બજાજ, જમનાલાલ (જ. 4 નવેમ્બર 1889, કાસીનો વાસ, સિકર, જયપુર રાજ્ય; અ. 11 ફેબ્રુઆરી 1942, વર્ધા) : પ્રખર ગાંધીવાદી ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્યસેનાની. જન્મ સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાં થયો હતો. પિતાનું નામ કાનીરામ અને માતાનું નામ બિરદીબાઈ. ચાર વર્ષની વયે પિતાના એક અપુત્ર સગા શેઠ વછરાજે તેમને દત્તક લીધા હતા. દત્તકવિધિના ભાગરૂપે શેઠ વછરાજે આગ્રહ કરીને કાનીરામને ધન આપવા માંડ્યું ત્યારે પુત્રવત્સલ પિતાએ તે સપ્રેમ નકારી કાઢ્યું અને લોકહિતાર્થે ગામમાં એક કૂવો બંધાવી આપવાનું તેમને સૂચન કર્યું હતું. 1896માં મરાઠી પ્રાથમિક શાળામાં દાખલ થઈને વિદ્યાભ્યાસ શરૂ કર્યો. ત્યારપછી તેમણે ધીરે ધીરે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું.
તેમનાં લગ્ન 13 વર્ષની વયે ઇન્દોર રાજ્યના જાવરા શહેરના ધનાઢ્ય વેપારી શેઠ ગિરિધરલાલની પુત્રી જાનકીદેવી સાથે થયાં હતાં. શેઠ વછરાજના દત્તકપુત્ર તરીકે તેમને વારસો મળવાનો હતો તેનો તેમણે 17 વર્ષની સગીર વયે ત્યાગ કર્યો; કારણ કે તેઓ અંત:કરણપૂર્વક માનતા હતા કે આ મિલકત ભોગવવાનો પોતાને નૈતિક અધિકાર નથી. આ ઉંમરે તેઓ લોકપ્રિય નેતાઓ તરફ આકર્ષાયા હતા અને પંડિત મદનમોહન માલવિયા, રવીન્દ્રનાથ ટાગોર અને લોકમાન્ય ટિળકના સંપર્કમાં આવ્યા હતા. લોકમાન્યનું ‘કેસરી’ વર્તમાનપત્ર તેઓ નાનપણથી નિયમિત રીતે વાંચતા હતા. 1908માં માનાર્હ મૅજિસ્ટ્રેટનો હોદ્દો અને દસ વર્ષ પછી ‘રાયબહાદુર’નો ખિતાબ પામ્યા હતા. 1915માં તેઓ જ્યારે પ્રથમ વાર ગાંધીજીના સંપર્કમાં આવ્યા ત્યારે તેમણે તેમની પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યાની લાગણી અનુભવી હતી.
ગાંધીજી પણ આ યુવાનથી આકર્ષાયા હતા. તેમની બન્નેની વચ્ચેના સંપર્કો બળવત્તર થયા ત્યારે 1920માં તેમણે ગાંધીજીને વિનંતી કરી કે તેમને ગાંધીજી તેમના ‘પાંચમા પુત્ર’ ગણે. આવી વિચિત્ર માગણીથી શરૂઆતમાં તો ગાંધીજીને પણ નવાઈ લાગી, છતાં તેમણે તે વિનંતી સહર્ષ સ્વીકારી હતી. આ વર્ષમાં જમનાલાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નાગપુર અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા, ત્યારથી જીવનપર્યન્ત તેઓ કૉંગ્રેસના ખજાનચી રહ્યા. 1921માં તેઓ અસહકારની ચળવળમાં જોડાયા અને આચાર્ય વિનોબા ભાવેના માર્ગદર્શન હેઠળ વર્ધામાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો તેમજ કાગ્રેસના ઠરાવને વફાદાર રહીને ‘રાયબહાદુર’નો ખિતાબ છોડી દીધો. 1923માં નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લઈને તેમણે 18 મહિનાનો કારાવાસ વેઠ્યો. 1924ના અંતભાગમાં તેમણે ગાંધી સેવાસંઘ સ્થાપ્યો અને નાગપુર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. બીજે વર્ષે આર્થિક ક્ષેત્રે ચરખા સંઘના ખજાનચી બન્યા, સાહિત્યિક ક્ષેત્રે હિન્દી સાહિત્યના પ્રસાર માટે દિલ્હીમાં મુખ્ય મથક રાખીને સસ્તા સાહિત્ય મંડળની સ્થાપના કરી અને સામાજિક ક્ષેત્રે અખિલ ભારતીય કૉંગ્રેસ અસ્પૃશ્યતા-નિવારણ સમિતિના મંત્રી બન્યા. વર્ધામાં પોતાનું અંગત લક્ષ્મીનારાયણ મંદિર હતું તે તેમણે 1928માં હરિજનપ્રવેશ માટે ખુલ્લું મૂક્યું.
1930માં તેઓ વિલેપાર્લે મુંબઈના મીઠા સત્યાગ્રહ કૅમ્પના નેતા તરીકે ચૂંટાયા. 1936માં તેમણે સેગામ નામનું ગામડું ગાંધીજીને દાનમાં આપ્યું. ગાંધીજીએ તેનું નામ બદલીને સેવાગ્રામ કર્યું અને ત્યાં પોતાનો આશ્રમ સ્થાપ્યો. 1938માં તેમણે જયપુર રાજ્ય પ્રજામંડળનું પ્રમુખપદ સંભાળ્યું અને પ્રજાહિત માટે સત્યાગ્રહની લડત ચલાવીને કારાવાસ વેઠ્યો. જેલમાંથી છૂટ્યા પછી 1941માં ગોસેવાપ્રવૃત્તિ માટે વર્ધામાં ગોસેવા સંઘ સ્થાપ્યો અને આ કાર્યને વ્યવસ્થિત કર્યું. તે અરસામાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં પ્રજાની સંમતિ વિના ભારતને જોતરવા વિરુદ્ધ અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે શરૂ કરેલા વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને તેઓ ફરીથી કારાવાસમાં ગયા. તેમાંથી છૂટ્યા પછી થોડા સમયમાં લોહીના ભારે દબાણથી મગજમાં રક્તસ્રાવ થવાથી તેઓ ઓચિંતા અવસાન પામ્યા. વિદેશી ધૂંસરીમાંથી માતૃભૂમિની મુક્તિ અને માયાની જંજાળમાંથી આત્માની વિમુક્તિ તેમના જીવનનાં ધ્યેય હતાં. ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા સ્વરાજ મેળવી શકાય તેવી ગાંધીજીની વિચારસરણીમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી.
જયન્તિલાલ પો. જાની