દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ (જ. 21 ઑગસ્ટ 1909, સેનદુર્જાન, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર; અ. 2000) : મરાઠીના જાણીતા કવિ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં બી. એ.ની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી.
તેમની કૃતિઓની વિશેષતા એ છે કે તેમાં સંગીતમયતા અને કોઈ પણ સમસ્યા પ્રત્યે તટસ્થતા અથવા કોઈ પ્રયોગ પ્રતિ એક પ્રકારની અલિપ્તતા જોવા મળે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શીલ’ 1954માં પ્રકાશિત થયેલો અને બીજો ‘અભિસાર’. 1963માં બીજાને મહારાષ્ટ્ર સરકાર તરફથી પ્રથમ પુરસ્કાર મળેલો. તેમનાં કેટલાંક કાવ્યો જર્મન, હિંદી અને કન્નડ ભાષાઓમાં અનૂદિત થયાં છે.
મરાઠી કવિસંમેલનોમાં તેમની અત્યંત રુચિ હતી. તેઓ ઘણી સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ મેહકર શિક્ષણ સમિતિના અધ્યક્ષ હતા. 1987માં તેમને અનંત કાણેકર સ્મૃતિ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
1986માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલી તેમની કૃતિ ‘ખુણગાંઠ’ કાવ્યસંગ્રહ છે. તેનો સંગીતમય પ્રવાહ, તાજગીભરી અભિવ્યક્તિ અને વિશિષ્ટ પ્રકારની શૈલીને કારણે આ કૃતિ સમકાલીન મરાઠી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા