બજાર : સામાન્ય રીતે જ્યાં વસ્તુ અથવા વસ્તુઓનું વેચાણ અને ખરીદી થતી હોય તે સ્થળ. પરંતુ અર્થશાસ્ત્રમાં તેનો અર્થ છે ખરીદનાર (ગ્રાહક) અને વેચાણ કરનાર(વિક્રેતા/ઉત્પાદક)ને વસ્તુ/સેવાના વિનિમય માટે એકબીજાના સંપર્કમાં લાવનાર તંત્ર અથવા વ્યવસ્થા. આ અર્થમાં બજારને કોઈ નિશ્ચિત સ્થાન હોવું જરૂરી નથી. વિનિમય માટે પરસ્પર સીધી અથવા પરોક્ષ રીતે સંકળાયેલ વ્યક્તિઓ અને પ્રતિષ્ઠાનો તથા સંસ્થાઓનો વ્યાપ સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે. બજારનો વ્યાપ કેટલો છે તે વસ્તુની કિંમત કેટલા વિસ્તારમાં સમાન અથવા સમતુલ્ય છે તેના ઉપરથી નક્કી કરી શકાય છે. શાકભાજી તથા દૂધ માટેનું બજાર સ્થાનિક કહી શકાય. સેવાઓ જેવી કે ઘરકામ, ધોબીકામ, તબીબી સેવાઓ, હોટેલ પ્રવૃત્તિ વગેરેનું બજાર પણ સ્થાનિક હોય છે. પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત થતાં અખબારો, સામયિકો અને પુસ્તકો, ખાદ્ય વાનગીઓ, વિશિષ્ટ વેશભૂષાઓ વગેરેનું બજાર પ્રાદેશિક કહી શકાય. અનાજ, રૂ, તેલીબિયાં, ખાંડ, ખનિજ વગેરે વસ્તુઓનું બજાર રાષ્ટ્રીય હોય છે. સોનું, ચાંદી, હૂંડિયામણ, મોટી કંપનીઓના શેરનું બજાર વિશ્વવ્પાયી અથવા આંતરરાષ્ટ્રીય હોય છે. બજારનો વિસ્તાર વસ્તુની લાક્ષણિકતા, સંદેશાવ્યવહારની ઝડપ અને ક્ષમતા, વાહન-વ્યવહારની સુગમતા અને ખર્ચ તથા સરકારી, સામાજિક અથવા સંસ્થાકીય નિયંત્રણો અને અવરોધો પર આધાર રાખે છે. જે વસ્તુઓની ગુણવત્તા વસ્તુલક્ષી રીતે નક્કી કરી શકાય તથા જેમની કિંમત જથ્થાના પ્રમાણમાં વધુ હોય તેવી વસ્તુઓના બજારનો વ્યાપ વિશાળ રહેવાનો. સોનું, ચાંદી, ધાતુઓ, અનાજ, કાચો માલ વગેરે વસ્તુઓની ગુણવત્તા વૈજ્ઞાનિક રીતે નક્કી કરી શકાય છે. વળી સોનું તથા ચાંદી, તેમના જથ્થાના પ્રમાણમાં ઘણાં કીમતી હોઈ, જકાત અને કરવેરા બાદ કરીએ તો તેમની કિંમત વિશ્વમાં લગભગ એકસરખી હોવાનો સંભવ છે. અન્ય વસ્તુઓમાં પરિવહન ખર્ચને કારણે જુદા જુદા દેશોમાં કિંમતમાં વિશેષ તફાવત રહેવાની