તિમોર સમુદ્ર : મલેશિયા દ્વીપકલ્પના તિમોર ટાપુને ઑસ્ટ્રેલિયા ખંડના ઉત્તર-પશ્ચિમ તરફના વિસ્તારથી વિખૂટો પાડતો છીછરા પાણીનો દરિયાઈ પ્રદેશ. તે 9° 21´ દ. અ. અને 125° 08´ પૂ. રે. પર આવેલો છે. તેનું પાણી ઉષ્ણકટિબંધના પાણીની જેમ અત્યંત ગરમ છે. તેના ઉત્તર તરફના વિસ્તારમાં ઇન્ડોનેશિયા, પૂર્વ તરફના વિસ્તારમાં મેલવિલે ટાપુ, દક્ષિણ-પૂર્વ (અગ્નિ) તરફના વિસ્તારમાં કલેરેન્સની સામુદ્રધુની, દક્ષિણ તરફના વિસ્તારમાં જૉસેફ બોનાપાર્ટ ખાડી તથા પશ્ચિમ તરફના વિસ્તારમાં સાહુલનો પટ આવેલો છે. આ સમુદ્ર તેના ઉત્તર-પૂર્વ તરફના આરાફુરા દરિયાને તેના દક્ષિણ-પશ્ચિમ (નૈર્ઋત્ય) તરફના હિંદ મહાસાગર સાથે જોડે છે. પશ્ચિમ તરફના સૂના સમુદ્ર તથા પૂર્વ તરફના તિમોર સમુદ્રની વચ્ચેનો ટાપુ તિમોર દ્વીપ નામથી ઓળખાય છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલ પૂર્વ તિમોરનો કુલ વિસ્તાર 17,222 ચોકિમી. તથા તેની કુલ વસ્તી આશરે 13.88 લાખ (2018) જેટલી છે. તિમોર ટાપુની લંબાઈ 480 કિમી. તથા તેની સૌથી વધુ પહોળાઈ આશરે 105 કિમી. છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે