બગદાદ સંધિ : બીજા વિશ્વયુદ્ધ પછી મધ્ય-પશ્ચિમ એશિયામાં સામ્યવાદી પ્રભાવને રોકવા માટે કેટલાંક રાષ્ટ્રો વચ્ચે થયેલો કરાર (1955). 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારબાદ આંતરરાષ્ટ્રીય રાજકારણને આવરી લેતી જો કોઈ અગત્યની બાબત હોય તો તે ઠંડા યુદ્ધની છે. અમેરિકા તથા સોવિયટ સંઘ – એ બંને વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાજ્યો હતાં; પરંતુ યુદ્ધના અંતે બંને સત્તાઓ વચ્ચે મતભેદ શરૂ થયા, જેને પરિણામે પરસ્પર શંકા અને અવિશ્વાસનું વાતાવરણ દિનપ્રતિદિન ઉગ્ર બનવા લાગ્યું. પરિસ્થિતિ એ હદે પહોંચી કે ખરેખર યુદ્ધ શરૂ થયું નહિ હોવા છતાં પણ બંને મહાસત્તાઓ માનસિક તણાવ અનુભવવા લાગી અને યુદ્ધ જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું, જે પરિસ્થિતિને ‘ઠંડા યુદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદના આંતરરાષ્ટ્રીય બનાવો પર ઠંડા યુદ્ધનો ઓછાયો છવાયેલો રહ્યો છે. આ બંને મહાસત્તાઓ વચ્ચે ઘર્ષણ અને વૈમનસ્ય ખૂબ જ વધતું ગયું. તેને પરિણામે દ્વિધ્રુવીય વિશ્વનું સર્જન થયું. આ બંને સત્તાઓ વચ્ચે વિશ્વમાં પોતપોતાનું પ્રભુત્વ સ્થાપવા માટે ઉગ્ર હરીફાઈઓ શરૂ થઈ, જેને લીધે વિશ્વરાજકારણના સત્તા-માળખા અને સત્તા-સંબંધોની નવી તરેહ અસ્તિત્વમાં આવી.
ઠંડા યુદ્ધ માટે વિવિધ પરિબળો જવાબદાર હતાં; જે પૈકીનું એક પરિબળ આર્થિક અને બીજું લશ્કરી હતું. બંને સત્તાઓએ પોતપોતાનું પ્રભુત્વ સ્થાપવા તથા એકબીજાના પ્રભાવને રોકવા માટે વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓનો આશ્રય લીધો હતો; જે પૈકી લશ્કરી કરાર-સંધિઓ– જોડાણોએ મહત્વનો ભાગ ભજવેલો. બગદાદ સંધિ પણ એ પૈકીનો જ એક મહત્વનો ભાગ છે. મધ્ય-પશ્ચિમ એશિયામાં સામ્યવાદી પ્રભાવને રોકવા માટે બ્રિટન અને અમેરિકાએ એક શક્તિશાળી સંગઠન ઊભું કર્યું. તેની પાછળ મુખ્ય બે ઉદ્દેશો હતા : (1) મધ્ય એશિયાને રશિયાના પ્રભાવમાંથી મુક્ત રાખવું અને (2) મધ્ય એશિયામાં પશ્ચિમી પ્રભાવ ટકાવવો. ઘણી ચર્ચા-વિચારણાઓ બાદ અમેરિકાની પ્રેરણાથી બગદાદ ખાતે 24 ફેબ્રુઆરી 1955ના રોજ તુર્કી તેમજ ઇરાક વચ્ચે પારસ્પરિક સહયોગ સંધિ કરવામાં આવી જે ‘બગદાદ સંધિ’ અથવા તો ‘બગદાદ કરાર’ કે ‘બગદાદ પૅક્ટ’ની આધારશિલા બની. 4 એપ્રિલ 1955ના રોજ બ્રિટન પણ આ સંધિમાં સામેલ થયું. સપ્ટેમ્બર 1955માં ઈરાન અને ઑક્ટોબર 1955માં પાકિસ્તાન પણ તેમાં જોડાયું. જોકે અમેરિકા આ સંગઠનનું સભ્ય થયું ન હતું; છતાં તેને આ સંગઠન પ્રત્યે સહાનુભૂતિ હતી અને જરૂર પડ્યે તેને સક્રિય મદદ આપવા તૈયાર હતું. બગદાદ કરારમાં જોડાયેલાં રાજ્યોની પ્રથમ બેઠક 1955ના નવેમ્બર માસમાં બગદાદમાં મળી. ઇરાકના તત્કાલીન વડાપ્રધાન નૂરી અસ સઇદને તેના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા. આ પ્રથમ બેઠકમાં બગદાદ કરારના ઉદ્દેશો–હેતુઓ નક્કી કરવામાં આવ્યા. તેનો આશય એશિયામાં શાંતિ, સલામતી અને સુરક્ષા સ્થાપવાનો હતો.