શક્યતા છે. જે વસ્તુઓ નાશવંત, બગડી જાય તેવી, વિકાર પામે તેવી અથવા સ્થાવર હોય તેવી વસ્તુઓ માટેનું બજાર સ્થાનિક હોવાનો સંભવ છે; પરંતુ કોઈ વસ્તુનું બજાર સ્થાનિક હોવું અફર નથી. ટેક્નિકલ વિકાસને કારણે દૂધ, ફળ, ફૂલ, શાકભાજી, માંસ, માછલી વગેરે નાશવંત વસ્તુઓની ગુણવત્તાની અવનતિ થયા વગર લાંબા સમય સુધી જાળવણી રેફ્રિજરેશન દ્વારા પરવડે તેવા ખર્ચે શક્ય બની છે. ડેરી, સહકારી મંડળીઓ તથા ઉત્પાદકોના સંઘો દ્વારા બજારની વ્યવસ્થામાં નવાં પરિમાણો ઉમેરાયાં છે. સંદેશાવ્યવહાર તથા પરિવહન સસ્તાં, ઝડપી અને વધુ કાર્યક્ષમ બન્યાં છે. આ બધાં પરિબળોને કારણે ઘણી વસ્તુઓનું બજાર જે પારંપરિક રીતે સ્થાનિક હતું તેનો વિસ્તાર પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વધતો જાય છે. બજારવ્યવસ્થા ઉત્પાદનનાં સાધનોને પણ આવરી લે છે, જેથી મૂડીબજાર, નાણાબજાર અને શ્રમબજાર અસ્તિત્વમાં આવે છે. આ બજારોને તેમની આગવી લાક્ષણિકતાઓ હોય છે.
વિનિમયના જથ્થાની ર્દષ્ટિએ બજારનું વર્ગીકરણ કરીએ તો જથ્થાબંધ બજાર અને છૂટક બજાર એવો ભેદ પાડી શકાય. ઉત્પાદક અને ઉપભોક્તા વચ્ચે વિનિમય-સંપર્ક સીધો અથવા પરોક્ષ હોઈ શકે. સેવાઓના બજારમાં મુખ્યત્વે સીધો સંપર્ક જરૂરી હોય છે. તેથી ત્યાં છૂટક બજાર હોય છે. જ્યાં પરોક્ષ સંપર્ક શક્ય હોય છે તે વસ્તુઓના વિનિમયમાં જથ્થાબંધ વેપારીઓ, દલાલો, આડતિયાઓ, વિક્રેતાઓ અને છૂટક વેપારીઓ – એમ મધ્યસ્થીઓની શૃંખલા જોવા મળે છે. અનાજ ઉત્પન્ન કરનાર ખેડૂત જાણતો નથી કે તેણે ઉત્પન્ન કરેલા અનાજનો કોણ ઉપયોગ કરવાનું છે; છતાં ખેડૂત અને ઉપભોક્તા ઉપર જણાવેલી મધ્યસ્થીઓની શૃંખલા દ્વારા અનાજના વિનિમયમાં એકબીજા સાથે પરોક્ષ રીતે જોડાયેલા હોય છે.
વસ્તુઓ માટેનાં બજારનું વર્ગીકરણ સ્પર્ધાની માત્રા પરથી પણ કરવામાં આવે છે. આમાં પૂર્ણ અને અપૂર્ણ સ્પર્ધા તથા ઇજારો – એમ ત્રણ વર્ગો પાડવામાં આવે છે. અપૂર્ણ સ્પર્ધામાં ઇજારાયુક્ત સ્પર્ધા અને અલ્પહસ્તક ઇજારાનો સમાવેશ થાય છે.
