આનંદ (ચલચિત્ર) : જિંદગીનો અંત નિકટ હોવાનું જાણવા છતાં પણ જે સમય બાકી છે તે ભરપૂર આનંદથી જીવી લેવા મથતા એક યુવકની હૃદયસ્પર્શી કથા નિરૂપતું હિંદી ચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માણ-સંસ્થા : રૂપમ્ ચિત્ર; પટકથા : હૃષીકેશ મુખરજી, ગુલઝાર, ડી. એન. મુખરજી; દિગ્દર્શન : હૃષીકેશ મુખરજી; સંવાદ : ગુલઝાર; ગીતકાર : ગુલઝાર, યોગેશ; છબિકલા : જયવંત પઠારે; સંગીત : સલીલ ચૌધરી; મુખ્ય ભૂમિકા : રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રમેશ દેવ, સીમા દેવ, સુમિતા સાન્યાલ, લલિતા પવાર, દુર્ગા ખોટે, જૉની વૉકર, દારાસિંઘ.
આંતરડાના કૅન્સરની અસાધ્ય બીમારીની પરવા કર્યા વિના માત્ર છ જ મહિનાની જિંદગીને ભરપૂર આનંદથી જીવી જઈને ભલે થોડા સમય પૂરતો પણ મોત પર વિજય મેળવતો યુવાન આનંદ આ ચિત્રના કેન્દ્રસ્થાને છે. આનંદની સારવાર દરમિયાન તેની અતિ નિકટ આવી ગયેલા ડૉ. ભાસ્કર બૅનરજીએ આ અનુભવ પર લખેલા પુસ્તકને પારિતોષિક મળે છે; તેના સમારંભમાં ફ્લૅશબૅક રૂપે ચિત્રની કથા શરૂ થાય છે.
દિગ્દર્શક હૃષીકેશ મુખરજીએ અતિ નાજુક અને સંવેદનશીલ વિષયની હૃદયસ્પર્શી રજૂઆત કરી છે. ડૉ. બૅનરજીને ‘બાબુમોશાય’ તરીકે સંબોધતો આનંદ દરેક અજાણ્યા માણસને ‘મુરારિલાલ’ કહીને તેને મિત્ર બનાવવા ઇચ્છે છે. પોતાની નિકટ આવી ગયેલા ડૉ. બૅનરજી અને તેમની પ્રેમિકા રેણુ વચ્ચે તે જ પ્રેમનો એકરાર કરાવે છે. દરેકને પોતાનું કરી લેવાની ગજબની આવડત આનંદમાં છે. બહારથી હસતો અને હસાવતો દેખાતો આનંદ અંદરથી દુ:ખી છે; પણ એ દુ:ખ પોતાની અસાધ્ય બીમારીનું કે પોતાની ટૂંકી જિંદગીનું નથી; એ દુ:ખ દિલ્હીમાં પોતે છોડીને આવેલા પ્રેમનું છે, પણ પોતાની આ પીડા તે બીજા સુધી પહોંચવા દેતો નથી. અંતે નાયકનું મોત થવું એ સામાન્યપણે હિંદી ચિત્રોમાં બનતું નથી; પણ આ ચિત્રમાં એવું બને છે અને દર્શકો પણ પહેલેથી એ જાણતા હોવા છતાં પણ એ ચિત્રને વારંવાર જોવા પ્રેરાય તેવું એ છે અને એ તેની મોટી સફળતા છે. ટેપરેકૉર્ડરમાં પહેલાં ડૉ. ભાસ્કરે પઠન કરેલી કવિતા ‘મૌત, તૂ એક કવિતા હૈ…’ અને પછી આનંદ બોલેલો તે નાટકનો એક સંવાદ ‘જિંદગી ઔર મૌત તો ઊપરવાલે કે હાથ મેં હૈ, જહાંપનાહ…’નો ઉપયોગ અંતે આનંદના મોત પછી દિગ્દર્શકે ખૂબ જ સૂઝપૂર્વક પ્રતીકાત્મક રીતે કર્યો છે. તેને કારણે આ દૃશ્ય હિંદી ચિત્રોમાં જોવા મળતાં મૃત્યુનાં દૃશ્યોમાં નોંધપાત્ર બની રહ્યું છે.
‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’ અને ‘જિંદગી કૈસી હૈ પહેલી હાયે…’ ગીતો અર્થપૂર્ણ હોવાની સાથોસાથ કર્ણપ્રિય પણ છે. રાજેશ ખન્નાને એક ઊંચા દરજ્જાનો અભિનેતા સ્થાપિત કરવામાં આ ચિત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. અમિતાભ બચ્ચનની કારકિર્દી પણ આ ચિત્ર વખતે હજી શરૂ જ થઈ હતી. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ અભિનેતા (રાજેશ ખન્ના), શ્રેષ્ઠ સહાયક અભિનેતા (અમિતાભ બચ્ચન), શ્રેષ્ઠ કથા(હૃષીકેશ મુખરજી)ના ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા.
હરસુખ થાનકી