ધૂંધભરી ખીણ : ઈ. સ. 2000નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર વીનેશ અંતાણીકૃત ગુજરાતી નવલકથા (1996). લેખક ચંડીગઢમાં આકાશવાણીના સ્ટેશન-ડિરેક્ટર તરીકે બે વર્ષથી વધારે સમય રહેલા. લેખકે નિવેદનમાં નોંધ્યું છે – ‘પંજાબમાં સ્થપાવા લાગેલી શાંતિના સંકેતોની પડછે, વીતેલા લોહિયાળ દાયકાનો ઓથાર પણ મેં ત્યાંના લોકોના ચહેરા પર જોયો હતો અને તેની જ પડખે આવેલા હિમાચલ પ્રદેશના પહાડોનું અદભુત સૌંદર્ય હતું. આ બે વાસ્તવિક પરિસ્થિતિઓની વચ્ચે એક કાલ્પનિક પાત્રની વ્યક્તિગત પીડા તપાસવાનું મન થયું.’ આ કાલ્પનિક પાત્ર તે રચના. કથા રચના દ્વારા કહેવાઈ છે. રચનાની વ્યક્તિગત પીડાને ઘૂંટવામાં ને એના જીવનને એક અર્થ આપવામાં લેખક સફળ રહ્યા છે. નાનકડી રચના પિતા ઇન્દ્રવદન શેઠના પરસ્ત્રી સાથેના સંબંધોને જે રીતે મમ્મીના ચહેરા પર અને વર્તનમાં જુએ છે, સંવેદે છે એ આસ્વાદ્ય બની રહે છે. કથાના મુખ્ય પ્રવાહની સાથે લોહિયાળ આતંકવાદનો ભોગ બનેલી સ્ત્રી ચરંજિતની કથા ગૂંથાતી જાય છે. પંજાબ-પ્રવાસ નિમિત્તે આતંકવાદની ઉપકથાઓ પણ ઉમેરાતી જાય છે. રચના, એનો પતિ કિરીટ અને મનુ – આ એક ત્રિકોણ; ઇન્દ્રવદન શેઠ, એમની પત્ની માયા અને સ્મિતાનો ત્રિકોણ; મનુ, શાલિની તથા રચના વચ્ચેનો ત્રિકોણ; – અસ્પષ્ટ રેખાઓવાળા આ બધા ત્રિકોણોનો ઉપયોગ લેખકે ત્રિપાર્શ્વ કાચની જેમ કર્યો છે અને રચનાની પીડાના રંગોને તપાસ્યા છે. આવા ત્રિકોણો, પહાડોનો પરિવેશ, સ્ત્રી-પુરુષ-સંબંધની સંકુલતાઓ, ઘૂંટાતી જતી પીડા – આ બધું લેખકને ગમતું-ફાવતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રના કૂંડાળાની બહાર આવીને આતંકવાદના ઊંડાણમાં જઈ શકાયું હોત; પણ એવું લેખકે તાક્યું – તાગ્યું નથી. આથી જ આતંકવાદનો ભોગ બનેલી ચરંજિતને નાયિકા બનાવાઈ નથી. આથી જ કદાચ ભૂપિન્દરને પત્રકાર બનાવ્યો છે. આતંકવાદની મોટાભાગની વાત ભૂપિન્દર કે ચરંજિત દ્વારા કરાઈ છે; જેથી આતંકવાદ અંગેનું reporting સહજ લાગે. પંજાબના આતંકવાદને બહારથી જોઈને reportingના લેવલ પર કામ કરવાને બદલે આતંકવાદના મૂળ સુધી ઊંડે ઊતરીને, સંવેદનના સ્તરે કામ થઈ શક્યું હોત.
ક્યાંક પંજાબી-હિન્દીની છાંટ-સોડમવાળી સાદી પણ સર્જનાત્મક ભાષા પાસેથી લેખકે સરસ કામ લીધું છે. નાની નાની વિરોધી પરિસ્થિતિઓ, ર્દશ્યો, વસ્તુઓ વગેરેનો લેખકે કથામાં પ્રતીકાત્મક વિનિયોગ કર્યો છે. લેખકની પ્રતીકાત્મક, ર્દશ્યાત્મક ભાષાનું એક ઉદાહરણ —
‘મારી અંદરના એ ભેંકાર કૂવામાં એક ચામાચીડિયું એકાએક જાગી ઊઠ્યું અને જાણે ફફડાટ કરવા લાગ્યું.’ (પૃ. 159)
નાંગલ ડૅમની લાંબી, ભેજલ, અંધારી, સાંકડા બોગદા જેવી ટનલનોય પ્રતીકાત્મક વિનિયોગ થયો છે –
‘તમે અંદર ગયાં હતાં ? કેવું દેખાયું અંદર ?’ ચરંજિતના આ પ્રશ્નનો રચના જવાબ આપે છે –
‘અંતહીન ગર્ભાશય જેવું !’ (પૃ. 225)
આ લેખકની સર્જનશક્તિ છે સંવેદનોને પેટાવવાની – ક્યારેક દીવાની જેમ, ક્યારેક મશાલની જેમ. આતંકવાદના કારણે અનાથ થતાં બાળકોની ચિંતા અને એમના માટે ખૂલતી એક દિશા એ પણ આ કથાનું એક નોંધપાત્ર પાસું છે. આવા એક અનાથ બાળક – પરવિન્દરને રચના દત્તક લે છે અને આ બાળક થકી રચનાની જિંદગીનેય એક અર્થ મળે છે. નાંગલની પેલી અંધારી ટનલ જેવી જિંદગીમાં અજવાળું પથરાય છે. પીડાની કોઈ પણ પરિસ્થિતિમાં લેખકનો અભિગમ હંમેશાં વિધેયાત્મક રહ્યો છે.
યોગેશ જોશી