થર્નવાલ્ડ રિચાર્ડ (જ. 18 સપ્ટેમ્બર 1869, વિયેના; અ. 19 જાન્યુઆરી 1954, બર્લિન) : જર્મનીના વિદ્વાન માનવશાસ્ત્રી. તેઓ તેમના સામાજિક સંસ્થાઓના તુલનાત્મક અભ્યાસ માટે જાણીતા છે.
સમાજમાનવશાસ્ત્ર વિશેના તેમના સમૃદ્ધ વિચારો ક્ષેત્રકાર્ય દ્વારા કરેલા વિવિધ સમુદાયો વિશેના અભ્યાસોની ફલશ્રુતિ છે. તેમણે સોલોમન ટાપુઓ અને માઇક્રોનેશિયાના અભ્યાસો 1906થી 1909 તથા 1932માં કર્યા હતા. ન્યૂ ગિયાનાનો અભ્યાસ 1912થી 1915 દરમિયાન કર્યો હતો. પૂર્વ આફ્રિકાનો અભ્યાસ 1930માં કર્યો હતો. આ અગાઉ તેમણે બાનારો સમાજનો પ્રજાતિશાસ્ત્રીય અભ્યાસ 1916માં કર્યો હતો. તેમનો આ અભ્યાસ ન્યૂ ગિયાનાના આદિવાસી સમાજના સગાઈ-સંબંધો અને સામાજિક સંગઠન વિશે હતો. તેઓ કેટલીક સુપ્રસિદ્ધ યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા હતા. તેમણે 1924માં બર્લિન યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ તરીકે કાર્ય કર્યું હતું. ત્યાં તેઓ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વિષય ભણાવતા હતા. ઈ. સ. 1925થી તેમણે ઘણાં વર્ષો સુધી તંત્રી તરીકે ‘જર્નલ ઑવ્ પૉપ્યુલર સાઇકૉલૉજી ઍન્ડ સોશિયૉલૉજી’ નામના જર્મન ભાષામાં પ્રકાશિત થતા સામયિકનું સંપાદનકાર્ય કર્યું હતું. આ જર્નલનું પાછળથી નામ ‘સોશિયૉલૉગસ’ પડેલું. તેમણે ‘જર્નલ્સ ઑવ્ ઍન્થ્રપૉલૉજી ઍન્ડ કમ્પૅરેટિવ લૉ’નું પણ સંપાદનકાર્ય કર્યું હતું.
થર્નવાલ્ડ ઉપર જર્મન મનોવૈજ્ઞાનિક વિલ્હેમ વુન્ટ અને ફ્રેન્ચ માનવશાસ્ત્રી લુશિયન લેવી બ્રુહલના વિચારોની સારી એવી અસર પડી હતી. તેના કારણે તેમણે સમાજમાનવશાસ્ત્રના અસરકારક વિચારોનો ત્યાગ કર્યો અને જર્મન સમાજમાનવશાસ્ત્રની મુખ્ય બાબતોને સાંકળી લીધી. તેઓ માનતા હતા કે પ્રત્યેક સંસ્થાનાં જરૂરી કાર્યોને જાણવાં અને સમજવાં જરૂરી છે; જેથી વિભિન્ન સમાજની સામાજિક સંસ્થાઓની તુલના કરી શકાય અને તેમનાં કાર્યો તથા તફાવતોને જાણી શકાય. ઐતિહાસિક વિકાસની ક્રમબદ્ધતા સ્થાપવા માટે તેમણે પ્રકાર્યાત્મક સામાજિક સંરચનાની તુલના બનાવી હતી.
થર્નવાલ્ડે સામાજિક સંરચનાને ટૅક્નૉલૉજી અને અર્થવ્યવસ્થાના આંતરસંબંધો દ્વારા સમજાવી છે. તેમની એક બહુ જ ફળદાયી વિભાવના શ્રેષ્ઠ સ્તરીકરણની છે, જે પરિવર્તન સાથે સંબંધિત છે. તેના પરિણામે સમાજના નીચલા સ્તરમાંથી નવા જૂથની રચના થાય છે. આ ખ્યાલ તેમને સામંતશાહી અભ્યાસ તરફ લઈ ગયો. એમણે રાજાશાહીનો વિકાસ, નગરો અને રાજ્યોના વિસ્તરણ તરફ તથા પશ્ચિમની સંસ્થાઓના અભ્યાસને 18મી અને 19મી સદી સાથે સાંકળ્યો છે.
તેમનાં લેખનકાર્યોમાં ‘હ્યુમન સોસાયટી ઇન ઇટ્સ ઇથ્નૉસોશિયૉલૉજિકલ ફાઉન્ડેશન, ઇકૉનૉમિક્સ ઇન પ્રિમિટિવ કૉમ્યુનિટીઝ ઇન ઈસ્ટ આફ્રિકા (1935)’, ‘સ્ટ્રક્ચર ઍન્ડ મીનિંગ ઑવ્ પૉપ્યુલર નૉલેજ’ – 5 Vols (1931–35)નો સમાવેશ થાય છે.
થર્નવાલ્ડનું મોટાભાગનું પ્રદાન અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક આદાનપ્રદાન તથા મલેશિયન તેમજ આફ્રિકાના પ્રજાતિશાસ્ત્ર વિશે છે. તેમણે તેમના વિશ્લેષણમાં સાંસ્કૃતિક ગુણ અને પ્રકાર્યાત્મક અભિગમનો ઉપયોગ કર્યો છે. તેમણે આદિવાસી અર્થવ્યવસ્થાનું વિસ્તૃત વર્ગીકરણ આપ્યું છે. આ વર્ગીકરણ કોઈ વિકાસવાદી યોજના કે આર્થિક વ્યવસ્થાના સ્તર પર પ્રકાશ પાડતું નથી. તેમણે માત્ર આદિમ જાતિઓની અર્થવ્યવસ્થાનું વર્ગીકરણ કર્યું છે. જેમાં તેમણે સ્તરરચનાને ધ્યાનમાં રાખી છે. તેમણે આપેલા આ પ્રકારના વર્ગીકરણમાં શિકાર, પશુપાલન અને કૃષક-સમુદાયોનો સમાવેશ થાય છે.
તેમણે સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
હર્ષિદા દવે