આ સંગઠનની બીજી બેઠક તહેરાનમાં 1956માં ભરાઈ હતી. તેમાં અમેરિકાએ પોતાનો પ્રતિનિધ મોકલ્યો અને સંગઠનને આર્થિક તેમજ સૈનિક મદદ આપવાની ખાતરી આપવામાં આવી. આ ઉપરાંત આ સંગઠન સામ્યવાદી આક્રમણનો વિરોધ કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી. અમેરિકાએ સૈનિક-સહાયના બહાના હેઠળ પશ્ચિમ એશિયાના દેશો પર પોતાની પકડ જમાવી બગદાદ કરારનું ક્ષેત્ર વ્યાપક રીતે ફેલાવ્યું છે. બગદાદ કરારના સભ્યોમાંથી તુર્કી ‘નાટો’નું અને પાકિસ્તાન ‘સિયાટો’ સંગઠનનું સભ્ય છે. આ સંગઠનમાં જોડાયેલાં રાજ્યો આક્રમણના સમયે પરસ્પર સહાય કરવા બંધાયેલાં છે. પશ્ચિમ એશિયાના બધા જ દેશો આ સંગઠનમાં જોડાયા નથી; દા.ત., ઇજિપ્ત, સિરિયા, સાઉદી અરેબિયા વગેરે. આથી ઇંગ્લૅન્ડ અને અમેરિકા જોઈએ તેટલું વર્ચસ્ સ્થાપી શક્યા નથી. 1958માં ઇરાકમાં રાજકીય ક્રાંતિ થતાં તે પ્રજાસત્તાક રાજ્ય બન્યું. તેના લીધે તે 1959માં બગદાદ કરારમાંથી નીકળી ગયું છે. આથી આ સંગઠનને 1959ના ઑગસ્ટથી બગદાદ કરારને બદલે ‘સેન્ટો’ (CENTO – Central Treaty organization) એવું નામ આપવામાં આવ્યું છે અને તેનું મુખ્ય મથક બગદાદને બદલે તુર્કીના અંકારા ખાતે લઈ જવામાં આવ્યું છે. આ સંગઠન દ્વારા પાકિસ્તાને ભારતવિરોધી સહાય અવારનવાર મેળવેલ છે. વળી આ કરાર ‘નાટો-સિયાટો’ એ બંને લશ્કરી સંગઠનો સાથે પરોક્ષ રીતે સંકળાયેલો છે, દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સિરિયા, લેબેનોન અને ઇરાક વગેરે સ્વતંત્ર રાજ્યો બન્યાં. આ વિસ્તારોમાંથી બ્રિટિશ તથા ફ્રેન્ચ સૈન્યો પાછાં ખેંચી લેવામાં આવ્યાં. ઇજિપ્તે સુએઝ નહેર પર પોતાના અંકુશની તેમજ ત્યાંથી બ્રિટિશ સૈન્યને હઠાવી લેવાની માંગણી શરૂ કરી. મધ્ય એશિયામાં સામ્યવાદી પ્રભાવને વધતો રોકવા તેની સરહદ નજીક આવેલાં ઈરાન, ઇરાક, તુર્કી વગેરે સાથે લશ્કરી સંગઠનો રચવાના અમેરિકા અને બ્રિટનના પ્રયાસની ફલશ્રુતિ રૂપે આ બગદાદ સંધિ ઊભી થઈ અને મધ્ય એશિયા આ સંધિનું મુખ્ય મંચ બન્યું.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા