તેતર (partridge) : સીમમાં અને ખાસ કરીને ખેતરમાં દેખાતું અને સામાન્યપણે શિકારના પક્ષી તરીકે ઓળખાતું જાણીતું પક્ષી. શિકારનાં પક્ષીઓ ગૅલીફૉર્નિસ શ્રેણીનાં હોય છે. તેતરનો સમાવેશ આ શ્રેણીના ફૅસિનીડે કુળમાં થાય છે. કદમાં તેતર કબૂતર કરતાં સહેજ નાનું હોય છે. તેની લંબાઈ આશરે 33 સેમી. જેટલી થાય છે.

ભારતના લગભગ બધા વિસ્તારોમાં જોવા મળતા આ પક્ષીના સહસભ્યો એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં પણ છે. તેતરનાં નર અને માદા લગભગ સમાન કદનાં હોય છે. તેનો શરીરનો બાંધો મજબૂત અને સુવિકસિત હોય છે. તેની ચાંચ ટૂંકી પરંતુ મજબૂત હોય છે. ઉડ્ડયનની ર્દષ્ટિએ નિર્બળ જણાતું તેતર, મુખ્યત્વે જમીન પરનું પક્ષી ગણાય છે. દોડવામાં તે ખૂબ પાવરધું હોવાથી રક્ષણ માટે પોતાની પાંખ કરતાં પગ ઉપર વધારે વિશ્વાસ રાખે છે. તેતરની આંગળીઓ નહોરવાળી હોય છે. અને જમીન ઉપર જીવન ગુજારતું હોવા છતાં રાત્રિવાસ માટે તે વૃક્ષ ઉપર ચઢી જાય છે.

આ પક્ષીને અનાજનાં ખેતરોમાં ટોળા-સ્વરૂપે ફરવું ગમે છે. આ ટોળામાં નર, માદા અને બચ્ચાં એકસાથે વિચરે છે. પગની આંગળીઓ નહોરયુક્ત હોય છે. તેથી ખોરાકના ગ્રહણમાં તે ચાંચ કરતાં પગનો ઉપયોગ વધારે કરે છે. તેના ખોરાકમાં મુખ્યત્વે ફળ, બીજ, કીટકો અને કૃમિઓનો સમાવેશ થાય છે. નહોરની મદદથી તે જમીન ખોતરે છે અને ધૂળ-સ્નાન પણ કરે છે. તેના પાચનમાર્ગમાં આવેલું અન્ન સંગ્રહાશય મોટા કદનું હોવાથી તેતર એકીસાથે ઘણું ખાઈ શકે છે. આથી જ કહેવત પડી છે કે ‘‘નાનું એવું તેતરડું, ખાય આખું ખેતરડું.’’ તેતરની પાંખો ગોળાકાર, ટૂંકી અને અલ્પવિકસિત જણાય છે. સ્વરતંત્રની સરળ રચના ધરાવતું હોવાથી, તે મધુર ગાયન ગાઈ શકતું નથી.

તેતર

તેતર સામાન્ય રીતે શીત ઋતુમાં સલામત સ્થળ પસંદ કરી, માળો બાંધે છે. પ્રજનનકાળ દરમિયાન માદાને આકર્ષવા માટે, પૂરી તાકાતથી, નર અવાજ કરે છે. એનો આ અવાજ ‘કીક્ કીરીરીરી, કીક્  કીરીરીરી’ તેવો સંભળાય છે. માદા માળામાં તે એકસાથે 6થી 9 ઝાંખા સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બહાર નીકળતાં બચ્ચાં, જન્મતાંની સાથે દોડી શકે છે. તેતરનો સ્વભાવ મિલનસાર હોવાથી અત્યંત  સાહજિકતાથી મનુષ્ય સાથે ભળી જાય છે. કૂતરાની માફક જો તેને પાળવામાં આવે તો તેના માલિકની પાછળ ગમે તેવા જંગલમાં પણ તે સાથે ફરે છે અને વિકટ પરિસ્થિતિમાં પણ તે ભાગી જતું નથી. આમ પંખીજગતમાં અત્યંત વફાદાર પક્ષી તરીકે તેતરની ગણના થાય છે.

