દીક્ષિત, રાજચૂડામણિ (1600–1680) : સંસ્કૃતના વિદ્વાન કવિ, નાટ્યકાર અને મીમાંસક. તેઓ તાંજોરના રાજા રઘુનાથના પ્રીતિપાત્ર હતા. તેમની માતાનું નામ કામાક્ષી હતું અને તેમના પિતાનું નામ રત્નખેટ શ્રીનિવાસ દીક્ષિત હતું. તેમના ગુરુનું નામ અર્ધનારીશ્વર દીક્ષિત હતું. 1636માં ‘તંત્રશિખામણિ’ નામનો મીમાંસાશાસ્ત્રવિષયક ગ્રંથ લખ્યો હોવાનું તેમણે નોંધ્યું છે. તાંજોરના રાજા રઘુનાથ વિશે તેમણે ‘રઘુનાથભૂપવિજય’ નામનું કાવ્ય લખેલું. રાજા રઘુનાથનો ઉલ્લેખ પોતાના ‘રુક્મિણીકલ્યાણ’ નામના મહાકાવ્યમાં કર્યો છે. તેમનાં ‘શૃંગારસર્વસ્વ’, ‘આનંદરાઘવ’ અને ‘કમલિનીકલહંસ’ વગેરે નાટકો રાજા રઘુનાથના દરબારમાં ભજવાયેલાં. આ બધું તેમને પંડિતરાજ જગન્નાથ અને નીલકંઠ દીક્ષિતના સમકાલીન સિદ્ધ કરે છે.

તેમણે અનેક શાસ્ત્રવિષયક ગ્રંથોની સાથે કાવ્યો અને નાટકો પણ લખ્યાં છે. એમાં ‘ભારતચંપૂ’, ભોજના ‘રામાયણચંપૂ’નો બાકી રહેલો યુદ્ધકાંડ, ‘કંસવધ’, ‘વૃત્તરત્નાવલી’, ‘સાહિત્યસામ્રાજ્ય’, ‘ચિત્રમંજરી’, ‘રામકથા’ વગેરે રચનાઓનો સમાવેશ થાય છે. રામ, કૃષ્ણ અને યુધિષ્ઠિરની વાર્તા એકસાથે કહેતું ‘રાઘવયાદવપાંડવીય’ નામનું કાવ્ય, શંકરાચાર્યના જીવનને વર્ણવતું ‘શંકરાભ્યુદય’, પ્રત્યેક શબ્દમાં શ્લેષવાળું ‘મંજુભાષિણી’ નામનું કાવ્ય અને પોતાના વિદ્વાન કવિપિતા રત્નખેટ શ્રીનિવાસ દીક્ષિત વિશે લખેલું ‘રત્નખેટવિજય’ નામનું યમકવાળું કાવ્ય નોંધપાત્ર વિશિષ્ટતા ધરાવે છે. વળી કાવ્યશાસ્ત્ર વિશે રચેલા ‘કાવ્યદર્પણ’ અને ‘અલંકારચૂડામણિ’ – એ બંને ગ્રંથો તેમને વિવેચક તરીકે કીર્તિ અપાવનારા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી