દિગ્બોઈ : આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23’ ઉ. અ. અને 95° 38’ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે. આ પ્રદેશમાં વર્ષભર ભેજનું સરેરાશ પ્રમાણ 80%- થી વધારે અને વરસાદનું પ્રમાણ 2,000 મિમી.થી વધારે હોય છે. અહીંનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. જેટલું રહે છે. આમ દિગ્બોઈ એકંદરે મોસમી પ્રકારની ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવે છે. તેની આસપાસના પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં જંગલો છવાયેલાં છે.
દિગ્બોઈ અને તેની આસપાસની ધરતીમાં આવેલા તૃતીય જીવયુગના રેતીખડકો(sandstones)ના તળિયેથી ખનિજતેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડારો મળી આવ્યા છે. ભારતનાં સૌથી જૂનાં ખનિજતેલ અને વાયુનાં આ ક્ષેત્રોમાંથી છેલ્લાં 90 વર્ષથી ખનિજતેલ અને કુદરતી વાયુપંચ દ્વારા ક્રૂડ, ખનિજતેલ અને વાયુ મેળવવાની કામગીરી ચાલે છે. આ ઉપરાંત અહીં આસામ ઑઇલ કંપનીની રિફાઇનરીઓ દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું અને ગંધકના તેજાબનું ઉત્પાદન થાય છે. વળી આ શહેરમાં એક મોટી ઇજનેરી કાર્યશાળા (workshop) પણ આવેલી છે. આમ આ શહેરના વિકાસમાં ખનિજ તેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રોએ તથા રિફાઇનરીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે. ઉત્તરોત્તર વધતી જતી વસ્તીની સાથોસાથ આ શહેરમાં અનેક નવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો ઉપરાંત લાકડાં અને ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રિયા કરવાના ઉદ્યોગો તેમજ ગૃહઉદ્યોગો અગત્યના છે.
આ નગર રેલમાર્ગે દિબ્રુગઢ તથા અન્ય નગરો સાથે સંકળાયેલું છે. તે દક્ષિણે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 38થી માર્ઘેરિતા (Margherita) તેમજ ઉત્તરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 37થી દિબ્રુગઢ, દીસપુર અને દેશનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. આ નગરની વસ્તી આશરે 21,736 (2022) છે.
બીજલ પરમાર