દીક્ષિત, હરિનારાયણ (જ. 13 જાન્યુઆરી 1936, પડકુલા, જિ. જાલૌન, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના મહાકાવ્ય ‘ભીષ્મચરિતમ્’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ઉલ્લેખનીય સફળતા સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ તેમજ કુમાઉં યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી હતી. વળી બનારસ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી તેમણે વ્યાકરણાચાર્ય તેમજ સાંખ્યયોગાચાર્ય અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી સાહિત્યાચાર્યની પદવીઓ પણ પ્રાપ્ત કરી છે.
તેમણે હિંદી તથા સંસ્કૃતમાં 18 પુસ્તકો આપ્યાં છે. તેમાં સંપાદનો પણ છે. તેમાંના ‘સંસ્કૃત નિબંધાવલી’, ‘સંસ્કૃત સાહિત્યમાં રાષ્ટ્રીય ભાવના’, ‘શોધલેખાવલિ’ અને ‘ભારતીય કાવ્યશાસ્ત્રમીમાંસા’ નોંધપાત્ર છે.
તેમની વિપુલ સંસ્કૃત-સેવા ધ્યાનમાં લઈને તેમને અનેક સન્માન મળ્યાં છે. તેમને ‘શ્રીહનુમદ્દૂતમ’ માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત અકાદમીનો વિશિષ્ટ પુરસ્કાર તથા ‘ગોપાલબંધુ’ માટે 1988માં બાણભટ્ટ પુરસ્કાર મળ્યા છે. હાલ તેઓ નૈનીતાલની કુમાઉં યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ભીષ્મચરિતમ્’ ભીષ્મ પિતામહના પાત્ર અને ભાવિને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. મહાકાવ્યનાં તમામ પારંપરિક લક્ષણો તેમાં જોવા મળે છે. સમર્થ કલ્પકતા, પાત્રોનું તર્કબદ્ધ ચિત્રાંકન, અલંકારોનો યોગ્ય પ્રયોગ તેમજ વિશદ શૈલીને કારણે આ કૃતિ આધુનિક ભારતીય સાહિત્યમાં એક ઉપયોગી પ્રદાન ગણાયેલ છે.
બળદેવભાઈ કનીજિયા