દત્ત, વિજય (જ. 4 ફેબ્રુઆરી 1933, બાન્દ્રા, મુંબઈ; અ. 10 જાન્યુઆરી 1996, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના તથા હિંદી ચલચિત્રોના કલાકાર. મૂળ નામ વિજય ભટ્ટ. ‘શમા’ ફિલ્મમાં ‘વિજય દત્ત’ ના નામે ભૂમિકા ભજવી ત્યારથી તે નામે પ્રસિદ્ધ. પ્રારંભિક શિક્ષણ અંધેરી પબ્લિક સ્કૂલમાં. 8મા ધોરણથી બોરડી રેસિડેન્શિયલ સ્કૂલમાં. વચ્ચે દાદરની સેન્ટ જૉસેફ સ્કૂલમાં પણ બે વર્ષ ભણ્યા. ભવન્સ કૉલેજ અને પછી ગવર્નમેન્ટ લૉ કૉલેજના વિદ્યાર્થી.

એકાંકી નાટકોમાં આંતરકૉલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લેતા વિજય દત્તને શ્રી ચંદ્રવદન ભટ્ટે 1954માં અભિનયક્ષેત્રે પ્રથમ પારિતોષિક મેળવતાં પોતાના ત્રિઅંકી નાટક ‘અમલદાર’માં પ્રથમ વાર પેશ કર્યા અને એ સાથે તેમણે વ્યાવસાયિક રંગભૂમિ પર પદાર્પણ કર્યું. 1955થી 1962 દરમિયાન આઇ.એન.ટી. દ્વારા રજૂ થયેલાં નાટકો ‘વારસદાર’, ‘મંગલમંંદિર’, ‘સ્નેહનાં ઝેર’, ‘સંભાવિત સુંદરલાલ’,‘ વૈજયંતી’, ‘ભારેલો અગ્નિ’, ‘ગુનેગાર’, ‘મસ્તરામ’, ‘મીન પિયાસી’ વગેરેમાં ઉત્કૃષ્ટ ભૂમિકાઓ ભજવી તથા રાજ્ય સરકાર આયોજિત નાટ્યસ્પર્ધામાં ઉત્તમ નટ તરીકેનાં ઇનામો મેળવ્યાં. આ ગાળા દરમિયાન તેમણે ચંદ્રવદન ભટ્ટનાં અન્ય નાટકો ‘લગ્નની બેડી’, ‘સુંદરવન’, ‘મનુની માસી’, ‘છૂટાછેડા’, ‘દીદી’ (સંજીવકુમાર સાથે), ‘અભિનેત્રી’ અને ‘ફિલસૂફ’ (કાનન કૌશલ સાથે) વગેરેમાં પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી.

1963માં તેમણે જયશંકર ‘સુંદરી’ના નિર્દેશન હેઠળ ‘મધુબંસરી’ નામના જૂની રંગભૂમિના નાટકમાં ભૂમિકા ભજવી ગાયન ગાયું અને વન્સમોર લીધો. 1964માં સોહરાબ મોદી અને સંજીવકુમાર સાથે ‘ન્યાયના પંથે’ અને ‘મારે જુદા થવું છે’ નાટકોમાં ભૂમિકા ભજવી. 1965માં ‘પુનિતગંગા’ અને ‘સૌભાગ્યકંકણ’ નાટકોનું સ્વતંત્ર નિર્દેશન કરી દિગ્દર્શનક્ષેત્રે ઝંપલાવ્યું. એ જ વર્ષે પોતાની નિર્માણસંસ્થા ‘રંગમોહિની’ સ્થાપી નિર્માતા-દિગ્દર્શક તરીકે ‘સૉરી રૉન્ગ નંબર’ નાટક રજૂ કર્યું અને 1966માં શતપ્રયોગી અને સીમાચિહ્નરૂપ નાટક ‘એક જ દે ચિનગારી’ ભજવ્યું. 1967માં પોતાની સંસ્થા તરફથી કાન્તિ મડિયાના નિર્દેશનમાં ‘એકલો જાને રે’ નાટક રજૂ કર્યું. એ જ વર્ષે નાટ્યસંપદા દ્વારા કાન્તિ મડિયાના નિર્દેશનમાં રજૂ થયેલ નાટક ‘આતમને ઓઝલમાં રાખ મા’માં પ્રિન્સિપાલ વિદ્યાસાગરની અવિસ્મરણીય ભૂમિકા ભજવી. એ જ નાટકમાં તેઓ લાલુ શાહના નિકટના સંપર્કમાં આવ્યા અને બંનેએ ભેગા મળી 1968માં ‘બહુરૂપી’ સંસ્થા સ્થાપી, તે પછીનાં સાત વર્ષના ગાળામાં ‘અભિષેક’, ‘ધરમની પત્ની’, ‘અનુરાગ’, ‘અનુકંપા’, ‘અભિલાષા’, ‘એકરાર’, ‘ચગડોળ’, ‘મૂછાળાની મઢૂલી’ અને ‘ધૂપછાંવ’ જેવાં એક એકથી ચઢિયાતાં નાટકો રંગભૂમિને આપ્યાં. 1973માં ‘ચગડોળ’, ‘ધરમની પત્ની’ અને ‘ધૂપછાંવ’ સાથે આફ્રિકાનો પ્રવાસ કર્યોં. પાછા આવી ‘બહુરૂપી’ના નેજા હેઠળ ‘કેવડાના ડંખ’, ‘વિસામો’ અને નવોદિતોને લઈને ‘વાયદાના ફાયદા’, ‘ગમતાને ગજવામાં રાખ મા’, ‘પતિને પરણાવતી સતી’ વગેરે નાટકો રજૂ કર્યાં.

