ધ્વન્યાલોક (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિનું નિરૂપણ કરતો શકવર્તી ગ્રંથ. તેના લેખક આનંદવર્ધન કાશ્મીરનરેશ અવન્તિવર્મા (ઈસુની નવમી સદી)ની સભામાં વિદ્વાન કવિ હતા. એમની પૂર્વે અને પછી પણ કાવ્યમાં આત્મા અથવા પ્રધાન તત્ત્વ કયું છે એ પ્રશ્નની ચર્ચાવિચારણા થયા કરતી હતી. આનંદવર્ધન પૂર્વે કાવ્યમાં ગુણ, અલંકાર, રીતિ કે રસમાંથી કોઈ એક્ધો મુખ્ય તત્વ માની તેનું નિરૂપણ કરનારા સંપ્રદાયો અસ્તિત્વમાં હતા. ત્યારે આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’ની રચના કરીને ધ્વનિસંપ્રદાયને પ્રકાશિત કર્યો. ગુણ, અલંકાર વગેરે એકાંગી છે એમ સ્પષ્ટ દર્શાવી કાવ્યમાં અનુપમ સૌંદર્ય તો માત્ર ધ્વનિને કારણે જ અનુભવાય છે એમ આ ગ્રંથમાં તેમણે સિદ્ધ કર્યું છે.
‘ધ્વન્યાલોક’ ગ્રંથ ચાર પ્રકરણ–ઉદ્યોત–માં વહેંચાયેલો છે. તેની રચનાશૈલી કારિકા, વૃત્તિ અને ઉદાહરણો એમ ત્રણ પ્રકારની છે. ચારેય ઉદ્યોતની કુલ 117 કારિકાઓ છે, અને તેમના પર ગદ્યમાં વૃત્તિ આપી છે. કેટલાક વિદ્વાનોએ કારિકાના રચયિતા આનંદવર્ધન નહિ, પણ કોઈ સહૃદય નામના અન્ય આચાર્ય છે એવો મત પ્રદર્શિત કર્યો છે; પરંતુ મોટાભાગના વિદ્વાનોએ આ ત્રણેયના રચયિતા આનંદવર્ધન જ છે એમ સ્વીકાર્યું છે, અને પરંપરાનું પણ તેને સમર્થન છે.
પ્રથમ ઉદ્યોતમાં ધ્વનિસિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં આનંદવર્ધન નમ્રતાથી કહે છે કે આ સિદ્ધાંત નવો નથી, પણ કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ પહેલાંના વિદ્વાનોએ કહેલું જ છે. આમ છતાં ધ્વનિસિદ્ધાંતનું સાંગોપાંગ નિરૂપણ કરી તેને સંપ્રદાય તરીકે સ્થાપવાનું શ્રેય આનંદવર્ધનને આપવું પડે.
આ ઉદ્યોતમાં ધ્વનિનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે : જ્યાં શબ્દ પોતાના અર્થને અને વાચ્યાર્થ પણ સ્વયંને ગૌણ કરીને જે વ્યંગ્યાર્થ અર્થાત્ પ્રતીયમાન અર્થને પ્રગટ કરે છે તે કાવ્યવિશેષને ધ્વનિ કહે છે. અર્થાત્ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થથી ભિન્ન એવો પ્રતીયમાન અર્થ એ ધ્વનિ છે. સાથે સાથે ધ્વનિના સ્વતંત્ર અસ્તિત્વનું ખંડન કરતી દલીલોનો પરિહાર કરી અહીં અલંકાર વગેરેમાં ધ્વનિનો અંતર્ભાવ શક્ય નથી એમ પણ સિદ્ધ કર્યું છે.
વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ એ ધ્વનિનાં ત્રણ સ્વરૂપો છે. તેમાં રસધ્વનિ શ્રેષ્ઠ છે એમ દર્શાવી ધ્વનિના બે મુખ્ય ભેદ આપ્યા છે – અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂળ) અને વિવક્ષિતવાચ્ય (અભિધામૂળ). બીજા અને ત્રીજા ઉદ્યોતોમાં એ બે ભેદના ઉપભેદો અને તેના પણ પેટા-પ્રકારોનું સોદાહરણ નિરૂપણ છે. ગુણ, સંઘટના (રીતિ) અને રસની વિશદ ચર્ચા કરી એમનો ધ્વનિ સાથેનો સંબંધ સ્પષ્ટ કરી આપી, પ્રબંધમાં મુખ્ય રસ અને અન્ય રસો સાથેનો તેનો સંબંધ કેવો હોય તેની વ્યાપક ચર્ચા છે. પ્રાસંગિક રીતે કાવ્યના ત્રણ પ્રકારનો પણ નિર્દેશ છે – ધ્વનિકાવ્ય, ગુણીભૂતવ્યંગ્ય અને ચિત્રકાવ્ય. ચતુર્થ ઉદ્યોતમાં કવિની પ્રતિભા સર્જનના કેવા ચમત્કાર સર્જે છે તે દર્શાવ્યું છે. અંતે કાવ્યસંવાદ અને તેના પ્રકારોની ચર્ચા છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના એક પ્રતિનિધિ ગ્રંથ તરીકે આ ગ્રંથ ખૂબ જાણીતો છે.
‘ધ્વન્યાલોક’માં આનંદવર્ધને ધ્વનિ-સંપ્રદાયની પ્રસ્થાપના કરી છે. તે ધ્વનિ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ છે.
વસંત પરીખ