દેસાઈ, મનમોહન (જ. 26 ફેબ્રુઆરી 1937, મુંબઈ; અ. 1 માર્ચ 1994, મુંબઈ) : હિંદી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા. મનોરંજનના મહારથી ગણાતા અને ચલચિત્રજગતમાં ‘મનજી’ તરીકે ઓળખાતા મનમોહન દેસાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા. પિતા કીકુભાઈ દેસાઈ અગ્રણી નિર્માતા હતા અને પૅરેમાઉન્ટ સ્ટુડિયોના માલિક હતા. મનમોહન પાંચ વર્ષના હતા ત્યારે જ પિતાનું નિધન થતાં પરિવાર ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયો. સ્ટુડિયો વેચી નાખવો પડ્યો. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પરિવાર રહેવા આવ્યો અને મનમોહન અંતિમ શ્વાસ સુધી આ મકાનમાં જ રહ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને સ્નાતક થયેલા મનમોહનને પિતાની ગૌરવશાળી પરંપરા આગળ વધારવાની ખ્વાહેશ હતી, એટલે દિગ્દર્શનનો કસબ શીખવા એ સમયના અગ્રણી દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. મોટા ભાઈ સુભાષ દેસાઈએ મનમોહનને આગળ વધવાની તક પૂરી પાડી. તેમણે ‘છલિયા’ ફિલ્મનું નિર્માણ કર્યું અને રાજ કપૂર, નૂતન તથા પ્રાણ જેવાં ધરખમ કલાકારોને નિર્દેશન આપવાની જવાબદારી 22 વર્ષના મનમોહન પર નાખી દીધી. ‘છલિયા’ની વાર્તા મનમોહને પોતે લખી હતી. એ પ્રથમ ચલચિત્રથી જ મનમોહને બતાવી આપ્યું કે ભવિષ્યમાં પોતે કયા પ્રકારનાં ચલચિત્રો બનાવવાના છે.
197૦માં રાજેશ ખન્નાને બેવડી ભૂમિકામાં ચમકાવતા ‘સચ્ચાજૂઠા’ ચલચિત્રને ભારે સફળતા મળ્યા બાદ મનમોહન દેસાઈએ સફળતાના માર્ગે આગળ વધતાં ક્યારેય પાછું વળીને જોયું નહિ. ચલચિત્રોમાં ‘ખોવાયા અને મળ્યા’ ફૉર્મ્યુલાનો અત્યંત સફળતાપૂર્વક ઉપયોગ કરીને મનોરંજનથી ભરપૂર ચલચિત્રો બનાવનાર મનમોહન દેસાઈએ 1977માં પોતાની ખુદની નિર્માણ સંસ્થા ‘એમ. કે. ડી. ફિલ્મ્સ’ની સ્થાપના કરીને અત્યંત સફળ ચલચિત્ર ‘અમર, અકબર ઍન્થની’નું નિર્માણ અને દિગ્દર્શન કર્યું. આ ચલચિત્રે મનોરંજનની દુનિયામાં મનમોહન દેસાઈનો સિક્કો જમાવી દીધો. ‘મનમોહન દેસાઈનાં ચલચિત્રોમાં કંઈ પણ બનવું અસંભવ ન હોય’ – એમ કહી તેમની ટીકા કરાતી, પણ મનમોહન દેસાઈ હંમેશાં સામાન્ય પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને ચલચિત્રોનું નિર્માણ કરતા. તેઓ ચલચિત્રોને નર્યા મનોરંજનનું સાધન માનતા, તેના દ્વારા ઉપદેશ આપવામાં ન માનતા. મમતામયી માનું ચરિત્ર, પતિવ્રતા પત્નીનું સમર્પણ, માના પ્રેમ માટે તલસતા દીકરાનો તલસાટ, ખોવાયેલા દીકરાને મળવાની આશામાં જીવતો મજબૂર પિતા વગેરે સંજોગો તેઓ સુંદર રીતે બહેલાવતા. 28 વર્ષની કારકિર્દીમાં 2૦ ચલચિત્રોનું દિગ્દર્શન કરી ચલચિત્રજગતને 16 સફળ ચિત્રો આપનાર મનમોહન દેસાઈએ મનોરંજનને નામે ક્યારેય અશ્લીલતા પીરસી નહિ. અમિતાભ બચ્ચનને ‘સુપરસ્ટાર’ તરીકે સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવનાર ‘અમર, અકબર ઍન્થની’ના સર્જન બાદ અમિતાભ અને મનમોહનની જોડીએ ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં; પણ 1989માં ‘ગંગા, જમુના, સરસ્વતી’ નિષ્ફળ જતાં મનમોહન દેસાઈએ નિવૃત્તિ લઈ લીધી અને તેમના પુત્ર કેતન દેસાઈ પર દિગ્દર્શનની જવાબદારી નાખી દીધી. જિંદગીનાં અંતિમ વર્ષોમાં તેમણે એકલતા ટાળવા માટે 1992માં અભિનેત્રી નંદા સાથે વિધિવત્ સગપણ કર્યું. એવામાં ખેતવાડીના તેમના ‘જીવન કૉમ્પ્લેક્સ’ નિવાસના ત્રીજા માળેથી પડી જતાં મનમોહન દેસાઈનું નિધન થયું.
હરસુખ થાનકી