તેતરનું માંસ અત્યંત સ્વાદિષ્ટ હોવાથી ઇંગ્લૅન્ડના લોકો તેનું ઘણું જતન કરતા હતા. અલબત્ત, વધુ શિકાર થવાને પરિણામે તેની વસ્તી દિન-પ્રતિદિન ઘટતી રહી છે.

આ પક્ષીનો લડાયક મિજાજ પણ જોવા જેવો હોય છે. ઘણા લોકો તેતરની લડાઈ જોવાનો રસ ધરાવે છે. પહેલાંના જમાનામાં તે એક અત્યંત લોકપ્રિય મનોરંજન ગણાતું. આ પક્ષીની ધ્યાન ખેંચે તેવી ખાસિયત એ છે કે તે પાણી પીધા વગર લાંબો સમય રહી શકે છે.

તેતરની ત્રણ જાતિઓ ભારતમાં સામાન્ય છે :

(1) ચિત્રાંગ અથવા તલિયા તેતર (the painted partridge) : તેતરની આ જાતિ દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે જોવા મળે છે. તેનું વૈજ્ઞાનિક નામ Francolinus pictus pallidus છે. તેનું શીર્ષ અને ગરદન, રાતાં કથ્થાઈ રંગનાં હોય છે, જેના પર કાળી લીટીઓ આવેલી હોય છે. પાંખો કથ્થાઈ લીટીવાળી અને પીઠ રાખોડી રંગની હોય છે. વક્ષ બાજુનો રંગ સફેદ હોય છે. તેના પર કાળાં ટપકાં અનેરી ભાત ઊભી કરે છે. આથી તેને તલિયા તેતર તરીકે ઓળખવામાં આવે છે.

(2) કાળાં તેતર (the Indian black partridge) : તેતરની આ જાતિ ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળે છે. તેનું વૈજ્ઞાનિક નામ F. francolinus henria છે. આ પક્ષીમાં પેટ કાળા રંગનું, માથું રતાશ પડતું કથ્થાઈ, પીઠ ઘેરા પીળા રંગની, ચાંચ કાળી કિનારીવાળી, પૂંછડી અને પગ કાળા રંગનાં હોવાથી તેને કાળાં તેતર કહે છે. આ તેતરનો અવાજ, તલિયા તેતર જેવો  જ હોય છે; પરંતુ તેના અવાજમાં તીક્ષ્ણતા વધુ હોય છે. તે સપાટ પ્રદેશને બદલે ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વસે છે. ગુજરાતમાં ડીસા અને કચ્છમાં તે જોવા મળે છે. ભાવનગરની સીમમાં તેને વસાવવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

(3) ખડિયા તેતર (the grey partridge) : સમગ્ર ભારતમાં જોવા મળતું આ પક્ષી તેતર તરીકે ઓળખાય છે. ગુજરાતમાં તેને દરેક સ્થળે જોઈ શકાય છે. તેનું વૈજ્ઞાનિક નામ F. pondicerianus inter positus છે. તેની પીઠનો રંગ આછો રતાશ પડતો કથ્થાઈ છે, જેમાં આછા રંગની આડી લીટીઓ હોય છે. માથું રાખોડી રંગનું અને છાતી તથા પેટ પણ રાખોડી રંગનાં અને આડી કથ્થાઈ લીટીઓવાળાં હોય છે. તેતરની આ જાતને ખોરાકમાં ઊધઈ ખૂબ પસંદ પડે છે. વનસ્પતિની કૂંપળો અને મંકોડા પણ તે ખાય છે. માદા વર્ષમાં બે વખત બચ્ચાં આપે છે. તેનો સેવનકાળ 28 દિવસનો હોય છે. ખડિયા તેતરમાં પૈતૃક પાલનવૃત્તિ વધુ તીવ્ર હોય છે.

દિલીપ શુક્લ