્રણાલીનો અર્થ સાંપડ્યો. આ સમય દરમિયાન યુરોપમાં વેપાર-રોજગાર અને ધનસંપત્તિનો વિસ્તાર એટલો બધો થયો હતો કે ચિત્ર અને શિલ્પકૃતિઓ હવે દેવળ અને દરબારની બહાર જઈ નવશ્રીમંત વેપારીઓ માટે ખરીદીની વૈભવી ચીજ કે જણસ બની ગઈ.

ચિત્ર : આ સમયના મહત્વના ચિત્રકારોમાં કારાવાજિયો, રેમ્બ્રાં, રૂબેન્સ, વેલાસ્કવેઝ, અલ ગ્રેકો, વર્મિયર, લોરાં, પુસોં ઇત્યાદિનો નિર્દેશ કરી શકાય. બરૉક ચિત્રકળાનું એક ઊડીને આંખે વળગે એવું લક્ષણ છે આકૃતિને મુકાબલે રંગોનું વધું પડતું મહત્વ. આકૃતિની સીમારેખાઓ ધૂંધળી થતી ગઈ, અને રંગોની ભભક વધતી ગઈ. આ વલણ નવજાગરણકાળ દરમિયાનના સ્પષ્ટ સુનિશ્ચિત આકૃતિ માટેના આગ્રહથી સાવ વિપરીત હતું. પ્રકાશ અને છાયાની રમત નવજાગરણકાળમાં પણ મહત્વની હતી; પરંતુ હવે એ રમત પરનો ઝોક વધ્યો. આ દિશામાં ઇટાલીના કારાવાજિયોએ શરૂઆત કરી. જેમ નાટકમાં કોઈ એક પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા માત્ર ત્યાં જ પ્રકાશ ફેંકાય અને બીજું બધું અંધારામાં રખાય તે રીતે આ ચિત્રકાર તેમનાં ચિત્રોમાં પ્રકાશ પ્રયોજતા. આ ઉપરાંત તેઓ તેમનાં ચિત્રોમાં ઈસુ ખ્રિસ્તને એમના માથા પાછળના તેજોવલય વિના જ દર્શાવતા હતા. તેમના સમયના ધર્મગુરુઓને આ બિલકુલ પસંદ ન હતું.

પિટર પૉલ રૂબેન્સનું ચિત્ર : ‘રેપ ઑવ્ ધ ડૉટર્સ ઑવ્ લિસિપસ’

હોલૅન્ડના ચિત્રકાર રેમ્બ્રાંનાં વ્યક્તિચિત્રોમાં જાદુઈ સ્પર્શ હોય છે. એમનાં વ્યક્તિચિત્રોમાં સામે બેસનાર વ્યક્તિની માત્ર  આબેહૂબ પ્રતિકૃતિ નથી હોતી; ગૂઢ મનોભાવ અને અંતરની લાગણીઓ પણ એ વ્યક્તિના ચહેરા પર સ્ફુટ થાય એવી એ ચિત્રકારી હોય છે. વ્યક્તિચિત્રો કરવાના આવા અભિગમને મનોવૈજ્ઞાનિક પણ કહી શકાય. તેમણે યોજેલી પ્રકાશછાયા પ્રાકૃતિક નથી તો કૃત્રિમ પણ નથી. જ્યાં પ્રકાશ કેન્દ્રિત કરવાનો હોય ત્યાં તેને બહેલાવી તેમણે રૂપરચનાનું નવું પરિમાણ આપ્યું. અહીં માનવપાત્રોનાં ચહેરા, હાથ કે અન્ય અંગો પર સોનેરી પ્રકાશને કેન્દ્રિત કરવા કપડાં અને પશ્ચાદભૂમિને ઘેરા કથ્થાઈ અને કાળા રંગે રંગીને રજૂ કરવામાં આવ્યાં છે. વળી એ ઘેરા રંગોમાં પણ વિવિધતા અને પોતાની સંવેદના ઝળકતી રહે છે. તેમનાં જાણીતાં ચિત્રોમાં ‘એનૅટમી લેસન’ અને ‘નાઇટવૉચ’ને ગણી શકાય. રેમ્બ્રાંએ નિસર્ગચિત્રો પણ કર્યાં છે. બરૉક પહેલાંના સમયમાં નિસર્ગચિત્રણ મોટાભાગે તો અન્ય વિષયનાં ચિત્રો કે વ્યક્તિઓનાં સમૂહચિત્રોમાં પાર્શ્વભૂમિકા નિભાવતું હતું, પરંતુ હવે તે એક સ્વતંત્ર કલાપ્રકાર તરીકે અસ્તિત્વમાં આવ્યું. તેમાં રેમ્બ્રાંનો ફાળો મહત્વનો છે.