ઉત્પાદનનાં સાધનો સીમિત હોય છે, જ્યારે માનવીય જરૂરિયાતો અમર્યાદ હોય છે. આ મર્યાદિત સાધનોનો ઉપયોગ કઈ વસ્તુના ઉત્પાદન માટે, કેવી રીતે અને કોના માટે કરવો તેનું નિરાકરણ વિકેન્દ્રિત રીતે, ઉત્પાદકો અને ગ્રાહકોના મુક્ત નિર્ણયો દ્વારા થાય છે. કોઈ કેન્દ્રીય સત્તા અથવા આયોજન દ્વારા આ મર્યાદિત સાધનોની ફાળવણી થતી નથી. બજાર-વ્યવસ્થામાં વસ્તુની વધઘટ થતી કિંમત દ્વારા ઉત્પાદકો અને ગ્રાહકોને પુરવઠો અને માંગમાં જરૂરી ફેરફાર કરવાનાં સંકેત તથા ઉત્તેજન મળતાં રહે છે. મુક્ત બજારવ્યવસ્થામાં વસ્તુની કિંમત સાધનોની ફાળવણીમાં સંકેત અને ઉત્તેજનની બેવડી ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, કોઈ વસ્તુની માંગ વધે તો તેની કિંમત વધે. વધેલી કિંમત ઉત્પાદકોને પુરવઠો વધારવાનો સંકેત આપે છે. સાથે સાથે વધેલી કિંમત ઉત્પાદકોને પુરવઠો વધારવા પ્રોત્સાહિત પણ કરે છે. જ્યારે વસ્તુની કિંમત દ્વારા અપાતાં સંકેતો અને ઉત્તેજનાઓ અધૂરાં, અપૂર્ણ, વિપરીત અથવા બિનઅસરકારક નીવડે છે ત્યારે બજારતંત્ર એ વસ્તુ પૂરતું નિષ્ફળ ગયું છે તેમ કહી શકાય.
બજાર-નિષ્ફળતા : ઉત્પાદનનાં સાધનોની ઇષ્ટ વહેંચણી કરવામાં જ્યારે બજાર બિનઅસરકારક નીવડે છે, ત્યારે પણ બજાર નિષ્ફળ ગયું છે તેમ કહેવામાં આવે છે. જ્યારે બજારમાં દરેક વસ્તુની કિંમત તેમાં ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનનાં સાધનોના વૈકલ્પિક ખર્ચની બરાબર હોય ત્યારે ઉત્પાદનનાં સાધનોની તેમના વિવિધ ઉપયોગોમાં ઇષ્ટ વહેંચણી થઈ છે તેમ કહી શકાય. બજારની નિષ્ફળતા ત્રણ પ્રકારની પરિસ્થિતિમાંથી ઉદભવે છે : (1) ઉત્પાદનમાં થતી બાહ્ય અસરો (externality; neighbourhood effects); (2) કદવિસ્તાર સાથે વધતું મળતર (increasing returns); (3) બજારની અપૂર્ણતા.
ઉત્પાદનની અસર અન્યને લાભકારક કે નુકસાનકારક હોઈ શકે. આ લાભ અથવા નુકસાનની કિંમત બજારમાં વસૂલ થઈ શકતી હોય તો કોઈ પ્રશ્ર્ન રહેતો નથી. ઉત્પાદનની પ્રક્રિયાને કારણે જો કોઈને થતા લાભની કિંમત ચૂકવવી પડતી ન હોય અથવા કોઈ તેને થતા નુકસાનની કિંમત વસૂલ કરી શકતું ન હોય તો તેને બાહ્ય અસર કહેવાય છે. દાખલા તરીકે, એક ખાણમાંથી પાણી ખેંચી કાઢવાના પમ્પ મૂકવામાં આવે ત્યારે નજીકની ખાણને પણ આપોઆપ લાભ થાય છે. રેલવે લાઇન કોઈ પ્રદેશમાંથી પસાર થાય ત્યારે તેની આજુબાજુના વિસ્તારની જમીનની કિંમત વધે છે અને તેનો લાભ જમીનમાલિકોને થતો હોય છે. કોઈ વ્યક્તિ બગીચો બનાવે ત્યારે પડોશીઓને શુદ્ધ હવાનો લાભ મફત મળતો હોય છે. આ બધાં ર્દષ્ટાંતો બાહ્ય લાભનાં થયાં. તેનાથી વિપરીત એટલે બાહ્ય નુકસાનનાં ર્દષ્ટાંતો પણ આપી શકાય. કારખાનાંઓ અનેક રીતે પર્યાવરણને દૂષિત કરે છે, જેનું પરિણામ આમ જનતાએ ભોગવવું પડે છે. આમ જનતા કારખાનાંના માલિકો પાસેથી તેમને વેઠવા પડતા નુકસાનની રકમ વસૂલ કરી શકતી નથી. સિંચાઈને કારણે આજુબાજુની બિનસિંચિત જમીન પણ લાંબા ગાળે પાણીગ્રસ્ત થવાનો સંભવ રહે છે, જે નુકસાનકારક છે. ઍરપૉર્ટની નજીકનાં મકાનોની આવરદા ઘટવાનો સંભવ રહેલો હોય છે.
