ત્રિવેણી : વિવિધ લલિત અને મંચનકલાઓના સર્વાંગી ઉત્કર્ષના ધ્યેયને વરેલી વડોદરાની અગ્રગણ્ય કલાસંસ્થા. સ્થાનિક કલાકારોને કલાપ્રદર્શન અને અભિવ્યક્તિની તક અને સાધનો પૂરાં પાડવાના આશયથી ઑગસ્ટ, 1960માં સ્થાપના. પ્રા. માર્કન્ડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ, નટુભાઈ પટેલ, સૂર્યબાળા પટેલ, હરીશ પટેલ, પ્રદ્યુમ્ન ભટ્ટ, કુંજ પટ્ટણી, ગુલામનબી શેખ, પ્રતિભા પંડિત, હરકાન્ત શુક્લ જેવા કલાકારો; રમણભાઈ અમીન, ધીરજબહેન અમીન, નાનુભાઈ અમીન, સવિતાબહેન અમીન જેવા ઉદ્યોગપતિઓ; ડૉ. કુલશ્રેષ્ઠ, ડૉ. ક્ષત્રિય, નિરૂભાઈ દેસાઈ, ભૂતપૂર્વ કુલપતિ ડૉ. સી.એસ. પટેલ જેવા અગ્રણીઓ ત્રિવેણીના સ્થાપક સભ્યો. સ્વચ્છ, હેતુલક્ષી અને પ્રયોગાત્મક નાટકોનું મંચન, નવરાત્રિ સમયે પ્રાચીન અને અર્વાચીન ગરબાઓના મહોત્સવનું આયોજન તથા વિશ્વરંગભૂમિ દિને વિવિધ ક્ષેત્રના કલાકારોનું સન્માન એ મુખ્ય પ્રવૃત્તિઓ. પ્રા. માર્કન્ડ ભટ્ટ દિગ્દર્શિત ‘ઘટા ઘીરી ઘીરી આઈ’, ‘મુક્ત ધરા’, ‘વસુંધરાનાં વહાલાં દવલાં’, ‘કાંચન રંગ’, ‘ફિન્ગર પ્રિન્ટ’, ‘શેતલના કાંઠે’, ‘ગગને મેઘ છવાયો’, ‘આવી નહોતી જાણી’, ‘ધરા ગુર્જરી’, ‘વલ્લભપુરની દંતકથા’, ‘નવાં ક્લેવર ધરો હંસલા’, ‘જનની જન્મભૂમિ’, ‘હો હોલિકા’, ‘અંગારા નહીં હોલવાય’; ગુલામનબી શેખ દિગ્દર્શિત ‘આવ્યા એવા ગયા’, નટુભાઈ પટેલ દિગ્દર્શિત ‘પૂનમની રાત’, યશવંત કેળકર દિગ્દર્શિત ‘બાર લાખ બ્યાશી હજાર ધુડૂમ’, ભૂપેશ શાહ દિગ્દર્શિત ‘મારી વાત તમારી વાત’, જગદીશ ભટ્ટ દિગ્દર્શિત ‘ઇચ્છા મારી પૂરી કરો’, મહેશ ચંપકલાલ દિગ્દર્શિત ‘ગ્રહણ’ તથા પી.એસ. ચારી દિગ્દર્શિત ‘રાઈનો દર્પણરાય’, ‘મોક્ષ’, ‘માલાદેવી’, ‘પરખ’, ‘સ્નેહાધીન અને સિકંદર સાની’ જાણીતાં નાટકો; જેમના ગુજરાત અને ગુજરાત બહાર અનેક પ્રયોગો ત્રિવેણીના ઉપક્રમે થઈ ચૂક્યા છે. સ્વનિર્મિત નાટકોના મંચન ઉપરાંત આઇએનટી, રંગભૂમિ, નટમંડળ, દર્પણ, ઇન્ટીમેટ જેવી નાટ્યસંસ્થાઓ તથા મ્યુઝિક કૉલેજનાં નાટકોના મહોત્સવ પણ યોજ્યા છે. 1964–65માં શહીદ દિન નિમિત્તે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસને આવરી લેતા કાર્યક્રમનું આયોજન ત્રિવેણીએ કરેલું. 1965માં અમદાવાદ ખાતે મેઘાણી જયંતીની ઊજવણી કરી. દશાબ્દી નિમિત્તે 1970માં ભારતીય લોકનૃત્યોના મહોત્સવનું આયોજન કર્યું. બ્રીજભૂષણ કાબરા, શિવકુમાર શર્મા, ઝાકિર હુસેન, દુલા કાગ, મિતાલી મુખરજી, પરેશ ભટ્ટ, નસરીન બાનુ જેવાં ખ્યાતનામ કલાકારોને પહેલી વાર વડોદરાના આંગણે રજૂ કર્યા. ઝવેરી બહેનોનું મણિપુરી નૃત્ય; સંયુક્તા પાણિગ્રહીનું ઓડિસી નૃત્ય; રોશનકુમારીનું કથક નૃત્ય; શ્રુતિ – અમદાવાદના સુગમસંગીતનો કાર્યક્રમ તેમજ નૃત્યભારતી અમદાવાદ; ઘોઘા સર્કલ – ભાવનગર; મધુર જ્યોતિ – વડોદરા; ત્રિપુટી રાસમંડળ – રાજકોટ; આર્ય કન્યા વિદ્યાલય – વડોદરા દ્વારા રજૂ થતા વિખ્યાત રાસગરબા તથા દક્ષિણ ગુજરાતનાં આદિવાસી નૃત્યો, ઉત્તર ગુજરાતનાં ડુંગરી ગરાસિયા નૃત્યો – સૌરાષ્ટ્રનાં હૂડો, ટિટોડો, ટીપણી જેવાં પારંપારિક નૃત્યોનું સફળ આયોજન કર્યું. 1965થી 1995 સુધીના 30 વર્ષના ગાળામાં વિશ્વરંગ ભૂમિદિન નિમિત્તે 150 જેટલા કલાકારોનું આ સંસ્થા તરફથી જાહેર સન્માન થયેલું છે.
મહેશ ચંપકલાલ શાહ