ફ્લેન્ડર્સ દેશના ચિત્રકાર રૂબેન્સ તેમનાં વિશાળ કદનાં ચિત્રોમાં સંખ્યાબંધ માનવપાત્રોનું નિરૂપણ કરતા. તેમનાં માનવપાત્રો દેહમુદ્રા, હલનચલન અને ગતિને કારણે એકબીજાં સાથે સંકળાઈને એક જાતનો લય સર્જે છે. તેમની ચિત્રરચનામાં કળાકારના તરવરાટભર્યા ઉત્સાહી સ્વભાવનું દર્શન થાય છે. તે ઉપરાંત ઉષ્ણ રંગો તરફનો ઝોક તથા ઉષ્માભર્યા અને ક્યારેક તો ઉન્માદની કક્ષાના આનંદી વાતાવરણનો અનુભવ થાય છે. આ ચિત્રોમાં એક પ્રકારની ચમત્કૃતિ જેવું તત્વ મુખરિત થાય છે. તેનાથી પ્રેક્ષકને લાગે કે તે ચિત્રોમાં બની રહેલી નાટ્યાત્મક ઘટનાની અંદર પ્રવેશી રહ્યો છે. માખણ જેવી કુમળી, લિસ્સી, ગૌર અને ચમકતી ત્વચાવાળાં માનવપાત્રો એક જોરદાર રતિભાવનું ઉદ્દીપન કરે છે. રૂબેન્સનાં ચિત્રોની યુરોપમાં પુષ્કળ માંગ રહેતી અને તેને પહોંચી વળવા તે સંખ્યાબંધ મદદનીશ ચિત્રકારોને પોતાના સ્ટુડિયોમાં હાથ નીચે રાખતો. સંપૂર્ણતાનો છેલ્લો હાથ તે જાતે મારતો. ચિત્રકાર હોવા ઉપરાંત રેમ્બ્રાં એક રાજદૂત પણ હતો.

સ્પેનના દરબારી ચિત્રકાર વેલાસ્ક્વેઝે રાજામહારાજાઓનાં, રાજકુટુંબના આનંદપ્રમોદ માટે રાખવામાં આવતા વિદૂષકો વગેરેનાં મોટાં ચિત્રો કર્યાં છે. એ ઉપરાંત રોજિંદા જીવનનાં અને સામાન્ય વ્યક્તિઓનાં સંવેદનાપૂર્ણ ચિત્રો પણ સર્જ્યાં છે.

અલ ગ્રેકો મૂળ ગ્રીસના ક્રીટ નામના ટાપુના વતની હતા, પણ સ્પેનના ટૉલેડોમાં સ્થિર થયા. તેઓ માનવપાત્રોને વાસ્તવિકતા કરતાં વધુ લંબાઈમાં દોરતા. વળી તેમનાં ચિત્રોમાં ઘણી વાર બે કે વધુ પરિપ્રેક્ષ્યોથી દેખાતી ઘટનાઓ પણ આલેખાયેલી જોવા મળે છે. તેમની રંગરચના પણ વિલક્ષણ હતી. કાળા-સફેદના, લીલા-ગુલાબીના અને કેસરી-ભૂરાના, વિરોધાભાસી રંગોના વિસ્તારને તે બાજુબાજુમાં ગોઠવતા, પીંછીના ઘસરકાથી આવતા પોતને તે જાળવી રાખતા તથા ચમકતાં આકાશ, વસ્ત્રો તથા પ્રલંબ માનવપાત્રોને કારણે એક અપાર્થિવ વાતાવરણ સર્જાતું.

