આન [હિંદી ચલચિત્ર (1952)] : આ સિનેકૃતિ ટૅકનિકલ કારણોસર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, અને એક સીમાચિહનરૂપ લેખાય છે. ‘ઔરત’ અને ‘અંદાઝ’ જેવાં ઉત્તમ કથા-ચલચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર સર્જક મહેબૂબખાન દ્વારા આ કૃતિનું નિર્માણ થયું હતું. ભારત ખાતે ત્યારે શ્વેત અને શ્યામ ફિલ્મોનો જમાનો હતો. રંગીન ફિલ્મોનું નિર્માણ તે સમયે ભારત માટે ખર્ચાળ હોવાથી પરવડી શકે તેમ નહોતું, છતાં મહેબૂબખાન તેમની કૃતિ ‘આન’ને રંગોમાં સર્જવા માગતા હતા. તે માટે તેમણે ટૅકનિકલ દૃષ્ટિએ એક નવો જ અભિગમ અપનાવ્યો. વિદેશથી આયાત થતી 35 મિમી. કલર નૅગેટિવની અતિ મોંઘી કાચી ફિલ્મ ઉપયોગમાં નહિ લેતાં પ્રમાણમાં સસ્તી એવી 16 મિમી. ગેવાકલર નૅગેટિવથી ‘આન’નું ફિલ્માંકન કર્યું અને કરકસરની નીતિ અપનાવી. ત્યારબાદ તેની વિસ્તૃતીકરણની (blow-up) અને રાસાયણિક પ્રક્રિયા માટે ફિલ્માંકન થયેલ આ નૅગેટિવને લંડન મોકલી. તેની 35 મિમી. ટૅકનિકલર પ્રિન્ટો કઢાવીને ભારત ખાતે ફિલ્મની રજૂઆત કરી. આમ 16 મિમી.માં ‘આન’ કૃતિનું ફિલ્માંકન કરીને ટૅકનિકલ ગુણવત્તા જાળવી 35 મિમી.માં આવી સિનેકૃતિ રજૂ કરનાર મહેબૂબખાન ભારતના પ્રથમ સિનેસર્જક ગણાય. જોકે 1949માં ભવાનીએ ‘અજિત’ની કેટલીક ટૅકનિકલર પ્રિન્ટો કઢાવી હતી. 1953માં સોહરાબ મોદીએ પહેલું સંપૂર્ણ ટૅકનિકલર પદ્ધતિનું રંગીન ચિત્ર ‘ઝાંસી કી રાની’ ઉતાર્યું. તેમાં અભિનય દિલીપકુમાર, પ્રેમનાથ, નાદિરા અને નિમ્મી જેવાં તત્કાલીન લોકપ્રિય અભિનેતા-અભિનેત્રીઓનો છે. વ્યાવસાયિક રીતે આ ફિલ્મ સફળ નીવડી હતી. ભારતના રાષ્ટ્રીય ફિલ્મસંગ્રહાલયમાં આ કૃતિ છે.
ઉષાકાન્ત મહેતા