1975માં પોતાની આગવી સંસ્થા ‘આરાધના’ સ્થાપી પ્રાગજી ડોસાનું શતપ્રયોગી રહસ્યરંગી નાટક ‘આગંતુક’ ભજવ્યું  અને ‘77માં અમેરિકા-કૅનેડાના પ્રવાસે ગયા. ત્યાંથી આવી યાદગાર સર્જન ‘અમાનુષ’ ભજવ્યું. તેની સફળતા બાદ ‘સુંવાળો સાપ’, ‘આરાધના’, ‘આતમને ઓઝલમાં રાખ મા’ અને ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ની રજૂઆત કરી. ‘શમણાં તો પંખીની જાત’માં તેમનો અભિનય વખણાયો.

ગુજરાત સરકાર તેમજ મહારાષ્ટ્ર સરકારની વિવિધ અકાદમીઓ દ્વારા તથા અનેક વિશ્વવિદ્યાલયો દ્વારા આયોજિત નાટ્યશિબિરોનું સંચાલન પણ તેમણે કર્યું, અને બાહ્ય પરીક્ષક તરીકે તથા નિર્ણાયક તરીકે સેવાઓ આપી.

અભિનય, દિગ્દર્શન, નિર્માણ તથા લેખનમાં સહૃદયતાથી પ્રાણ પૂરી જાણનાર અને ‘ચમકતો ચહેરો ને રણકતો અવાજ’ના સ્વામી એવા વિજય દત્તે 200થી વધુ રેડિયો-નાટકોમાં તેમજ કુશળ ડબિંગ આર્ટિસ્ટ તરીકે અનેક હિન્દી ફિલ્મોમાં તથા સત્યજિત રેની બંગાળી ફિલ્મો સહિત અનેક ભારતીય ભાષાઓની ફિલ્મોમાં અને રશિયન ફિલ્મોમાં પોતાનો સ્વર આપવા ઉપરાંત 75 જેટલાં ટીવી નાટકો અને શ્રેણીમાં ઉત્કૃષ્ટ ભૂમિકાઓ ભજવી. ફિલ્મોમાં 30 જેટલાં વર્ષો સુધી અભિનય આપી ચૂકેલા વિજય દત્ત હિન્દી ફિલ્મમાં સુરૈયા અને નિમ્મી સાથે (‘શમા’) તો વળી નિરૂપા રૉય અને મનોજકુમાર સાથે (માં-બેટા) પણ ચમકેલા. ‘પૂજારિન’, ‘હનીમૂન’, ‘બનારસી ઠગ’, ‘ઈદ કા ચાંદ’, ‘સંત તુલસીદાસ’, ‘જૂઠા કહીં કા’ વગેરે હિંદી ફિલ્મો ઉપરાંત ‘હીરો સલાટ’, ‘ઘરદીવડી’, ‘મળેલા જીવ’, ‘મોટી બા’, ‘લાખેણી લાજ’ વગેરે ગુજરાતી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવેલી છે. ગુજરાતી ફિલ્મ ‘સોરઠની પદમણી’નું દિગ્દર્શન પણ કરેલું અને ‘મોટી બા’ માટે ગુજરાત રાજ્યનો પુરસ્કાર પ્રાપ્ત કરેલો. પોતાના વ્હાલસોયા પુત્રની સ્મૃતિમાં પરાગ દત્ત, પોતાના પુત્રવધૂ તેમજ પૌત્રના કનિષ્ક વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક નિધન પછી રંગમંચ ક્ષેત્રેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ, સદગત પુત્રની સ્મૃતિમાં ‘પરાગ દત્ત નાટ્ય એકૅડેમી’ની સ્થાપના કરી અને નવોદિતોને તલસ્પર્શી તાલીમ આપવામાં જાતને સમર્પી દીધી. હિન્દી ગુજરાતી ઉપરાંત મરાઠી, રાજસ્થાની, ભોજપુરી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કરેલો.

મહેશ ચંપકલાલ શાહ