હૉલેન્ડના હૉલેમા, રુઈસ્ડેલ ઇત્યાદિ નિસર્ગચિત્રકારોનાં નિસર્ગચિત્રો બરૉક કળામાં આગવું સ્થાન ધરાવે છે. અહીં  ઘાસનાં પત્તાંની, વૃક્ષોના પ્રત્યેક પાંદડાની ઝીણી ઝીણી વિગતો ઉતારવામાં આવી છે.

ફ્રેંચ ચિત્રકાર ક્લોદ લોરાંનાં નિસર્ગચિત્રોમાં સ્વપ્નશીલ વાતાવરણ છે. અન્ય મહત્વના ફ્રેંચ ચિત્રકાર પુસોંનાં ચિત્રોમાં શાસ્ત્રીય ચોકસાઈનો અભિગમ મોખરે છે. ડચ ચિત્રકાર વર્મિયરે ઘરની અંદરનાં ચિત્રો દોર્યાં છે. તેમાં ભીંતો, પડદા, રાચરચીલું, ચીજવસ્તુઓ અને માનવપાત્રોને તટસ્થભાવે પૂરી વિગતે ચીતર્યાં છે. ‘પત્ર વાંચતી સ્ત્રી’ અને ‘કૂજામાંથી દૂધ રેડતી સ્ત્રી’ – એ બે ચિત્રો તેમની ચિત્રકલાના શ્રેષ્ઠ નમૂના છે.

શિલ્પ : બરૉક શિલ્પમાં તીવ્ર લાગણીઓ અને મનોભાવો અભિવ્યક્ત કરવાની નેમ હોય છે. રંગરંગીન આરસ, કાળા ગ્રૅનાઇટ ઇત્યાદિનો એક જ શિલ્પમાં ઉપયોગ કરી રંગીન શિલ્પ પણ આ સમયમાં સર્જાયાં. વધુ પડતી નાટ્યાત્મક મુદ્રાઓ વડે માનવપાત્રો તંગ જણાય છે. ઇટાલિયન બર્નિની આ સમયના સૌથી વધુ પ્રતિભાસંપન્ન શિલ્પી હતા.

ફ્રાંચેસ્કો બોરોમિનીનું અંતર્ગોળ અને બહિર્ગોળ વળાંકોની જુગલબંધી ધરાવતું સેંટ કાર્લો એલે ક્વાત્રો ફોન્તાને

સ્થાપત્ય : સત્તરમી અને અઢારમી સદીના પૂર્વાર્ધના યુરોપમાં વિપુલ સામગ્રી વડે વિરાટ અને વૈભવી ઇમારતો આ શૈલી દ્વારા સર્જાઈ.

ઇમારતો બાંધવાની સંકલ્પનાના પ્રકારોનો પાર નથી. આધુનિક સ્થાપત્યમાં જેમ ઉપરાછાપરી માળનો ખડકલો દેખાય છે, તેમ પુનરુત્થાનકાળમાં નક્કર ખોખા જેવા માળખાને સુયોજિત દીવાલો વડે બાંધવાનો અભિગમ હતો. ગૉથિક સ્થપતિઓ માનતા કે વિવિધ પ્રકારના બાંધકામને સંગીન રીતે ઊભું રાખવા આધારની જરૂર છે; પરંતુ બોરોમિની અને બર્નિની જેવા બરૉક શૈલીના સ્થપતિ ઇમારતને એક પુદગલ તરીકે પ્રયોજતા, જેને જરૂરિયાત પ્રમાણે ચોમેર વિસ્તારી શકાય. આમ, બરૉક સ્થાપત્યને કેટલેક અંશે વિસ્તૃત થતા શિલ્પ સાથે સરખાવી શકાય. ઇમારત પર પ્રકાશ પડવાથી એના ઘટકોમાં અને સીમારેખાઓમાં હલનચલન થતું જણાય તેનો આયોજનમાં સમાવેશ થયો તેથી સ્થાપત્યમાં ગતિમયતા પ્રવેશી; એમાં વળાંકો અને પ્રતિવળાંકો વધ્યા અને સ્થાપત્યમાં સુશોભનનું તત્ત્વ પ્રવેશ્યું.

આ સમયમાં પુષ્કળ ઇમારતો રચાઈ–બંધાઈ તેમાં દેવળો ઉપરાંત મહેલો–મહાલયો, રહેઠાણ, રસ્તાની વચ્ચે ચોકમાં ફુવારાઓ અને બગીચાઓનો સમાવેશ થાય છે.

ઈટલી : બરૉક સ્થાપત્યનો આરંભ ઇટાલીમાં કાર્લો માદેર્નોએ કર્યો. માઇકલૅન્જેલો-રચિત સેન્ટ પીટર ઇમારતને 1603માં પોપે બસિલિકૅમાં ફેરવવાનું નક્કી કર્યું અને તેની જવાબદારી માદેર્નોને સોંપાઈ. માદેર્નોએ નેવ (ખ્રિસ્તી દેવળનો વચલો મુખ્ય ભાગ, જેમાં બેઠકો હોય છે) અને ફસાદ(પ્રવેશદ્વાર અને પ્રવેશદ્વાર બાજુની બહારની દીવાલ)ની રચના કરી. આ કાર્ય માટે તેને રીતિવાદી (mannerist) સ્થપતિઓ જ્યાકોમો દેલ્લ પોર્તા (ઇલ જેસુ) અને માઇકલૅન્જેલો પાસેથી પ્રેરણા મળી હતી.

ફસાદમાં ભારેખમ સ્તંભમાળા(collossal order)ની રચના માળિયાને ટેકો આપે છે. મકાનના ખૂણાથી કેન્દ્ર તરફ નજર ફેરવતાં આ સ્તંભમાળા દ્વારા ભવ્ય પ્રવેશદ્વારને નાટ્યસહજ ઉઠાવ મળે છે, જેને પશ્ચિમી સ્થાપત્યમાં (અને સંગીતમાં) ‘ક્રિસેન્ડો’ કહે છે. ખૂણેથી કેન્દ્ર તરફ જતાં સ્તંભો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. ખૂણા પરના પિલાસ્ટર (દીવાલને ચીપકેલા અને દીવાલથી સહેજ જ ઊપસેલા સ્તંભ) પ્રવેશદ્વાર તરફ આવતાં પૂર્ણ સ્તંભનું સ્વરૂપ ધારણ કરે છે. ફસાદ એક સળંગ દીવાલ હોય એ પ્રણાલીગત ખ્યાલનો માદેર્નોએ ભંગ કર્યો અને આગળપાછળ બાંધકામ કરી સંકુલ તત્ત્વનો ઉમેરો કર્યો.

બર્નિનીએ સેંટ પીટર ચર્ચના પ્રાંગણમાં છતથી આચ્છાદિત ઈંડાકાર પ્લાનની સ્તંભમાળા (ઑવેલ પિયાત્ઝા) રચી, બર્નિની પોતે તેને ચર્ચના બે હાથ કહેતો, જે પ્રાંગણને બાથમાં લઈને ચોક સર્જે છે.

બર્નિનીએ નાવોના ચૉકમાં 4 નદીનાં શિલ્પોનો ફુવારો સર્જ્યો. આ શિલ્પોના ફુવારામાં વિભિન્ન કળાશૈલીઓ જોવા મળે છે. ચૉકના કેન્દ્ર સમી આ કૃતિમાં ઉપરના ભાગે ઇજિપ્તના ઑબેલિસ્ક (ચાર સીધી બાજુઓ ધરાવતો નક્કર મિનાર) જેવો ત્રિકોણશીર્ષ છે; એની ફરતે વિશ્વની 4 મહાન નદીઓનું અર્ધશયન મુદ્રામાં 4 પુરુષો રૂપે શિલ્પમાં આલેખન થયું છે. પાણીની સેરો ફુવારાના તળિયેથી ઊઠે છે. આ જાતની કળાકૃતિને ઇમારતના બાંધકામ સાથે સીધો સંબંધ ભલે ન હોય, પણ એક સ્વતંત્ર ઇમારત તરીકે તેનું અસ્તિત્વ મહત્વનું બની રહે છે. આ પ્રકારના બાંધકામની પરંપરા બરૉક પહેલાંના સમયમાં હતી નહિ.

ફ્રાન્ચેસ્કૉ બૉરોમિનીએ માદેર્નોના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરી. બૉરોમિની અત્યંત લાગણીશીલ હતો. આપઘાત કરીને તેણે જીવનનો અંત આણ્યો; પરંતુ તે પોતાની કારકિર્દી દરમિયાન માદેર્નો અને બર્નિની કરતાં પણ વધુ સફળ પુરવાર થયો. બૉરોમિનીની રચનાઓ અતિસંકુલ જણાય છે. તેણે પોતે કબૂલ્યું પણ હતું કે પ્રશિષ્ટ (રેનેસાં) પ્રણાલીના અનાદર માટે જેઓ પોતાની ટીકા કરતા હતા તેમનો તર્ક સાચો હતો. સેંટ કાર્લો ઍલે ક્વાત્રો ફૉન્તાને તેની પહેલી રચના છે. બહિર્ગોળ અને અંતર્ગોળ સપાટીઓના અંતહીન ર્દષ્ટિભ્રમને કારણે સેંટ કાર્લોની બાંધણી સ્થિતિસ્થાપક જણાય છે. તેનો પ્લાન વાંકોચૂકો ઈંડાકાર છે, જેમાં પીગળેલો ગ્રીક ક્રૉસ (+ આકાર) જોઈ શકાય છે. તેનો ઘુમ્મટ પણ નીચેથી જોતાં ‘ખેંચાયેલો’ જણાય છે.

આ પછી તેણે સેંટ આઇવો ચર્ચની રચના કરી. તેનો નકશો કેન્દ્રગામી છે, તારા આકારનો ષટ્કોણ છે. ઘુમ્મટ વડે આચ્છાદિત નેવ અને સંલગ્ન ઍપ્સ(નેવને સમાંતર બે પાંખો)ની રચના કરવાને સ્થાને બૉરોમિનીએ એક વિશાળ ઘુમ્મટ વડે સમગ્ર ઇમારતને ઢાંકી છે. તારા આકારના ષટ્કોણમાં બહિર્ગોળ-અંતર્ગોળ દીવાલોની રમતિયાળ શૈલી તુરત જ વેદી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રોમના પિયાત્ઝા નાવોના ખાતે આવેલ સેંટ ઍગ્નેઝની રચનામાં પણ બૉરોમિનીએ આકારોની આવી જ સંકુલતા રચી છે. ગ્વારિનો ગ્વારિનીએ બૉરોમિનીના આ નવા ખ્યાલોનો ટ્યુરિન નગરમાં ઉપયોગ કર્યો. ફિલસૂફી અને ગણિત જેવા વિષયોથી તેની સ્થાપત્ય-પ્રતિભા પોષાઈ હતી. પાલાત્ઝો કારિન્યાનોના ફસાદની રચનામાં બહિર્ગોળ અને અંતર્ગોળ આકારોનું પ્રભુત્વ જોઈ શકાય છે. ‘ચૅપલ ઑવ્ ધ હોલી શ્રુડ’ના વિશાળ ઘુમ્મટ નીચેથી દર્શક ઘુમ્મટની ભૌમિતિક સંકુલતા નિહાળી વિસ્મય પામે છે. તેનાં પોતાનાં લખાણોમાં ગ્વારિનીએ પ્રાચીન (ગ્રીક) શૈલીના અને રેનેસાંના સ્નાયુબદ્ધ સ્થાપત્યની તુલનામાં ગૉથિક સ્થાપત્યનો મહિમા કર્યો છે, કારણ કે ગૉથિક સ્થાપત્ય કોઈ જાદુઈ ચમત્કાર વડે વજનહીન હાલતમાં ઊભાં હોય તેવું લાગે છે. ગણિતનો ઉપયોગ કરીને પોતે સર્જેલ ‘ચૅપલ ઑવ્ ધ હોલી શ્રુડ’માં પણ વજનહીન જણાતી ઇમારતનો ચમત્કાર તેમણે સિદ્ધ કરી બતાવ્યો છે.

