દાતે, કેશવરાવ (જ. 24 સપ્ટેમ્બર 1889, આડિવરે, રત્નાગિરિ; અ. 13 સપ્ટેમ્બર 1971, મુંબઈ) : મરાઠી રંગભૂમિના અભિનેતા. પાંચ વર્ષના હતા ત્યારે પિતા ત્ર્યંબકરાવનું અવસાન થયું. માતાનું નામ યેસુબાઈ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ વિપરીત હોવાથી અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી ઉદરનિર્વાહ માટે મુંબઈ આવ્યા અને કમ્પાઉન્ડરની સામાન્ય નોકરી સ્વીકારી. તે અરસામાં જાણીતી મરાઠી નાટ્યસંસ્થા મહારાષ્ટ્ર નાટક મંડળીનાં કેટલાંક નાટકો જોયાં અને પોતાને અભિનેતા થવાની ઇચ્છા જાગી. એક અવૈતનિક નાટ્યસંસ્થાના ‘ઝુંઝારરાવ’ નાટકમાં તેમણે સારજેની ભૂમિકા ભજવી અને ત્યારથી તેમની રંગમંચ અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ. 1907માં મહારાષ્ટ્ર નાટક મંડળીમાં જોડાયા. આ નાટક મંડળીએ 1908માં રજૂ કરેલ વિખ્યાત મરાઠી નાટ્યલેખક કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકર(1872–1948)ના ‘કીચકવધ’ નાટકમાં સ્ત્રીપાત્રની ભૂમિકા ભજવવાનો તેમને મોકો મળ્યો. આ નાટક મંડળીના માલિક ત્ર્યંબકરાવ કારખાનિસ તથા ખાડિલકરને કેશવરાવ પોતાના ગુરુ માનતા હતા. શરૂઆતનાં થોડાંક વર્ષો દરમિયાન સ્ત્રી-ભૂમિકા ભજવ્યા પછી તે નાયકનું પાત્ર ભજવવા લાગ્યા, જેમાંથી કેટલાંક નાટકોએ તેમને પ્રતિષ્ઠા આપી. આવાં નાટકોમાં ‘પ્રેમસંન્યાસ’ (1912), ‘સત્વપરીક્ષા’ (1914), ‘પુણ્યપ્રભાવ’ (1916) અને ‘વિચિત્રલીલા’ નાટકો વિશેષ નોંધપાત્ર છે.
1919માં તેઓ મહારાષ્ટ્ર નાટક મંડળીના ભાગીદાર બન્યા. 1919–29 દરમિયાન તેમણે આ નાટક મંડળીના નેજા હેઠળ જે નાટકોમાં નાયકની ભૂમિકા ભજવી તેમાં ‘બેબંદશાહી’ (1924), ‘ખડાષ્ટક’ (1927) તથા ‘સવતીમત્સર’ (1927) નાટકોએ તેમને લોકપ્રિયતાના શિખર પર પહોંચાડ્યા. 1930–34 દરમિયાન તેમણે સમર્થ નાટક મંડળી તથા નાટ્યમન્વંતર સંસ્થાના આશ્રયે ઘણી ભૂમિકાઓ ભજવી, જેમાંની બે ‘આગ્ય્રાહુન સુટકા’ નાટકમાં ઔરંગઝેબની ભૂમિકા (1930) તથા ‘આંધળ્યાચી શાળા’(1933)માં મનોહરની ભૂમિકા ખૂબ પ્રશંસનીય બની. એક ઉત્કૃષ્ટ અભિનેતા હોવા ઉપરાંત તેઓ એક સારા નાટ્યશિક્ષક પણ હતા.
મરાઠી રંગભૂમિ ઉપરાંત તેમણે મરાઠી અને હિંદી ચલચિત્રોમાં પણ અભિનય કર્યો. મરાઠી ચલચિત્રમાં તેમની ભૂમિકાના સંદર્ભમાં પ્રભાત ફિલ્મ કંપનીના ‘અમૃતમંથન’ (1935), ‘કુંકૂ’ (1937) તથા ‘શેજારી’ (1941) અને વિખ્યાત મરાઠી ચલચિત્રનિર્માતા બાબુરાવ પેન્ટર (1890–1954)ની શાલિની સિનેટોન કંપની દ્વારા નિર્મિત ‘સાવકારી પાશ’(1936)માં તેમણે કરેલો અભિનય નોંધપાત્ર બન્યો. વિખ્યાત ચલચિત્ર-નિર્માતા અને દિગ્દર્શક વી. શાંતારામ (1901–90) દ્વારા નિર્મિત નૃત્ય અને સંગીતસભર ચલચિત્ર ‘ઝનક ઝનક પાયલ બાજે’(1955)માં પણ તેમની ભૂમિકા લોકપ્રિય બની. નોંધપાત્ર ભૂમિકાવાળાં તેમનાં અન્ય ચલચિત્રોમાં ‘દુનિયા ન માને’ (1937), ‘સંત તુલસીદાસ’ (1939), ‘પડોસી’ (1943), ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (1946), ‘દહેજ’ (1950), ‘તૂફાન ઔર દિયા’ (1956), ‘દો આંખેં બારા હાથ’ (1957), ‘નવરંગ’ (1959) અને ‘સ્ત્રી’(1961)નો સમાવેશ થાય છે. 1942–67 દરમિયાન તેમણે રાજકમલ કલામંદિરના સલાહકાર તરીકે સેવાઓ આપી હતી.
પ્રથમ કક્ષાના દિગ્દર્શક તરીકે પણ તેમની ખ્યાતિ હતી. મુંબઈ મરાઠી સાહિત્ય સંઘના ઉપક્રમે 1954માં દિલ્હી ખાતે રજૂ થયેલ ‘ભાઊબંદકી’ નાટકને અખિલ ભારતીય નાટ્યસ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મળ્યું હતું. તેનું તથા મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિવસે 1 મે, 1960ના રોજ શિવનેરી ખાતે રાજકમલ કલામંદિરની નાટ્યશાખા દ્વારા પ્રસ્તુત થયેલ ‘શિવસંભવ’ નાટકનું દિગ્દર્શન તેમણે સંભાળ્યું હતું. રંગમંચના ઉત્કૃષ્ટ અભિનેતા તરીકે તેમને 1964માં સંગીત નાટક અકાદમીએ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કર્યો હતો.
મુંબઈ મરાઠી સાહિત્ય સંઘના આશ્રયે 1946–63 દરમિયાન અનેક વાર રજૂ થયેલ મરાઠી નાટક ‘સવાઈ માધવરાવ યાંચા મૃત્યુ’માં તેમણે કરેલ અભિનયે તેમને મરાઠી રંગભૂમિના ઇતિહાસમાં કાયમી સ્થાન અપાવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે