દવે, સોમનાથ પ્રભાશંકર

March, 2016

દવે, સોમનાથ પ્રભાશંકર (જ. 18 ઑક્ટોબર 1906, રાણપુર; અ. 5 જાન્યુઆરી 1959, મુંબઈ) : ગુજરાતના મજૂર સંગઠન મજૂર મહાજનના ગાંધીવાદી કાર્યકર. વિ. સં. 1963ના બેસતા વર્ષના દિવસે નબળા દેહ સાથે જન્મ. સૌની ચિંતા દૂર કરતાં મોટાબાપા નારણજીએ તેમના વિશે ઊજળી ભવિષ્યવાણી ભાખેલી. તેમનું બાળપણ વિકટ સંજોગોમાં પસાર થયું. માતા મરકીનો ભોગ બન્યાં. આંખોની નબળાઈને કારણે પિતાને 45 વર્ષની વહેલી વયે નિવૃત્તિ લેવી પડી. આર્થિક ભીંસથી ઘરનું ઘર વેચી ભાડે રહેવા જવું પડ્યું. આ પરિસ્થિતિમાં સોમનાથે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં લીધું. કરાંચીમાં માશીને ત્યાં રહી મૅટ્રિક પાસ કરી. બી.એ.નો અભ્યાસ અમદાવાદની કૉલેજમાં કર્યો. અહીં એમનો વાચન અને વક્તૃત્વનો શોખ પોષાયો. દાવર, કોરિયા તથા વેલિંગકર જેવા અધ્યાપકોનો લાભ. શિષ્યવૃત્તિઓની મદદ. 1926માં અંગ્રેજી સાથે બી.એ., 1928માં એલએલ.બી. તે પછી શેઠ અંબાલાલ સારાભાઈના ગૃહપુસ્તકાલયમાં ગ્રંથાલયી. તે કામગીરી તેમના ઘડતરમાં ઉપયોગી નીવડી. ગુજરાતી સામયિકોમાં લેખનકાર્ય શરૂ કરેલું. અભ્યાસ પૂર્ણ થતાં ‘અમદાવાદ સમાચાર’માં પત્રકાર તરીકે જોડાયા. આ પૂર્વે રાણપુરમાં ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી તથા ગુણવંતરાય આચાર્યના સંપર્કમાં આવ્યા હતા. 1930માં મજૂર મહાજન સંઘના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના તંત્રી-વિભાગમાં જોડાયા. ત્યારથી તેમની યશસ્વી શ્રમિકસેવાનો પ્રારંભ.

વકીલાતના અભ્યાસને કારણે શ્રમિકોના પક્ષે રહી શ્રમિક ન્યાયાલય તથા ઔદ્યોગિક ન્યાયાલયમાં જે તે મુકદ્દમાની સચોટ રજૂઆત કરવામાં સફળ. એ કેસોના ચુકાદાઓ એવા મહત્વના હતા કે તે શ્રમિકધારાઓ ઘડવામાં પાછળથી ઉપયોગી થયા હતા. તેમણે અનેક કાર્યકરોને શ્રમિકધારાઓનું પ્રશિક્ષણ આપીને તૈયાર કર્યા. રાજ્યભરમાં મજૂર-સંગઠનોની સ્થાપનામાં તેમનો અગ્રહિસ્સો હતો.

આ વર્ષોમાં દેશભરમાં પ્રસરેલા ગાંધીજીના વિચારોથી સોમનાથભાઈ રંગાયા. 1942ના આંદોલનમાં તેઓ સક્રિય થયા અને કારાવાસ વેઠ્યો. જનસેવાની પ્રવૃત્તિના વિસ્તરણકાર્યના ભાગ રૂપે તેમણે અનેક સાર્વજનિક સંસ્થાઓમાં આગળ પડતો ભાગ લેવા માંડ્યો. અમદાવાદ નગરપાલિકામાં વર્ષો સુધી સભ્ય રહ્યા. ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં શ્રમિક સંઘોના પ્રતિનિધિ તરીકે બેસતા. કૉંગ્રેસની રાષ્ટ્રીય શ્રમિક પાંખ ‘ઇન્ટુક’ની સ્થાપના તથા સંચાલનમાં તેઓ પ્રારંભથી કાર્યશીલ રહ્યા. ઠરાવો, પ્રસ્તાવો, સૂચનાપત્રો, માગણીપત્રો આદિ તૈયાર કરવાનાં મહત્વનાં કાર્યો તેમને ફાળે આવતાં. 1948 અને 1950માં આંતરરાષ્ટ્રીય શ્રમસંગઠનમાં તેમણે ભારતની વાત સ્પષ્ટ રૂપે રજૂ કરી હતી. 1950 અને 1952માં મુંબઈ વિધાનસભામાં અમદાવાદના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. 1952માં રાજ્યસભામાં ચૂંટાવાથી વિધાનસભાના પદનો ત્યાગ કર્યો. 1958માં રાજ્યસભામાં પુન: નિયુક્તિ પામ્યા. આ સમય તેમણે ભવિષ્યનિધિ, નિવૃત્તિવેતન, રાજ્ય આરોગ્ય વીમો અને બોનસ જેવાં ક્ષેત્રોમાં પાયાનું કામ કર્યું.

1958માં આંખ ને શ્વાસની બીમારી છતાં મુંબઈમાં શ્રમિકોના હિતનો એક મહત્ત્વનો કેસ લડી તેમાં વિજય મેળવ્યો, પણ ડાબી આંખ ખોઈ. તે પછી જમણી આંખની શસ્ત્રક્રિયા કરાવવા જતાં પ્રતિકૂળ ઇંજેક્શનને કારણે તેમનું અવસાન થયું.

બાવન વર્ષના ટૂંકા આયુષ્યમાં ‘દવેસાહેબ’ (મજૂરોનું તેમના  માટેનું પ્રિય સંબોધન) મજૂરસેવાનાં જે રચનાત્મક કાર્યો કરી શક્યા તેમાં તેમનાં પત્ની શારદાબહેનનોયે મહત્વનો સાથ કારણભૂત હતો. સ્વાતંત્ર્યસંગ્રામના મહત્વના કાળમાં સમાજસેવાક્ષેત્રના અનેક મહારથીઓ વચ્ચે રહીને સોમનાથભાઈએ મજૂરકલ્યાણનું એવું ઉમદા કાર્ય કર્યું કે અમદાવાદના મજૂર સમુદાય ઉપરાંત અનસૂયાબહેન સારાભાઈ સહિત અનેક અગ્રણીઓના તેઓ પ્રેમ અને આદરને પાત્ર બન્યા.

બંસીધર શુક્લ