ફ્રાન્સનું બરૉક સ્થાપત્ય : ફાંસ્વાંઇ માંસા બરૉક શૈલીના પ્રથમ ફ્રેન્ચ સ્થપતિ છે. ફ્રાન્સનાં સરકારી મહાલયોની તેમની રચના તેમની શ્રેષ્ઠ અને પરિપક્વ કૃતિ છે; તેમાં ઇટાલિયન અસરના કરતાં ફ્રેન્ચ અસ્મિતા વિશેષ ઊભરતી જણાય છે. જોકે તેની પરસાળ અને દાદરો અને દાદરાના સમાવેશવાળા ખંડમાં રીતિવાદી ઇટાલિયન સ્થપતિ પાલ્લાડિયોની અસર સ્પષ્ટ છે.

માંસાના મૃત્યુ પછી 1666માં ફ્રાન્સના રાજા લૂઈ ચૌદમાના રાજમહેલ ‘લુવ્ર’નું અધૂરું રહેલું બાંધકામ પૂરું કરવાનું કામ શરૂ થયું. ભવ્ય ફસાદ અને પૂર્વ દિશામાં આવેલ ચોરસ ચૉકને બાંધકામ વડે આવરી લેવાનું કામ બાકી હતું. આ માટે લૂઈ ચૌદમાએ બર્નિનીને ઇટાલીથી પૅરિસ બોલાવ્યા અને બર્નિનીએ 3 ડિઝાઇન રજૂ કરી પણ ખરી; પરંતુ તે ત્રણેયથી અસંતુષ્ટ રાજા લૂઈ ચૌદમાએ બર્નિનીને બાજુ પર મૂકી ચાર્લ્સ લેબ્રું (તેમના દરબારી ચિત્રકાર), લૂઈ લ વુ (તેમના દરબારી સ્થપતિ) તથા કૉદ પૅરો(પ્રાચીન સ્થાપત્યના અભ્યાસી)ની સમિતિને આ કામ સોંપ્યું. 1670માં જે ઇમારત લુવ્રમાં ઉમેરાઈ તે માટે આ 3 વ્યક્તિઓની પસંદગી કારણભૂત હતી. જોકે તે ડિઝાઇનમાંયે મુખ્ય ફાળો તો પૅરોનો હતો.

આ ઉપરાંત રાજા લૂઈ ચૌદમાએ પૅરિસના કેન્દ્રથી 11 માઈલ દૂર વર્સેલ્સનો મહેલ બંધાવ્યો. તેની જવાબદારી 1669માં લૂઈ લ વુને સોંપાઈ હતી; પરંતુ તે એક વરસના ટૂંકા ગાળામાં મૃત્યુ પામ્યો. આથી ફ્રાંસ્વાંઇ માંસાના ભત્રીજા હાર્દોઈ માંસાને આ કામ સોંપાયું. આ સ્થપતિ તેમજ રાજા બંનેને સ્થાપત્યના પ્રશિષ્ટ સિદ્ધાંતો કરતાં વૈભવી ભપકામાં વધુ રસ હોવાથી લેબ્રુંની મદદ વડે તેમણે ર્દશ્ય કળાની બધી જ શાખાઓનો ઉપયોગ કરી રાજાના ઠઠારામાં વધારો કરતી રચના કરી; તેમાં બગીચા તરફના ફસાદમાં પુનરાવર્તન અને પ્રમાણ-ઔચિત્યના અભાવનો દોષ જણાય છે. મકાનના મુખ્ય ભાગમાં ગૅલરી દ ગ્લાસે (અરીસામહેલ), સાલોં દ ગ્વેરે (યુદ્ધખંડ) અને સાલોં દ પૈ(શાંતિખંડ)નો સમાવેશ થાય છે. વર્સેલ્સના મહેલની પશ્ચિમે માઈલો સુધી પથરાયેલા વર્સેલ્સના બગીચા પણ સ્થાપત્યનાં જ અંગ ગણાય છે. રાજાના ખુલ્લા વિહારસ્થાન તરીકે તે પ્રયોજાયા હતા. ત્યાંની વનસ્પતિઓની ભૌમિતિક ગોઠવણી તુરત જ દર્શકનું ધ્યાન ખેંચે છે.

હાર્દોઇં માંસાની શ્રેષ્ઠ કૃતિ ‘ચર્ચ ઑવ્ ઇન્વૅલિડ્ઝ’ ગણી શકાય.  તેનો ઊંચો અને સાંકડો ઘુમ્મટ ઇમારતનું સૌથી વધુ મૌલિક અંગ છે.

અમિતાભ મડિયા