બાહ્ય અસર ઉપરાંત કોઈ વસ્તુ અથવા સેવાનો ઉપયોગ બિનપ્રતિસ્પર્ધીય (non-rival) અને બિનપ્રતિબંધક (non-excludable) હોય તો બજાર-નિષ્ફળતા પરિણમે છે. જે વસ્તુ અથવા સેવામાં આ બે લક્ષણો હોય તેને બજાર ઇષ્ટ (જરૂરી) માત્રામાં તે પૂરી પાડી શકશે નહિ. જાહેર રસ્તાઓ, જાહેર દીવાબત્તી તથા સાફસૂફી, સંરક્ષણ, આંતરિક વ્યવસ્થા, ન્યાયતંત્ર, જાહેર માહિતી, પર્યાવરણની જાળવણી વગેરે જાહેર વસ્તુઓ (public goods) તરીકે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ બધી વસ્તુઓ માટે બજાર દ્વારા કિંમત વસૂલ કરી પુરવઠો પૂરો પાડવો અશક્ય અથવા બિનકાર્યક્ષમ છે.
કદવિસ્તાર સાથે વધતું મળતર જુદા પ્રકારની બજાર-નિષ્ફળતા છે. આમાં વસ્તુની કિંમત તેના સરાસરી ખર્ચ જેટલી રાખવી શક્ય છે. આમ કરતાં કદવિસ્તાર સાથે વધતા મળતરનો લાભ (ઘટતો સરાસરી ખર્ચ) જતો કરવો પડતો હોય તો બજાર-નિષ્ફળતા સર્જાઈ છે તેમ કહી શકાય. સામાન્ય રીતે આવા સંજોગોમાં ઇજારાની પરિસ્થિતિ સર્જાતી હોય છે. રેલવે, વીજળી, ટેલિફોન વગેરે ઉદ્યોગોમાં કદવિસ્તાર સાથે સરાસરી ખર્ચ ઘટવાની મોટી શક્યતાઓ રહેલી છે.
બજારની અપૂર્ણતા : પેઢીઓને ઉદ્યોગમાં મુક્ત પ્રવેશ ન હોય અથવા પ્રવેશમાં રુકાવટ હોય, ઉત્પાદનનાં સાધનો ગતિશીલ ન હોય, ગ્રાહકો પાસે વસ્તુ અને સેવાઓના લાભાલાભ ચકાસવાની અથવા જાણવાની યોગ્ય સગવડ ન હોય તો બજાર-નિષ્ફળતા સંભવે છે. તબીબી સેવાઓમાં દર્દી પાસે યોગ્ય માહિતીની શક્યતાઓ ઓછી હોય છે. ઇજારાયુક્ત ઉદ્યોગોમાં નવી પેઢીઓને પ્રવેશમાં ઘણી મુશ્કેલી હોય છે. વીમાસેવાઓમાં જેમને વીમાની વધુ જરૂરિયાત છે તેવી વ્યક્તિઓની બાદબાકી થવાની શક્યતા વિશેષ છે. આવા સંજોગોમાં બજારની અપૂર્ણતાઓ બજાર-નિષ્ફળતામાં પરિણમતી હોય છે.
વિ. ન. કોઠારી