ધાનક, ગોવિંદરાયજી (જ. 7 માર્ચ 1909, મેંદરડા, જિ. જૂનાગઢ; અ. 14 એપ્રિલ 1965, ન્યૂ દિલ્હી) : ગુજરાતના એક સમર્થ ઇજનેર. શૈક્ષણિક કારકિર્દી શરૂઆતથી જ ઉજ્જ્વલ. બૃહદ મુંબઈ રાજ્યમાં ઇજનેરી સેવામાં સીધા ભરતી થયેલ. સરકારી ઇજનેરી મહાવિદ્યાલય પુણેમાં બી.ઈ.(સિવિલ)ના અંતિમ વર્ષમાં પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે જ થોડાક પસંદગી પામેલા વિશિષ્ટ વિદ્યાર્થીઓમાંના એક તરીકે સરકારે નોકરી આપવાની તૈયારી બતાવેલી.

માટીનો બનાવેલો વિશાલ ‘ગંગાપુરબંધ’ તેમના ઇજનેરી વ્યવસાયની યશકલગી છે. આ બંધની રચના વખતે તેમણે પોતાની આગવી યોજના અને ડિઝાઇન અને માટીના મોટા જથ્થાને એકથી બીજી જગ્યાએ ગોઠવતાં યંત્રોની કામગીરી અંગે વિશદ કુનેહ દર્શાવીને સૌને ચકિત કરેલા. સિવિલ ઇજનેરી જેટલું જ યાંત્રિક ઇજનેરી પર તેમને પ્રભુત્વ હતું.

1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનવેળાએ શ્રી ધાનકને ગુજરાત રાજ્યના ‘સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન’ના અધીક્ષક ઇજનેર તરીકે નિયુક્ત કરેલા. 1961માં રાજ્યની નહેરયોજનાઓના મુખ્ય ઇજનેરી અધિકારી તરીકે બઢતી આપવામાં આવેલી.

ગોવિંદરાયજી ધાનક

શ્રી ધાનકની સર્વતોમુખી પ્રતિભામાં પોતાના વ્યવસાયના વિષય ઉપરાંત લગભગ તમામ વિષયોના જ્ઞાનનો સમાવેશ થતો હતો. કલા, ચિત્રકામ, સંગીત, શિકાર, માનવવિદ્યા અને વક્તૃત્વ – એમ અનેક વિષયોમાં તેમને રસ હતો.

ગુજરાતની જીવાદોરી એવી નર્મદાયોજના માટે મૌલિક પ્રદાન કરનાર મૂળ યોજકોમાંના તેઓ એક હતા. નર્મદાજળવિવાદ ન્યાયપંચની (1969) રચના પહેલાં ખોસલા સમિતિએ સરદાર સરોવર યોજના માટે બંધની ઊંચાઈ 500 ફૂટને બહાલી આપી તેનો યશ ધાનકને ફાળે જાય છે. જીવનભર પોતે નર્મદા યોજના અંગેના કાર્યને ચીવટપૂર્વક સમર્પિત રહ્યા  તે હકીકતની નોંધ ડૉ. ખોસલા સુધ્ધાંએ લીધી હતી. છેલ્લા શ્વાસ સુધી નર્મદા ગેસ્ટ હાઉસ, ન્યૂદિલ્હીમાં તેમના અવસાનની અંતિમ ક્ષણે પણ તેઓ નર્મદા યોજનાના કાર્યમાં મશગૂલ હતા.

પ્રવીણસિંહ અભયસિંહ રાજ

અનુ. વિ. પ્ર. ત્રિવેદી