તુમકુર : કર્ણાટક રાજ્યના 31 જિલ્લાઓ પૈકી અગ્નિ ખૂણામાં આવેલો જિલ્લો અને તે જ નામનું વહીવટી મથક. આ જિલ્લાનું સ્થાન લગભગ 600થી 900 મી ઊંચાઈ ધરાવતા દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. અને તે આશરે 10,598 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. તેની વાયવ્યમાં ચિત્રદુર્ગ, પશ્ચિમમાં ચિકમંગલુર, નૈર્ઋત્યમાં હસ્સન, દક્ષિણમાં માંડય, અગ્નિમાં બૅંગાલુરુ, પૂર્વમાં કોલર અને ઉત્તરમાં આંધ્રપ્રદેશ રાજ્યના અનન્તપુર જિલ્લાઓની સીમાઓ આવેલી છે. આ જિલ્લાની પૂર્વ સીમા પર કૃષ્ણા અને કાવેરી નદીઓના તટપ્રદેશ(Basin)ને જુદી પાડતી પહાડી હારમાળા આવેલી છે. આ જિલ્લામાં શિમ્શા નદી તથા સ્થાનિક ઝરણાં વહે છે. તેમનાં જળ ખેતીમાં સિંચાઈ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ જિલ્લામાં ડાંગર, જુવાર, તેલીબિયાં અને ખેતીના અન્ય પાકો લેવાય છે. વળી ત્યાં નાળિયેરી પણ થાય છે. તિપ્તુર અને ચિકનાયકાન્હલી તેની ઉત્તમ નાળિયેરી માટે પ્રખ્યાત છે. વળી આ જિલ્લામાંથી લોહઅયસ્ક તથા ચૂનાખડકો, કોરન્ડમ વગેરે ખનિજો મળી આવે છે. અહીં ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રમણ અને વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. આ જિલ્લામાં તુમકુર શહેર સિવાય મદુગિરિ અને કુનિગાલ અગત્યની શહેરી વસાહતો છે. આ જિલ્લાની કુલ વસ્તી 26,81,449 (2011) જેટલી છે અને સરેરાશ વસ્તીગીચતાનું પ્રમાણ દર ચોકિમી. દીઠ 217નું છે.
તુમકુર શહેર આશરે 13° 20´ ઉ. અક્ષાંશ અને 77° 06´ પૂ. રેખાંશ પર દેવરાયદુર્ગ પહાડની તળેટીમાં લગભગ 1190 મી.ની ઊંચાઈએ આવેલું છે. ઊંચાઈ પરના તેના સ્થાનને કારણે તેની આબોહવા ખુશનુમા રહે છે, જેથી તે આરોગ્યદાયક વિહારધામ તરીકે ઊપસી આવ્યું છે. વળી તે રેલ અને સડક માર્ગોનું કેન્દ્ર છે અને મુંબઈ તથા બૅંગાલુરુને જોડતા રેલમાર્ગ અને ધોરી માર્ગ પર આવેલું છે.
તે નાના પાયા પરના અનેક ઉદ્યોગો ધરાવે છે. જેમાં ખાદ્યતેલ અને ચોખાનો મિલઉદ્યોગ, ઓજારો અને સાબુ બનાવવાના ઉદ્યોગો આગળ પડતા છે. અહીં આવેલી સરકારી કૉલેજ કર્ણાટક યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. શહેરની વસ્તી 3,65,821 જ્યારે મેટ્રો શહેરની વસિતી 4 લાખ છે. (2011)
બીજલ પરમાર